રાજ્ય સરકાર દ્વારા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવેલી ૨૦,૦૦૦ ચો.મી. જમીન પર ગેરકાયદે ખડકાયેલા ઝુંપડા અને કાચા-પાકા ૫૧ મકાનો પર બુલડોઝર ફેરવી દેવાયું: સામાન્ય માથાકુટ
રાજકોટ મહાનગરપાલિકાની ઈસ્ટઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર રેવન્યુ સર્વે નં.૩૫૨ પૈકી આજીડેમ પોલીસ ચોકીની બાજુમાં જયનગર મફતીયાપરા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે ફાળવવામાં આવેલી ૨૦,૦૦૦ ચો.મી. જમીન પર ગેરકાયદે કાચા-પાકા મકાન અને ઝુંપડા પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. બજાર કિંમત મુજબ ૧૦૦ કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અનુસાર આજે સવારે એટીપી પી.ડી.અઢીયાની આગેવાનીમાં શહેરના ઈસ્ટ ઝોન વિસ્તારમાં વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. અહીં આજી ડેમ પોલીસ ચોકીની બાજુમાં રેવન્યુ સર્વે નં.૩૫૨ પૈકી જયરાજનગર મફતીયાપરા વિસ્તારમાં રાજ્ય સરકાર દ્વારા કોર્પોરેશનની સેમી ક્લોઝ ટાઈમ ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવા માટે ૨૦,૦૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. જ્યારે કલેકટર પાસેથી જમીન મેળવવામાં આવી ત્યારે તેના પર ઝુંપડાનું અને કાચા-પાકા મકાનનું દબાણ ખડકાયેલ હતા જે તા.૮-૨-૨૦૧૯ના રોજ દૂર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ચોક્કસ સ્થળની સ્થિતિ અંગેનો સર્વે કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સરકારી જમીન પર દબાણ ખડકી દેનાર દબાણ કર્તાને તા.૬ ફેબ્રુઆરી ૨૦૨૦ના રોજ પ્રથમ નોટિસ ફટકારવામાં આવી હતી.
જે બાદ આસામીઓને રજૂઆત કરી હતી અને ૧૩ માર્ચ ૨૦૨૦ના રોજ ફરી નોટિસ ફટકારી દબાણગ્રસ્ત જગ્યા જાતે ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું. સોલીડ વેસ્ટ શાખા દ્વારા અહીં ગાર્બેજ ટ્રાન્સફર સ્ટેશન બનાવવાનો પ્રોજેકટ તાત્કાલીક અસરથી શરૂ કરવાનો હોય ગત ૫ ઓકટોબરના રોજ તમામ દબાણકર્તાને અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. દરમિયાન આજે સવારે ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડ નં.૧૮માં કોઠારીયા રોડ પર ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકાર દ્વારા આજી પોલીસ ચોકીની બાજુમાં જયનગર મફતીયાપરા વિસ્તારમાં કોર્પોરેશનને ફાળવવામાં આવેલી ૨૦,૦૦૦ ચો.મી. જમીન પર ખડકાયેલા ઝુંપડા અને કાચા-પાકા મકાન સહિત ૫૧ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા અને ૧૦૦ કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી. ડિમોલીશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવા છતાં સામાન્ય માથાકૂટ સર્જાઈ હતી. ગાળાગાળીની ઘટના પણ બની હતી અને એક વ્યક્તિની અટકાયત કરવામાં આવતા તેની પત્ની રોડ પર આળોટવા લાગી હતી તેની પણ પોલીસે અટકાયત કરી લીધી હતી. એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં ડિમોલીશનની કામગીરી પૂર્ણ થયા બાદ ડિમાર્કેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.