પાંચ લાખથી વધુ બાકી હોય તેની વસુલાતની જવાબદારી સહાયક કમિશનરના શીરે ટેકસ બ્રાંચને રીકવરી માટે ૪૦૦ કર્મચારીઓના બદલે માત્ર ૭૨નો સ્ટાફ ફાળવાયો
ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા અને પછી રીવાઈઝડ કરેલા રૂ.૨૪૬ કરોડના ટાર્ગેટને હાંસલ કરવા માટે વેરાવસુલાત શાખા દ્વારા કાલથી હાર્ડ રીકવરીની ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. ટેકસ બ્રાંચને રીકવરી માટે ૪૦૦ કર્મચારીઓના બદલે માત્ર ૭૨નો જ સ્ટાફ ફાળવવામાં આવતા કાલથી કોમર્શીયલ મિલકતો સામે મેગા સીલીંગ ઝુંબેશ હાથ ધરાશે. બાકીદારોને અધિકારીઓ રૂબરૂ મળી વસુલાતની કામગીરી કરશે આ માટે વોર્ડ વાઈઝ અલગ-અલગ શાખાના અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે.
અગાઉ ટેકસ બ્રાંચ દ્વારા એવી જાહેરાત કરવામાં આવી હતી કે, શહેરના તમામ ૧૮ વોર્ડમાં ૧લી ફેબ્રુઆરીથી હાર્ડ રીકવરી અને મેગા સીલીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવશે તેના માટે ૪૦૦ કર્મચારીઓની માંગણી કરવામાં આવી છે જોકે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા માત્ર ૭૨ કર્મચારીઓ જ વસુલાત માટે ફાળવવામાં આવ્યા હોય કાલથી ટેકસ બ્રાંચ દ્વારા કોમર્શીયલ મિલકતો સામે મેગા સીલીંગ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.
આ માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા એક હુકમ પણ કરવામાં આવ્યો છે જેમાં ૫ લાખ કે તેથી વધુનો વેરો બાકી હોય તેવા કિસ્સામાં જે-તે ઝોનના સહાયક કમિશનરે વસુલાતની કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત શહેરના ૧૮ વોર્ડમાં ૧ લાખથી વધુ અને ૫ લાખ સુધીનો બાકી વેરો હોય તેવા બાકીદારોને રૂબરૂ મળી અધિકારીઓ સઘન વસુલાતની કાર્યવાહી કરશે.
બાકીદારોની માહિતી જે-તે ઝોનના આસિસ્ટન્ટ મેનેજર ટેકસ પાસેથી મેળવી લેવાની રહેશે અને દૈનિક રીકવરી કામગીરીનો રીપોર્ટ પણ જે-તે ઝોનના સહાયક એન્જીનીયરને આપવાનો રહેશે. ૫ હજારથી લઈ ૧ લાખ સુધીના બાકીદારોને પણ રૂબરૂ મળી વસુલાતની કામગીરી કરવામાં આવશે. ટુંકમાં કાલથી બાકી વેરો વસુલવા માટે સઘન હાર્ડ રીકવરી શરૂ કરવામાં આવશે જોકે હાલ રહેણાંક હેતુની મિલકત સામે કોઈ પગલા લેવામાં આવશે નહીં માત્ર કોમર્શીયલ મિલકતોને જ ટાર્ગેટ બનાવવામાં આવશે. સ્ટાફની ફાળવણી કરાયા બાદ રહેણાંક મિલકતો સામે આકરી કાર્યવાહી હાથ ધરાશે.