મારી હુંડી સ્વીકારો મેઘરાજ રે. ! 2020 નાં એપ્રિલ તથા મે મહિનામાં દેશની હાલત કાંઇક એવી હતી કે ઇકોનોમીનું શું થશે તે કોઇ કલ્પના કરી શકતું નહોતું. કદાચ એ સમયે કોઇ નરસૈંયાઐ હુંડીનું ભજન ગાયું હશે અને મેઘરાજાએ હુંડી સ્વીકારી લીધી. જેના કારણે ભારતીય અર્થતંત્રને બહુ મોટો ટેકો મળ્યો. આંકડાની ભાષામાં વાત કરીઐ તો છેલ્લા બે વર્ષથી વરૂણદેવની અસીમ કૄપાનાં કારણે દેશમાં કૄષિ ઉત્પાદન સારૂં થયું છે અને કૄષિ નિકાસ પણ સારી થઇ છે. જેના કારણે આપણી ઇકોનોમીને ટેકો મળ્યો છે. આ વખતે પણ વરતારો એવો છે કે ચોમાસું સારૂં રહેશે. જો ખરેખર મેઘરાજાની મહેરબાની રહે તો આ વખતે પણ ખરિફ ઉત્પાદન બમ્પર થાય અને ભારતની કોવિડ-19 ની પીડાંથી લંગડાતી ઇકોનોમી ને નવું બળ મળશે. તેથી જ કહી શકાય કે મેઘની મહેર તો ઇકોનોમીમાં લીલાલહેર ..!
એશિયાની ત્રીજા નંબરની ઇકોનોમી અર્થાત ભારત હાલમાં છાશવારે લોકડાઉનનો સામનો કરી રહી છે. દેશનો 50 ટકા થી વધારે વર્ગ ખેતી આધારિત રોજગાર ઉપર નભે છે. ગ્રામિણ ઇકોનોમીમાં કૄષિ ક્ષેત્રનો હિસ્સો 39 ટકા હોય છે. જુન-2020 માં ઇકોનોમી 3.4 ટકા વિકાસ પામી છૈ બાકીના મોટા સમયમાં ઇકોનોમી -24 ટકા રહી હતી. ત્યાર બાદ છેક ડિસેમ્બર-2020માં વૄધ્ધિ દર પોઝિટીવ આવ્યો હતો.
માંડ સ્થિતી સામાન્ય થઇ અને કારોબાર ધબકતા થયાં ત્યારે રિઝર્વ બેંકે ઇકોનોમી 10.5 ટકાના દરે વિકસવાની ધારણા રજૂ કરી હતી.પરંતુ ફરી આવી પડેલા લોકડાઉને આ ઉજળા ચિત્રને ફરી ધુંધળું કરી નાખ્યું છે. આ ચિત્રને ફરી સાફ સૂથરૂ કરવા માટે મેઘરાજાઐ જાણે ફરી જવાબદારી સંભાળી છે. ભલે બે દિવસ મોડું થયું પણ ચોમાસું સરેરાશ 101 ટકા રહેવાની ધારણા છે. દેશમાં એવરેજ રેન ફોલ 880 મી.મી. રહેશે. સામાન્ય રીતે ચાર મહિનાનાં આ ચોમાસામાં દેશમાં વર્ષ દરમિયાન થતા કુલ વરસાદનો 70 ટકા વરસાદ થઇ જતો હોય છે. જે દૈશની પાણીની જરૂરિયાત પુરી પાડે છે, ઉપરાંત દેશનાં 89 જેટલા મોટા જળાશયોમાં પાણી ભરાતું હોવાથી સિંચાઇની સુવિધા આપે છે. આ ઉપરાંત ઘણા એવા જળાશયો છે જે છલકાય એટલે વીજળીનું ઉત્પાદન શરૂ કરી શકાય છૈ આ એક એવી ગ્રીન એનર્જી છે જે વિકાસમાં સિંહફાળો આપે છે.
