કોરોનાની મહામારી બાદ પ્રત્યક્ષ લોક અદાલતમાં 75 ટકા કેસનો નિકાલ
દિપ પ્રાગટ્ય કરી બધાના ઘરે દિવો પ્રગટે તેવી આશા: ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી.દેશાઈ
સમાધાનલાયક ફોજદારી, દિવાની, અકસ્માત, વળતર, લગ્ન વિષયક, પાણી-ઈલેકટ્રીક બીલ અને સિવિલના મળી હજારો કેસોનો નિકાલ
કોરોનાની મહામારી બાદ રાજકોટ સહિત રાજ્યભરમાં પ્રત્યક્ષ મેગા લોક અદાલત યોજાય છે. આજે યોજાયેલી મેગા લોક અદાલતને રાજકોટ ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ જજ યુ.ટી.દેશાઈએ અસીલના હાથે દિપ પ્રાગટ્ય કરી અહીં દિપ પ્રગટી રહ્યો છે તેમ બધાના ઘરે દિવો પ્રગટે તેવી આશા સાથે લોક અદાલતને ખુલી મુકી હતી અને સાથે સાથે લોક અદાલતમાં કોઈ તરફે જીત થતી નથી પરંતુ બન્ને વચ્ચે સમાધાનથી વિજય થાય છે. આજની લોક અદાલતમાં 4000થી વધુ કેસો મુકાયા હતા. જેમાં માત્ર બે જ કલાકમાં ચેક રીટર્નના કેસોમાં 75 ટકા સમાધાન કરાયા હતા. આ ઉપરાંત અકસ્માતના કેસોમાં પણ કરોડો રૂપિયાનું વળતર સાથેના ચેકો આપવામાં આવ્યા હતા.
આજ સાંજ સુધીમાં હજારો કેસોમાં સમાધાન કરાવી 75 ટકા કેસનો નિકાલ થવાની સંભાવના સેવાઈ રહી છે. લોક અદાલતમાં એડી. ડિસ્ટ્રીકટ જજ પ્રશાંત જૈન, સીનીયર સિવિલ જજ એચ.એસ.દવે, ચીફ મેજી. એસ.વી.મન્સુરી અને એડી. સિવિલ જજ ઓઝા તથા જિલ્લા કાનૂની સેવા મંડળના એચ.વી.જોટાણીયા, લીગલ વોલીયન્સ મિહીર દાવડા સહિતના વકીલો અને પક્ષકારો હાજર રહ્યાં હતા. આ ઉપરાંત જિલ્લા સરકારી વકીલ એસ.કે.વોરા, એમ.એ.સી.પી. બારના પ્રમુખ રાજેશ મહેતા, વિમા કંપનીના અધિકારી બેંક અને વીજ કંપનીના અધિકારી ઉપસ્થિત રહ્યાં હતા. સાંજ સુધીમાં 75 ટકા કેસનો નિકાલ કરવામાં આવશે.
જાહેરનામા ભંગના કેસમાં દંડ વસુલ કરી નિકાલ કરાશે
કોરોનાની મહામારી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડ લાઈનને પગલે રાજ્ય સરકારે જાહેરનામુ બહાર પાડ્યું હતું. સંક્રમણને અટકાવવા પોલીસે માસ્ક, કારણ વગર નિકળેલા અને સોશિયલ ડિસ્ટન્સ સહિતના કેસ કલમ 188 અને 269 હેઠળ ગુનો નોંધવામાં આવતા હજારો કેસો નોંધાતા અદાલતમાં કેસનું ભારણ વધતા અદાલત દ્વારા કોરોનાની મહામારી દરમિયાન નોંધાયેલા કેસનો દંડ વસુલ કરી નિકાલ કરવામાં આવનાર છે.