અબતક, રાજકોટ
વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટેનું એકમાત્ર અમોઘ હથિયાર રસીકરણ જ છે. રાજકોટમાં 100% નાગરિકોને વેક્સીનનો પ્રથમ ડોઝ અને 85%થી વધુ નાગરિકોને વેક્સીનનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે. દરમિયાનમાં આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વેક્સીનેશન માટે મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. ેમાં ખુદ મ્યુનિ. કમિશનર અમિત અરોરા ફીલ્ડમાં ઉતર્યા હતાં. તેઓએ અલગ-અલગ 2 આરોગ્ય કેન્દ્રોની મુલાકાત લઇ વેક્સીનેશનની કામગીરી નીહાળી હતી.
સાથોસાથ વેક્સીન લેવા આવેલા નાગરિકો સાથે પણ સંવાદ કર્યો હતો. બપોર સુધીમાં 6,812 લોકોને વેક્સીન આપી દેવામાં આવી હતી. રાત્રિના 9:00 વાગ્યા સુધી આ મેગા ડ્રાઇવ ચાલશે. કોર્પોરેશન દ્વારા ગત 17મી સપ્ટેમ્બરના રોજ મેગા વેક્સીનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. જેમાં 48,000 લોકોએ વેક્સીન લીધી હતી. જે પૈકી પ્રથમ ડોઝ લેનારા નાગરિકોને 84 દિવસ થઇ ગયા હોય આજે બીજા ડોઝને ફોક્સ કરવા માટે ખાસ ડ્રાઇવ શરૂ કરવામાં આવી હતી. જેમાં બપોરે 1:00 વાગ્યા સુધીમાં 1,659 નાગરિકોને પ્રથમ ડોઝ અને 5,153 નાગરિકોને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. આજે સવારે મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ પ્રણામી આરોગ્ય કેન્દ્ર અને જંક્શન આરોગ્ય કેન્દ્ર ખાતે ચાલી રહેલી વેક્સીનેશનનું કામગીરીનું નિરિક્ષણ કર્યુ હતું અને ફિલ્ડમાં નીકળી અલગ-અલગ સ્થળોએ નાગરિકો સાથે સિધો સંવાદ કર્યો હતો. જે લોકો વેક્સીનનો પ્રથમ કે બીજો ડોઝ લેવામાં બાકી છે તેઓને ખાસ વેક્સીન લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો. મ્યુનિ.કમિશનર ઉપરાંત નાયબ મ્યુનિ. કમિશનર આશિષ કુમાર અને આરોગ્ય અધિકારી ડો.લલીત વાજા પણ ફિલ્ડમાં નીકળ્યા હતા. આજે સવારથી મેગા વેક્સીનેશન ડ્રાઇવ શરૂ કરી દેવામાં આવી છે. આરોગ્ય કેન્દ્ર પર રાત્રિના 9:00 વાગ્યા સુધી વેક્સીન આપવામાં આવશે.
પ્રણામી અને જંક્શન આરોગ્ય કેન્દ્રોની રૂબરૂ મૂલાકાત લીધી, વેક્સિનેશનની કામગીરી નિહાળી નાગરિકો સાથે ર્ક્યો સંવાદ: બપોર સુધીમાં 6812 લોકોનું રસિકરણ