સાબરકાંઠાના વિજયનગરમાં સૌથી વધુ છ ઇંચ, વિજાપુરમાં પાંચ, તાલોદ, હિંમતનગર, માણસા, રાધનપુર, ઇડરમાં ચાર ઇંચ, કલોલ, ભીલોડા, પોસીનામાં ત્રણ ઇંચ: સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી લઇ એક ઇંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજા અવિરત હેત વરસાવી રહ્યા છે. આજે સવારે પુરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન 32 જિલ્લાના 217 તાલુકાઓમાં હળવા ઝાપટાથી લઇ છ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. સૌરાષ્ટ્રમાં શ્રાવણના સરવડા વરસ્યા હતા. આજે સવારથી મેઘાવી માહોલ જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજ સુધીમાં સિઝનનો 83.70 ટકા વરસાદ વરસી ગયો છે.
હજી ચોમાસાની સિઝન પુરી થવાના આડે દોઢ માસ જેટલો સમય ગાળો બાકી હોય ચોમાસુ સોળ આની પણ સવાયુ રહે તેવી સંભાવના છે. આગામી ત્રણ દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે. સોમવાર અને મંગળવારે રાજ્યમાં છુટા છવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.
રાજ્યમાં શુક્રવારે મેઘરાજાનું જોર વધ્યું હતું. જો કે, સૌરાષ્ટ્રમાં માત્ર શ્રાવણના સરવડા જ વરસ્યા હતા. આજે સવારે પૂરા થતા છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 217 તાલુકાઓમાં વરસાદ પડ્યો હતો. સૌથી વધુ વરસાદ સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં અનરાધાર છ ઇંચ વરસાદ વરસી ગયો હતો. વિજાપુરમાં પાંચ ઇંચ, તાલોદમાં ચાર ઇંચ, હિંમતનગરમાં ચાર ઇંચ, માણસામાં ચાર ઇંચ, રાધનપુરમાં ચાર ઇંચ, ઇડરમાં ચાર ઇંચ, કલોલ, ભીલોડા, પોસીનામાં ત્રણ-ત્રણ ઇંચ, ઉમરપાડા, મહેસાણા, ખેરાલુ, પ્રાતીંજ અને દાંતામાં અઢી ઇંચ, જોટાના, બેચરાજી, મહુવા, કડી, બારડોલી, પાલનપુર, ગાંધીનગર, પારડી, અમીરગઢમાં બે ઇંચ, કપરાડા, સિધ્ધપુરા, મહુવા, સાતલસાણા, વાપી, વડગામ, હાલોલમાં પોણા બે ઇંચ, વલસાડ, માંગરોળ, લુણાવાડા, નવસારી, સિનોર, બેરગામ, વિસનગર, બાલાસિનોર, ડિસામાં દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો. રાજ્યના 71 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. બાકીના તાલુકાઓમાં ઝાપટાથી લઇ પોણો ઇંચ જેટલો વરસાદ વરસી ગયો હતો.
સૌરાષ્ટ્રમાં શુક્રવારે મેઘરાજાનું જોર ઘટ્યુ હતું. કોડીનાર અને ગીર ગઢડામાં સૌથી વધુ એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે તાલાલા, ઉના, જામ કંડોરણા, ઉપલેટા અને માળીયા મીયાણામાં પોણો ઇંચ વરસાદ પડ્યો હતો. દસાડા, લખતર, ધોરાજી, જોડીયા, કેશોદ, માળીયા હાટીના, વંથલી, વિસાવદર અને ખાંભામાં અર્ધા ઇંચ વરસાદ પડ્યો હતો.
રાજ્યમાં આજ સુધીમાં સિઝનનો 83.70 ટકા વરસાદ વરસી ગયો છે. કચ્છ રિજીયનમાં સૌથી વધુ 133.79 ટકા, ઉત્તર ગુજરાતમાં 74.18 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 71.87 ટકા, સૌરાષ્ટ્રમાં 78.30 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.28 ટકા વરસાવ વરસી ગયો છે. આજે સવારથી રાજ્યના 26 તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે.
206 જળાશયો પૈકી 69 ડેમ 100 ટકા ભરાયા
સરદાર સરોવર સિવાયના જે 206 જળાશયો પૈકી 69 ડેમ 100 ટકા, 12 ડેમ 80થી 90 ટકા અને 35 ડેમ 50તી 70 ટકા સુધી ભરાયાં છે. જે 73 જળાશયોમાંથી પીવાનું પાણી લેવામાં આવે છે તે પૈકીના 62 ટકા જળાશયોમાં ઓગસ્ટ 2023 સુધી ચાલે તેટલો પાણીનો જથ્થો છે. હાલ ગુજરાતના જળાશયોમાં 71.87% પાણીનો જથ્થો છે. જેમાં ઉત્તર ગુજરાતમાં 34.22%, મધ્ય ગુજરાતમાં 54.02%, દક્ષિણ ગુજરાતમાં 75.30%, કચ્છમાં 70.78%, સૌરાષ્ટ્રમાં 63.63%, નર્મદા ડેમમાં 83.10% પાણીનો જથ્થો છે.
ઉકાઈ ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડાયું
તાપી નદીના કોઝવેએ ભયજનક સપાટી વટાવી હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પડી રહેલા અનરાધાર વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી રહી છે. ડેમની રૂલ લેવલ સપાટીને જાળવી રાખવા તંત્ર દ્વારા મથામણ કરવામાં આવી રહી છે.
ડેમમાંથી 1.83 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેને પગલે સુરતમાંથી પસાર થતી તાપી નદી બે કાંઠે વહી રહી છે. લોકમાતા તાપી નદીમાં ભરપૂર માત્રામાં પાણી વહેતું થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળ્યા હતા.
ઉકાઈ ડેમમાંથી ભરપૂર માત્રામાં પાણી છોડવામાં આવતાં સુરતના સીંગણપોર કોઝવેની સપાટીમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. કોઝવે હાલ 9.31 મીટરની સપાટી પર વહેતો થયો છે, સાથે જ તાપી નદી પરના ત્રણ બ્લડગેટ બંધ કરી દેવામાં આવ્યા છે.