1પ થી 18 વયના બાળકોને રસી અપાશે: શાળા સહિતના સ્થળોએ રસીકરણ માટે ખાસ વ્યવસ્થા કરાશે
શાળાએ ન જતા બાળકો માટે 8 અને 9 જાન્યુઆરીએ ખાસ વેકિસનેશન સેશન યોજાશે
વૈશ્ર્વિક મહામારી કોરોનાને નાથવા માટેનું એક માત્ર હથિયાર વેકિસનેશન જ છે. ગત 16મી જાન્યુઆરીથી દેશમાં મહા રસિકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
દરમિયાન આગામી સોમવારથી દેશભરમાં 1પ થી 18 વર્ષના બાળકોને કોરોનાની વેકિસન આપવાનું શરૂ કરવામાં આવશે. ગુજરાતમાં 3પ લાખ બાળકોને કોરોનાથી સુરક્ષીત કરવા માટે 3 થી 9 જાન્યુઆરી સુધી ખાસ મેગા વેકિસનેશન ડ્રાઇવ હાથ ધરવામાં આવશે જેમાં શાળાઓ તથા જયાં બાળકોની સંખ્યા વધુ માત્રામાં હોય ત્યાં ખાસ વેકિસનેશન કેમ્પ યોજવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તાજેતરમાં રાષ્ટ્રજોગ સંબોધનમાં એવી જાહેરાત કરી હતી કે દેશમાં આગામી 3 જાન્યુઆરીથી 15 થી 18 વર્ષના બાળકોને કોરોનાની વેકિસન આપવાની શરુઆત કરવામાં આવશે જયારે 10મી જાન્યુઆરીથી સિનીયર સિટીજનોને પ્રીકોશન ડોઝઆપવાનું શરુ કરવામાં આવશે.
દરમિયાન ગુજરાતમાં 1પ થી 18 વર્ષની ઉમરના 3પ લાખ બાળકોને વેકિસન આપી કોરોના સામે સુરક્ષીત કરવા માટે આગામી 3 જાન્યુઆરીથી ખાસ મેગા વેકિસનેશન ડ્રાઇવ શરુ કરવામાં આવશે. જે 9મી જાન્યુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે. તેની જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવી છે.જેમાં શાળાઓ અને અન્ય સ્થળે જયા: આ વયના જાુથના લાભાર્થી હોય ત્યાં રસીકરણ માટે અલાયદા સેશન યોજવામાં આવશે.
7મી જાન્યુઆરીના રોજ સમગ્ર રાજયમાં તમામ શાળાઓ અને અન્ય સંસ્થા ખાતે મેગા ડ્રાઇવ કરી બાળકોને આવરી લેવામાં આવશે. શાળાએ ન જતા બાળકો માટે 8 અને 9 જાન્યુઆરીના રોજ અનુકુળ સમયે સેશન રાખી બાળકોને રસી આપવામાં આવશે. આજથી ઓનલાઇન રજીસ્ટ્રેશન શરુ કરવામાં આવશે જે ત્રીજી જાન્યુઆરી સુધી ચાલુ રાખવામાં આવશે.
આગામી 10મી જાન્યુઆરીથી હેલ્થ વર્કર ફેન્ટ લાઇન વર્કર, 60 વર્ષથી વધુ ઉમર ધરાવતા વધુ ઉમરના કો મોર્બિડ લાભાર્થીઓને પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. 60 વર્ષથી વધુ વયના સીનીયર સીટીજનો તબીબી પ્રમાણપત્ર આપી પ્રિકોશન ડોઝ લઇ શકશે. જે લાભાર્થીઓએ વેકિસનના બન્ને ડોઝ લઇ લીધા હોય તેને 9 માસ વિતી ગયા હોય તેને જ પ્રિકોશન ડોઝ આપવામાં આવશે. એલીજીબલ લાભાર્થીઓને મોબાઇલ પર એસ.એમ.એસ. કરી જાણ કરવામાં આવશે.
રાજકોટ શહેરમાં 80 હજાર બાળકોને વેકિસનના ડોઝ આપવા માટે કોર્પોરેશને તૈયારી કરી છે આ માટે અલગ અલગ 80 ટીમો બનાવી છે. જે શાળાઓ જઇ બાળકોને વેકિસન આપશે.
આજથી વેક્સિનના બંને ડોઝ લેનારને જ સરકારી કચેરીમાં પ્રવેશ
રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. વેક્સિનેશન અમોધશસ્ત્ર સાબિત થઇ રહ્યું છે વધુને વધુ લોકો વેક્સિનેશન માટે પ્રેરાય તે માટે આજથી રાજ્યભરમાં તમામ સરકારી કચેરીઓમાં વેક્સિનના બંને ડોઝ લેનાર વ્યક્તિઓને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રવેશ મેળવનાર વ્યક્તિએ પોતે વેક્સિનના બંને ડોઝ લઇ લીધા છે. તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.
રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ગુરૂવારે એવી જાહેરાત કરી હતી કે 1લી જાન્યુઆરીથી રાજ્યભરમાં સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતીઓએ કોવિડ-19 વેક્સિનના બંને ડોઝ લીધા હશે તો તેને પ્રવેશ આપવામાં આવશે. રાજ્યની તમામ સરકારી કચેરી, અર્ધ સરકારી કચેરી, વોર્ડ નિગમની ઓફિસ, કોર્પોરેશન, પૂર્ણ કે આંશિક સરકારી, અનુદાન લેતી સંસ્થાઓ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તથા ઉપક્રમોમાં આવતા મુલાકાતીઓએ કોરોનાની રસીના બંને ડોઝ લીધા હોવાના પ્રમાણપત્ર ફરજીયાત રાખવા પડશે. આ પ્રમાણપત્રની ખાતરી કર્યા બાદ જ તેઓને સરકારી કચેરીમાં પ્રવેશ આપવામાં આવશે.