પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ અને મામલતદાર કથીરીયા અને તેમની ટીમ દ્વારા કાર્યવાહી: સંપાદિત થયેલી જમીનમાં આવેલા શેડ, ગોડાઉન, ઓરડી અને ફેકટરીના બાંધકામોનો કડૂચલો બોલાવાયો
હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટની સંપાદિત જમીન ઉપરનાં ગેરકાયદેસર દબાણો સી પ્રાંત -૨ની ટીમ દ્વારા તોડી પાડવામાં આવ્યા છે. ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરી અંદાજે રૂ.૧૨ કરોડની જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.
હિરાસર એરપોર્ટના કામે સંપાદિત થયેલ શકિત સીમેન્ટ ફેકયરીની ગારડી ગામના સ.નં.૨૨૨, ૨૨૩,૨૨૪ની જમીન ઉપર ફેકટરીનાં બાંધકામ અંદાજિત ૧૦,૦૦૦ ચો.મી. અને અન્ય કુલ ૧૪.૫૦ એકર જેટલી જમીન પર મેગા ડિમોલીશન હાથ ધરી વિવિધ શેડ, ગોડાઉન, ઓરડીઓ, ફેકટરીનું બાંધકામ તથા અન્ય ખેતી વિષયક દબાણો દૂર કરવામાં આવ્યા હતા.
એરપોર્ટ ઓથોરીટી ઓફ ઈન્ડીયાની માંગણી મુજબ યોગ્ય પોલીસ બંદોબસ્ત સાથે જિલ્લા કલેકટરના માર્ગદર્શન અનુસાર પ્રાંત અધિકારી સીટી-૨ ચરણસિંહ ગોહિલ, મામલતદાર કે.એમ. કથીરીયા શિસ્તેદાર હિતેન્દ્ર રૈયાણી, સર્કલ ઓફીસર દેકાવાડિયાએ પી.આઈ. મહેશ વાળા પી.એસ.આઈ. હેરભા તેમજ એરપોર્ટ ઓથોરીટીના સ્ટાફને સાથે રાખી મેગા ડિમોલીશન હાથ ધર્યું હતુ. ઉલ્લેખનીય છે કે સંપાદિત થયેલી આ જમીન ઉપર દબાણકારોનો કબજો હટાવીને કિંમતી જમીનને ખુલ્લી કરાવવામાં આવી છે.