ઉપલેટાના ગ્રામ્ય પંથકોમાં સાત-સાત ઇંચ સુધી વરસાદ ખાબક્યો: સર્વત્ર જળબંબાકાર જેવી સ્થિતિ, નદીઓમાં ઘોડાપુર, ડેમ ઓવરફ્લો
શ્રાવણના બીજી સોમવારે વરૂણ દેવે સૌરાષ્ટ્ર પર અનરાધાર વ્હાલ વરસાવ્યુ હતું. રાજકોટ જિલ્લાના ઉપલેટા અને જામકંડોરણામાં ચાર-ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં અનરાધાર સાત-સાત ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ગીરના જંગલમાં પણ સાંબેલાધારે વરસાદ ખાબક્યો હતો. હજી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 153 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ વરસાદ ઉપલેટા, ઉંમરગામ અને જામકંડોરણામાં ચાર-ચાર ઇંચ વરસાદ વરસી ગયો હતો. આ ઉપરાંત બગસરામાં ત્રણ ઇંચ, બાબરામાં 3 ઇંચ, રાણાવાવમાં ત્રણ ઇંચ, સુત્રાપાડામાં પોણા ત્રણ ઇંચ, મેંદરડામાં અઢી ઇંચ, ખંભાળીયામાં અઢી ઇંચ, ઉમરાળામાં બે ઇંચ, કલ્યાણપુરમાં બે ઇંચ, પોરબંદરમાં બે ઇંચ, કેશોદમાં બે ઇંચ, જામજોધપુરમાં બે ઇંચ, વંથલીમાં બે ઇંચ, દ્વારકામાં પોણા બે ઇંચ, માળીયા હાટીના, ભાણવડ, બોટાદ, ગારિયાધાર, કુતીયાણામાં દોઢ ઇંચ વરસાદ વરસી ગયો હતો.
ઉપલેટામાં કાલે બપોર બાદ મેઘરાજાએ પધરામણી કરતા ત્રણ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ વરસી ગયો હતો. શહેરમાં છેલ્લા 24 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 4 થી 7 ઇંચ વરસાદ નોંધાયો છે.
ગઇકાલે સાંજ 6 વાગ્યાથી ઉપલેટા પંથકમાં પડેલા ધોધમાર વરસાદને કારણે પીવાનું પાણી પુરુ પાડતા મોજ ડેમમાં બે ફૂટ નવું પાણીની આવક થતા સપાટી 39.20 ફૂટે પહોંચી છે. જ્યારે વેણું ડેમની સપાટી 52.53 ફૂટે પહોંચતા ડેમના ત્રણ દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા હતા.
સવારે બંને ડેમોમાં પાણીની આવક બંધ થયેલ છે. જ્યારે ગઢળા, મોજીરા, ભાંખ, ખીરસરા સહિતના ગામોમાં સાત ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો. જ્યારે મોજ ડેમ વિસ્તારના ગામોમાં 4 થી 7 ઇંચ જેવો વરસાદ વરસી ગયો હતો. બંને ડેમોમાં પાણીની આવકને કારણે નીચાણવાળા ગામોને સાવચેત કરાયા હતા. જ્યારે લાઠ, કુઢેચ, મજેઠી ગામોમાં પણ 6 ઇંચ જેવું વરસાદ પડ્યો હતો. નાગવદર, વરજોગજાળીયા 4 ઇંચ પડ્યો છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે સવારથી અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લાના ત્રણ ડેમ ઓવરફ્લો થઇ ગયા છે. જ્યારે અનેક ડેમ નિર્ધારિત સપાટી સુધી ભરાય ગયા હોય દરવાજા ખોલી પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે. આજે ભાદર-2 ડેમના બે દરવાજા ચાર ફૂટ સુધી ખોલવામાં આવતા હેઠવાસના ગામોને સાવચેત કરી દેવાયા હતા.
- ગુજરાતમાં સિઝનનો સરેરાશ 77.75% વરસાદ: સૌરાષ્ટ્રમાં 73.81%
- કચ્છમાં સૌથી વધુ 125.71 ટકા જયારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 64.43 ટકા પાણી પડયું
રાજયમાં આજ સુધીમાં ચોમાસાની સિઝનનો સરેરાશ 77.75 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં 73.81 ટકા પાણી પડી ગયું છે. રાજયમાં સૌથી વધુ વરસાદ કચછ રિજીયનમાં 125.71 ટકા પડયો હતો. જયારે સૌથી ઓછો વરસાદ ઉત્તર ગુજરાતમાં 64.43 ટકા વરસાદ વરસ્યો છે પૂર્વ-મઘ્ય ગુજરાતમાં 66.85 ટકા વરસાદ વરસ્યો છે જયારે સૌરાષ્ટ્રમાં 73.81 ટકા વરસાદ પડયો છે. દક્ષિણ ગુજરાતમાં 88.01 ટકા વરસાદ વરસી ગયો છે.
જુન માસમાં રાજયમાં સરેરાશ 64.22 મી.મી. વરસાદ પડયો હતો. જુલાઇ માસમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. રાજયમાં 531.47 મીમી વરસાદ વરસ્યો હતો. ઓગસ્ટના પ્રથમ એક સપ્તાહમાં 65.29 મીમી વરસાદ વરસી ગયો છે. 1992 થી 2021 સુધીમાં રાજયમાં સિઝનનો સરેરાશ 850 મીમી વરસાદ પડે છે. દરમિયાન આજ સુધીમાં 660.98 મીમી વરસાદ પડયો છે. સિઝનનો 77.75 ટકા જેવો થવા પામે છે.
- રાજયના 153 તાલુકાઓમાં મેઘ મહેર
- ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અનેક સ્થળોએ મેઘાવી માહોલ
રાજયમાં આગામી ચાર દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી અનેક વિસ્તારોમાં મેઘકૃપા વરસી રહી છે આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજયના 153 તાલુકાઓમાં વરસાદ પડયો છે.ઉપલેટા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સાત ઈંચથી પણ વધુ વરસાદ પડયો હતો. જયારે ગીરના જંગલમાં અનરાધાર 10 ઈંચ જેટલો વરસાદ પડયો હોવાના અહેવાલ મળી રહ્યા છે.
રાજયમાં સોમવારે પણ મેઘકૃપા ચાલુ રહેવા પામી હતી રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં 7 ઈંચ જેટલો વરસાદ પડયો હતો. જામકંડોરણા પંથકમાં ત્રણ ચાર ઈંચ વરસાદ વરસી ગયો હતો. બગસરામાં ત્રણ ઈંચ, બાબરામાં ત્રણ ઈંચ, રાણાવાવમાં 3 ઈંચ, સુત્રાપાડામાં 3 ઈંચ વરસાદ પડયો હતો.
કચ્છમાં મેઘવિરામ જેવો માહોલ રહ્યો હતો. ઉતર ગુજરાતમાં હળવા ઝાપટાથી લઈ સાડા ત્રણ ઈંચ સુધી વરસાદ પડયો હતો. પૂર્વ મધ્ય ગુજરાતમાં ઝાપયાથી લઈ બે ઈંચ સુધી, દક્ષિણ ગુજરાતમાં ચાર ઈંચ સુધી વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લાને બાદ કરતા સાર્વત્રીક મેઘમહેર જોવા મળી હતી. હળવા ઝાપટાથી લઈ સાત ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.