2020-21 નાં સારા ચોમાસાના કારણે દેશમાં અત્યાર સુધીનું વિક્રમી 30 કરોડ ટન ખાદ્યાન્ન થયું હોવાનો અંદાજ છે.યાદ રહે કે દેશમાં 56 ટકા વિસ્તાર એવો છે જયાં ખેતી માટે વરસાદના પાણીની બહુ મોટી ભૂમિકા હોય છે. આ 56 ટકા વિસ્તાર દેશનાં કુલ કૄષિ ઉત્પાદનનો 44 ટકા જેટલી નિપજ આપે છે. છેલ્લા બે વર્ષનાં સારા ચોમાસાનાં કારણે જ આપણા કૄષિ ઉત્પાદનમાં 2.66 ટકાનો વધારો જોવા મળ્યો છે. જેના કારણે દેશમાં ખાદ્યાન્નની સુરક્ષા વધુ મજબુત બની છે. કદાચ આજ કારણ છે કે ગત વર્ષે સરકાર 80 કરોડ લોકો માટે જાહેર વિતરણ વ્યવસ્થા મારફતે અનાજની વ્યવસ્થા કરી શકી હતી. એટલે જ દેશમાં ભુખમરાથી થતા મોત નિવારી શકાયા હતા. ભારતે બફર સ્ટોક માટે જમા રાખવા જરૂરી અનાજનાં જે નિયમો 2015માં નક્કી કર્યા છે તેના કરતા અત્યારે ભારત સરકારનાં ગોદામોમાં 3.5 ગણો વધારે સ્ટોક છે.
હવે જો આગામી ચોમાસુ પણ સામાન્ય રહે તો બફર સ્ટોકમાં થનારો વધારો સ્થાનિક બજારમાં આવશ્યક વસ્તુઓના ભાવને કાબુમાં રાખશે. સાથે જ સ્થાનિક ફૂગાવો ચાર થી છ ટકાની રેન્જમાં રહેશે અને આમ જનતા પોતાની આવકનાં પ્રમાણમાં ખાધાખોરાકી માટના જરૂરી ખર્ચા કરવા માટે સક્ષમ રહેશે. આ એક એવી બેઝીક જરુરિયાત છે જે માનવજાતને ભુખમરા સામે બચાવીને સ્થાનિક સ્તરે વિદ્રોહ કે બળવાથી દુર રાખે છે. ભારતીય નિકાસકારોને વૈશ્વિક બજારમાં કૄષિ પેદાશોની સ્પર્ધાત્મક ભાવે નિકાસ કરવા માટે સક્ષમ બનશે જે આપણને વિદેશી હુંડિયામણ રળી આપશે. આપણી નજર સામે છે કે ગત સિઝનનાં સારા પાક-પાણીનાં કારણે જ દિવાળી વખતથી ભારતનાં દિવેલ, સિંગતેલ, સોયાખોળ, ખાંડ, ઘઉં તથા બાસમતી જેવા પરંપરાગત કૄષિ ઉત્પાદનોની નિકાસમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો.
હાલમાં જ જાહેર થયેલા આંકડા મુજબ 2020-21 ના વર્ષમાં ભારતની કૄષિપેદાશો તથા અન્ય કૄષિ સંલગ્ન પેદાશોની નિકાસમાં 17.34 ટકા જેટલો ઉછાળો જોવા મળ્યો છે. અને દેશને 41.25 અબજ ડોલરનું વિદેશી હુંડિયામણ રળવાનો મોકો મળ્યો છે. જેમાંથી પરંપરાગત કૄષિ પેદાશોની નિકાસ તો 28 ટકા જેટલી વધી છે. જે ભારતની તિજોરી માટે જમા પાસું છે. આવી સફળતા જ દેશના ફોરેક્ષ રિઝર્વમાં વધારો કરતી હોય છે. આંકડા આ વાતને પણ સમર્થન આપે છે, દેશનું ફોરેક્ષ રિઝર્વ વધીને 605 અબજ ડોલર ઓલટાઇમ હાઇ થયું છે. એક જ વર્ષમાં 100 અબજ ડોલરનો વધારો થયો છે. થોડું બળ મળે એટલે આપણે વિદેશી હુંડિયામણની બાબતમાં રશિયા કરતા આગળ નીકળીને વિશ્વમાં ચોથા ક્રમે આવી જઇશું. આ પ્રગતિ 130 કરોડની વસ્તીવાળા બે વાર કોવિડ-19 ના ભરડામાં આવીને લોકડાઉન ભોગવી ચુકેલા ભારતની છે. આ પ્રગતિનું ગાડું કદાચ દેશનો કિસાન ખેંચી રહ્યો છે.. ..! અને મેઘરાજ તેમની હુંડી સ્વીકારીને વરસાદના રૂપમાં પ્રગતિ આપી રહ્યા છે.