Abtak Media Google News
  • છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં મેઘ કૃપા વરસી: અમરેલીના લીલીયા, સાવરકુંડલા અને મેંદરડામાં અઢીથી લઇ ચાર ઇંચ સુધીનો વરસાદ: ગોંડલના ગ્રામ્ય વિસ્તારોમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો: વિસાવદર, ગારીયાધર, લખતર અને જેસરમાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો

સૌરાષ્ટ્રમાં છૂટા છવાયા સ્થળોએ હળવા-ભારે ઝાપટાથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદનું જોર વધારે રહ્યું છે. ગોંડલના કમઢીયા ગામે અઢી કલાકમાં આઠ ઇંચ વરસાદ પડતાં એકસાથે પાંચ ચેકડેમ છલકાયા છે તેમજ ભાદર સહિત સ્થાનિક નદીઓમાં ઘોડાપુર આવ્યું છે. રાજકોટ સહિતના અનેક શહેરોમાં અસહ્ય બફારાથી શહેરીજનો વ્યાકુળ બન્યા છે. જો કે, આજે સવારથી જ રાજકોટમાં મેઘાવી માહોલ સાથે છાંટા પડ્યા હતા. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 214 તાલુકામાં વરસાદ થયો છે. જેમાં સૌરાષ્ટ્રના અમરેલીના લીલીયામાં સૌથી વધુ ચાર ઇંચ જ્યારે સાવરકુંડલામાં ત્રણ ઇંચ, અમરેલીમાં અઢી ઇંચ તેમજ ગોંડલમાં અને જૂનાગઢના મેંદરડામાં પણ અઢી ઇંચ વરસાદ નોંધાયો હતો.

ગોંડલ તાલુકાના કમઢીયામાં અઢી કલાકમાં ધોધમાર પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે ગામના પાંચ ચેકડેમ છલકાઇ ગયા હતા. વાસાવડી, ભાદર નદીઓમાં ઘોડાપુર આવ્યા હતા. ગોંડલમાં પણ બે ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેને પગલે રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા તેમજ કોટડા સાંગાણીમાં અને જામકંડોરણામાં પણ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. સાતોદળ, રામપર, રાજપરા, કાનાવડાલા, બોરીયા, સાજડયાડી, રંગપર સહિતના ગામોમાં સારો વરસાદ થયો છે. ઉપરવાસમાં પડેલા વરસાદને કારણે ફોફળ ડેમમાં દોઢ ફૂટ નવા નીરની આવક થઇ છે. અમરેલી જિલ્લામાં પણ સાર્વત્રિક ઝાપટાથી સાડા ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે. લીલીયામાં રાત્રે મૂશળધાર ચાર ઇંચ વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. લાપાળીયા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. બે કલાકમાં બે ઇંચ વરસાદ વરસી જતા ગામના રોડ પરથી ધોસભેંર પાણી વહેતા થયા હતા. જ્યારે અમરેલી શહેરમાં અઢી ઇંચ વરસાદ પડતા શહેરમાં વરસાદી પાણી વહેતા થયા હતા. સાવરકુંડલા શહેરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ગ્રામ્ય વિસ્તારમાં નેસડી, તરખડીયા, ગોખરવાડા, નાના મોટા ઝીંઝુડા, રામગઢ સહિતના વિસ્તારમાં વરસાદ વરસતા વિજળી ગુલ થવાની ફરિયાદો સામે આવી હતી. ખાંભા, ધારી, બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યાના અહેવાલ છે.

જૂનાગઢ, શહેરમાં પણ ગઇકાલે ધોધમાર વરસાદ પડે તેવું વાતાવરણ જામ્યું હતું પરંતુ બપોર બાદ મૂશળધાર વરસાદ શરૂ થયો હતો. ગીરનાર ઉપર અનરાધાર એક ઇંચ જ્યારે જૂનાગઢ શહેરમાં પણ બે ઇંચ જેટલો વરસાદ વરસતા પાણી ફરી વળ્યા હતા.

દ્વારકા જિલ્લામાં પણ સારો વરસાદ વરસ્યો હતો. ભાણવડ અને કલ્યાણપુરમાં પોણો ઇંચ વરસાદ વરસ્યો હતો. જામનગર જિલ્લાના જોડીયામાં પણ હળવાથી ભારે ઝાપટા પડ્યા હતા. મોરબી જિલ્લાના હળવદમાં સાંજે ધોધમાર એક ઇંચ વરસાદ વરસ્યો હતો અને શહેર પાણી-પાણી થઇ ગયું હતું.

આ ઉપરાંત ગઇકાલે સવારે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. ઉમરપાડામાં ફક્ત ચાર કલાકમાં 14 ઇંચ વરસાદ વરસતા નદી-નાળાઓનું રોદ્ર સ્વરૂપ દેખાયું હતું. જેને કારણે 16 રસ્તાઓ બંધ થયા હતા અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા હતા. આજે પણ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

જળાશયોમાં પાણીની નવી આવક છતાં ગત વર્ષ કરતા જથ્થો ઓછો

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી સતત વરસાદના કારણે રાજ્યના જળાશયોમાં પાણીની નવી આવક થઇ રહી છે. તેમ છતાં ગત વર્ષે આ સમયગાળામાં પાણીનો જેટલો જથ્થો 207 જળાશયોમાં હતો. તેના કરતા ઓછો છે. રાજ્યની જીવાદોરી ગણાતી નર્મદા યોજનાના સરદાર સરોવર ડેમમાં 51.67 ટકા જેટલો જથ્થો છે. ઝોન વાઇઝ જળાશયોમાં સૌથી ઓછો જથ્થો કચ્છમાં 16.68 ટકા અને ઉત્તર ગુજરાતમાં 19.41 ટકા છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ સામે સિઝનનો 30 ટકાથી વધુ વરસાદ થવા પામ્યો છે. સૌથી વધુ સૌરાષ્ટ્રમાં 38 ટકા, દક્ષિણ ગુજરાતમાં 36 ટકા, ઉત્તર ગુજરાતમાં 19 ટકા, પૂર્વ અને

મધ્ય ગુજરાતમાં 20 ટકા તેમજ કચ્છ વિસ્તારમાં 35 ટકા જેટલો વરસાદ થયો છે. જેના કારણે જળાશયોમાં પણ સતત નવા પાણી આવી રહ્યા છે. હાલમાં 207 જળાશયોમાં સરેરાશ 40.37 ટકા જેટલો પાણીનો જથ્થો છે. જે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 2718 એમસીએફટી જથ્થા જેટલો ઓછો છે.

રાજ્યના આઠ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ તો 10માં ઓરેન્જ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યને મેઘરાજા ધમરોળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના આઠ જિલ્લાઓમાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે તો 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ બીજી બાજુ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. બીજી બાજુ સૌરાષ્ટ્રના દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ કચ્છ, મોરબી, સુરેન્દ્રનગરની સાથે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં ભારે વરસાદની આગાહીને

પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે તો અરવલ્લી, મહિસાગર, ખેડા, પંચમહાલ, આણંદ અને દાહોદમાં પણ ભારે વરસાદ વરસવાની શક્યતા છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.