ભારે વરસાદે આઠ દિવસમાં 43 લોકોનો ભોગ લીધો: નવસારી જીલ્લામાં પાણીમાં ફસાયેલા 6 નાગરિકોને કોસ્ટ ગાર્ડ દ્વારા એરલીફટ કરાયા
રાજ્યમાં અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત ચાલુ રહેતા પૂરની સ્થિતિ સર્જાઇ છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે આઠ જિલ્લા જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટમાં છે. અસરગ્રસ્ત જિલ્લાઓમાં એનડીઆરએફની 19 ટીમ તૈનાત છે અને 1 ટીમ રિઝર્વ રખાઇ છે. એસડીઆરએફની 22 પ્લાટુન અને એક ટીમ ડિપ્લોય કરાઇ છે. આ ટીમો દ્વારા 570 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. વરસાદને કારણે છેલ્લા 24 કલાકમાં વધુ 14 લોકોના મૃત્યુ થયા છે. 7 જુલાઇથી આજદિન સુધીમાં 43 મૃત્યુ નોંધાયા છે જ્યારે કુલ માનવ મૃત્યુઆંક 95એ પહોંચ્યો છે. 148 ગામોમાં એસટીના રૂટ બંધ કરવામાં આવ્યા છે. અત્યારસુધીમાં કુલ 39,177 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું જે પૈકી હજુ પણ 21,243 લોકો આશ્રયસ્થાનોમાં આશરો લઇ રહ્યા છે. હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.
મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપન મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાજ્યમાં પડી રહેલા વરસાદની પરિસ્થિતિ અંગે સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, અતિભારે વરસાદને પરિણામે નવસારી જિલ્લાના વિવિધ ગામોમાં પાણીના વહેણમાં ફસાયેલા નાગરિકોને કોસ્ટ ગાર્ડની મદદથી ચોપર દ્વારા છ નાગરિકોને એરલિફ્ટ કરાયા છે અને એરલિફ્ટ થકી રેસ્ક્યુ ઓપરેશનની કામગીરી હજુ ચાલુ છે.
રાજ્યના વહીવટી તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કુલ 39,177 નાગરિકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું જે પૈકી કુલ 17,394 નાગરિકો સ્વગૃહે પરત ફર્યાં છે જ્યારે 21,243 નાગરિકો વિવિધ આશ્રયસ્થાનોમાં આશરો લઈ રહ્યાં છે, જેમને ભોજન સહિત પૂરતી વ્યવસ્થા વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે. આ પરિસ્થિતિમાં પાણીમાં ફસાયેલા કુલ 570 નાગરિકોનું રેસ્કયૂ કરી તેમના જીવ બચાવવામાં આવ્યા છે. રાજ્યના આઠ જિલ્લાઓમાં હજુ પણ રેડ એલર્ટ છે. અતિ ભારે વરસાદવાળા નવસારી, ચિખલી અને ગણદેવી વિસ્તારમાં વહીવટીતંત્ર ખડે પગે છે.
મંત્રી ત્રિવેદીએ કહ્યું કે, રાજ્યમાં અસરગ્રસ્ત જિલ્લાઓમાં 19 એનડીઆરએફની ટીમ તહેનાત કરાઇ છે જ્યારે 1 ટીમ રિઝર્વ રખાઇ છે. જ્યારે 22 એસડીઆરએફની પ્લાટુન અને એક ટીમ ડીપ્લોય કરવામાં આવી છે, જ્યારે એસડીઆરએફની ચાર પ્લાટુન અને એક ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. આ ટીમો દ્વારા 570 નાગરિકોના રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
મંત્રી ત્રિવેદીએ ઉમેર્યું કે, રાજ્યમાં તા.7 જુલાઇથી અત્યાર સુધીમાં 43 માનવ મૃત્યુ નોંધાયા છે જેમાં સૌથી વધુ મૃત્યુ વીજળી પડવાથી થયા છે. તે ઉપરાંત 477 પશુઓના મૃત્યુ નોંધાયા છે. રાજ્યના ગામોમાં કાર્યરત 14,610 એસટી બસના રૂટમાંથી સલામતિના કારણોસર 148 ગામોના રૂટ બંધ કરવામાં આવ્યા છે. તેવી જ રીતે 18 હજારથી વધુ ગામો પૈકી અસરગ્રસ્ત 5,467 ગામોમાં વીજપુરવઠો ખોરવાયો હતો જેમા 5,426 ગામોમાં વીજ વ્યવસ્થા પૂર્વવત કરાઈ છે.
રાજ્યમાં થયેલા વરસાદના કારણે 27 સ્ટેટ હાઈવે, 30 અન્ય માર્ગો અને 559 પંચાયતના માર્ગો સુરક્ષાની દ્રષ્ટિકોણથી વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે, જ્યારે નવસારી, ડાંગ અને કચ્છમાંથી પસાર થતા નેશનલ હાઈવે બંધ કરાયા છે તે ખુબ જ ઝડપથી પૂર્વવત થઈ જશે.
રાજ્યમાં વરસાદને પરિણામે તા.7 જુલાઇથી અત્યાર સુધીમાં કાચા અને પાકા કુલ 126 મકાનો સંપુર્ણ નુક્શાન પામ્યા છે અને 19 ઝુંપડા સંપુર્ણ નુક્શાન પામ્યા છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં યુદ્ધના ધોરણે સર્વે કરીને નુકસાન પામેલાં મકાન-ઝૂંપડા માટે સહાય અપાશે. રાજ્યના વહીવટી તંત્રની પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યું છે ત્યારે અસરગ્રસ્ત વિસ્તારોમાં નાગરિકોને સવિશેષ કાળજી રાખવા પણ મંત્રીએ અનુરોધ કર્યો હતો.