મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ નિમિત્તે મેગા રક્તદાન કેમ્પ, ભવ્ય શોભાયાત્રા, મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ, જામનગર અને દ્વારકા જિલ્લાના સમસ્ત રાજપૂત સમાજ માટે પ્રથમ વખત સમૂહ ભોજન યોજાશે
જામનગર તથા દ્વારકા જિલ્લાની તમામ રાજપૂત સંસ્થાઓનાં સંયુક્ત ઉપક્રમે આગામી 22 મી મે નાં દિવસે જામનગરમાં જબ્બર સમારોહનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. જેમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ અને ગૃહરાજ્યમંત્રી સહિતનાં રાજ્યનાં સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આગામી 22 મી મે એ એટલે કે, સોમવારે દેશનાં અણનમ વીર યોદ્ધા મહારાણા પ્રતાપની 484 મી જન્મજયંતિ નિમિત્તે, જામનગર તથા દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજની તમામ સંસ્થાઓનાં સંયુક્ત ઉપક્રમે જામનગરમાં એક જબ્બર સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહમાં જામનગર તથા રાજ્યભરના વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે. મહારાણા પ્રતાપની જન્મજયંતી જામનગરમાં પ્રથમ વખત આટલી ભવ્યતાથી ઉજવાશે. અને જામનગર તથા દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજનું પ્રીતિભોજન પણ પ્રથમ વખત આયોજિત કરવામાં આવ્યું છે. યોગાનુયોગ આ જ દિવસે હાલારના ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાનો જન્મદિવસ હોય, આ ભવ્ય પ્રીતિભોજન તેઓ દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે.
22 મે નાં બપોરે 2 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી ગાંધીનગર રોડ પર આવેલી ગૂર્જર સુથારની વાડીમાં મેગા રક્તદાન કેમ્પ યોજવામાં આવશે. તે દરમિયાન સાંજે 6 વાગ્યે, આ જ સ્થળેથી ભવ્ય શોભાયાત્રા યોજાશે. જેમાં હજારો લોકો જોડાશે. આ શોભાયાત્રા ક્રિકેટ બંગલા નજીક મહારાણા પ્રતાપની પ્રતિમા સ્થળે પહોંચશે જ્યાં પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવશે.
તે દરમિયાન એરપોર્ટ રોડ પર આવેલા પદમ પાર્ટી પ્લોટ ખાતે જામનગર અને દ્વારકા જિલ્લાના રાજપૂત સમાજનું પ્રીતિભોજન યોજાશે. આ પ્રકારનું આયોજન સમગ્ર હાલારના રાજપૂત સમાજનાં ઈતિહાસમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.
પ્રીતિભોજન બાદ કસુંબલ લોકડાયરાનું ભવ્ય આયોજન આ સ્થળે જ કરવામાં આવ્યું છે. આ લોકડાયરામાં હાલારના ક્ષત્રિય અગ્રણી હકુભા જાડેજા તથા ધારાસભ્ય રિવાબા જાડેજાની રકતતુલા કરવામાં આવશે. લોકડાયરાના આ કાર્યક્રમમાં કલાકારો કીર્તિદાન ગઢવી, માયાભાઈ આહિર તથા કિંજલ દવે અને તેઓનું સંગીતવૃંદ રમઝટ બોલાવશે.
આ ભવ્ય સમારોહમાં પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટિલ, સંગઠન મહામંત્રી રત્નાકર, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, પૂર્વ મંત્રીઓ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા આર.સી.ફળદુ , પ્રદેશ ભાજપા મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા તથા ખોડલધામ ટ્રસ્ટ ચેરમેન નરેશ પટેલ વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપા ઉપપ્રમુખ ડો. ભરત બોઘરા, મંત્રી રઘુભાઈ હુંબલ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘનાં મેનેજિંગ ડિરેક્ટર ડો. જયેન્દ્રસિંહ જાડેજા, રાજભા ચુડાસમા ( મામા સરકાર, માંગરોળ) અને મહારાણા પ્રતાપ સ્મૃતિ સંસ્થાન, રાજકોટનાં પ્રમુખ ડો. યોગરાજસિંહ જાડેજા સહિતનાં સંખ્યાબંધ મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
પૂર્વ મંત્રી હકુભા જાડેજા, ધારાસભ્ય રિવાબા જાડેજાની રક્તતુલા કરાશે
મહારાણા પ્રતાપની 484મી જન્મજયંતિ નિમિતે મેગા રક્તદાન કેમ્પ, ભવ્ય શોભાયાત્રા તથા મહારાણા પ્રતાપની પ્રતિમાને પુષ્પાંજલિ તથા ભવ્ય સમૂહ ભોજન યોજાશે તથા ક્ષત્રિય અગ્રણી પૂર્વ મંત્રી હકુભા જાડેજા તથા રિવાબા જાડેજાની રક્તતુલા કરવામાં આવશે તથા લોકડાયરામાં જાણીતા કલાકારો રમઝટ બોલાવશે.