અમદાવાદના સ્ટેટ જીએસટીના આસિસ્ટન્ટ કમિશનરના મોનીટરીંગ હેઠળ અનેક શહેરોમાં એક સાથે કાર્યવાહી શરૂ કરાઇ : કરચોરોમાં ફફડાટ
રાજકોટ, મોરબી, ગાંધીધામ સહિત રાજ્યના મોટા ભાગના શહેરોમાં સ્ટેટ જી.એસ.ટી.દ્વારા એક સામટા દરોડા પાડવામાં આવ્યાની માહિતી મળી રહી છે. આ દરોડાઓ દરમ્યાન મોટી માત્રામાં બે નંબરનું સાહિત્ય જપ્ત કરવામાં આવી રહ્યું છે.
સ્ટેટ જીએસટીના અનેક અધિકારીઓની ટીમ દ્રારા રાજ્યના મોટા ભાગના શહેરમાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોરબીના ૫૫ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે. આ સાથે રાજકોટના ૧૦ સ્થળો પર ગાંધીધામમાં ૧૦થી વધુ સ્થળ પર દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આજે વહેલી સવારથી સ્ટેટ જીએસટીના અધિકારી દ્રારા રાજકોટ, મોરબી ગાંધીધામ સહિત રાજ્યના મોટા ભાગના શહેરમાં કાર્યવાહીથી અનેક ધંધાર્થીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. જોકે સમગ્ર રાજ્યમાં મોટાભાગના શહેરમાં સ્ટેટ જીએસટીના દરોડાની કાર્યવાહી હાથ ધરતા મોટા ભાગના ધંધાર્થીઓએ પોતાના શટર પાડી દીધા હતા.
હાલ સમગ્ર મામલે અમદાવાદના સ્ટેટ જીએસટીના આસિસ્ટન્ટ કમિશ્નર દ્રારા મોનીટરીંગ કરી પુરા રાજ્યમાં જે પ્રકારે જીએસટીની ચોરી કરવામાં આવી રહી છે તેને રોકવા માટે હાલ વિવિધ ધંધાર્થીને ત્યાં ચેકીંગ હાથ ધરીને સાહિત્ય જપ્ત કરવામાં આવી રહ્યું છે. ત્યાર બાદ તમામ સાહત્યની ચકાસણી કરી જે જગ્યાએ ગેરરીતિ માલુમ પડશે એ તમામને દંડ ફટકારીને વસુલાત કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે.