જ્ઞાતિના ૨૧૦૦ વિદ્યાર્થીઓને શિક્ષણકીટનું વિતરણ કરી પ્રોત્સાહિત કરાયા
ગુર્જર ક્ષત્રીય કડીયા જ્ઞાતી સમસ્ત રાજકોટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મેગા સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતુ.
આ વર્ષે કડીયા સમાજ દ્વારા ઐતિહાસીક સમગ્ર ભારતભરમાં પ્રથમ વખત એક સાથે ૨૧૦૦ વિદ્યાર્થી દિકરા-દિકરીઓને ઈનામ વિતરણ કરવામા આવ્યું હતુ. આતકે પૂર્વ મંત્રી ગુજરાત રાજય તેમજ રાજકોટ ૭૦ ના ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહી અને સમગ્ર વિદ્યાર્થી દિકરા દિકરીઓને શિક્ષણ બાબતનું માર્ગદર્શન આપેલ હતુ આ સમારોહમાં ધો.૧થી લઈને ગ્રેજયુએશન સુધીનાં દરેક વિદ્યાર્થીઓને શિલ્ડ સ્કુલબેગ તેમજ નોટબુક સેટનું વિતરણ કરવામાં આવ્યું હતુ તથા ૧૫૦ પેઈજનો એક એવા ૧૦ ફૂલ સ્કેપ નોટબુકના સેટનું વિતરણ તથા દરકે ધોરણમાં પ્રથમ, દ્વિતિય, તૃતીય ક્રમાંક મેળવેલ વિદ્યાર્થી દિકરા દિકરીઓને શીલ્ડ આપી તેઓનું ઉપસ્થિત મહાનુભાવો તેમજ દાતાઓ દ્વારા સન્માન કરવામા આવ્યું હતુ.
કાર્યક્રમનું શરૂઆતમાં ભારતના પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાયજીને સમગ્ર સમાજ દ્વારા ઉભા થઈ અને ૨ મીનીટનું મૌન ધારણ કરી અને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી. ઉપસ્થિત ૬૫૦૦થી વધારે સમાજના લોકો દ્વારા શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવેલ હતી.
ઉપસ્થિત દરેક જ્ઞાતિ અગ્રણીઓ તથા વિદ્યાર્થીઓ અને સાથે આવેલ વાલીગણ તથા અન્ય દરેક લોકોનું શાબ્દીક સ્વાગત શ્યામવાડી ટ્રસ્ટના પ્રમુખ મનસુખભાઈ ટાંક દ્વારા કરવામાં આવેલ હતુ ત્યારબાદ કાર્યક્રમને આગળ વધારતા ઉપસ્થિત જ્ઞાતિ સમસ્તના કારોબારી સભ્યો, શ્યામવાડી ટ્રસ્ટના હોદેદારો, શ્યામમંદિર સમિતિનાં હોદેદારો, વિદ્યાર્થી મંડળના હોદેદારો, મોહન માંડણ વિદ્યાર્થી ભવન સમિતિના હોદેદારો, સાંસ્કૃતિક અને રમત ગમત સમિતિના હોદેદારો, ઉપસ્થિત દાતાઓ અને અન્ય આગેવાનો દ્વારા દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતુ.
આ તકે જ્ઞાતિ સમસ્તના તમામ હોદેદારો, આગેવાનો, દાતાઓ દ્વારા પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીનું ફૂલહાર પહેરાવી તથા શાલ ઓઢાળી સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ ગુજરાત રાજય ઓબીસી નિગમના ચેરમેન અને રાજકોટ જ્ઞાતિ સમસ્તના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને આશિર્વચન પાઠવ્યા હતા. તેઓએ પૂ. આપાગીગાના જયઘોષ સાથે પોતાના પ્રાસંગીક પ્રવચનની શરૂઆત કરી હતી. તેઓએ જણાવ્યું હતુ કે આજના ટેકનોલોજીના યુગમાં સમાજના હિતમાં ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ કરી સારા કાર્યો કરવા જોઈએ. સોશ્યલ મીડીયાનો હકારાત્મક રીતે વપરાશ થાય તો આજનો યુવાન ઘણો આગળ આવી શકે છે.
ઓબીસી નિગમમાંથી વિદ્યાર્થીને મળવાપાત્ર લાભ વિશે પણ જાણકારી આપી હતી. તેમાં વિદ્યાર્થીને અભ્યાસ દરમિયાન મળતી લોન સહાય તથા અભ્યાસ બાદ નોકરી ધંધા માટે પણ મળતી ઓબીસી નિગમની વિવિધ યોજનાઓ અને લોન સહાય વિશે જાણકારી આપી હતી.
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જ્ઞાતી સમસ્તના તમામ હોદેદારો, આગેવાનો, દાતાશ્રીઓ તથા દરેક સમિતિઓ અને મંડળોના સભ્યોનો અને ઉપસ્થિત વિદ્યાર્થીગણ તથા વાલીગણનો જ્ઞાતિ પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીએ હૃદય પૂર્વકનો આભાર વ્યકત કર્યો હતો.