પૂર્વ મામલતદાર કે.એલ. ચાવડાની ટિમ દ્વારા કાર્યવાહી : અંદાજે 2300 જેટલી ચો.મી. જમીન ઉપરથી 37 આસામીઓના મકાન, મઢ, મંદિર, વાડાઓ સહિતના દબાણો હટાવાયા
રાજકોટ કલેક્ટરના આદેશને પગલે વિવિધ વિસ્તારોમાં સરકારી જમીન ઉપરના દબાણો સામે કાર્યવાહી ચાલી રહી છે. જેમાં પૂર્વ મામલતદાર કે.એલ. ચાવડાની ટિમ દ્વારા માડા ડુંગર પાસેની સરકારી ખરાબાની અંદાજે 2300 જેટલી જમીન ઉપર ખડકાયેલ 37 આસામીઓના મકાન, મઢ, મંદિર, વાડાઓ સહિતના દબાણો હટાવવા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં અંદાજે 10 કરોડથી વધુની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારી જમીન ઉપરના દબાણો હટાવવાની કામગીરી વિવિધ સ્થળોએ ચાલી રહી છે. જે પૈકી માડા ડુંગર પાસે આજીડેમ સામે મામલતદાર પૂર્વ દ્વારા સર્વે નં.115 પૈકીની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રણછોડભાઈ ભરવાડ, ચંપાબેન પરમાર, ગંગાબેન ખાવડીયા, દેવાભાઈ ચૌહાણ, લક્ષ્મીબેન ચૌહાણ, ભરતભાઇ ચૌહાણ, અર્જુનભાઇ પરમાર, રમેશભાઈ સોલંકી, સવશીભાઈ ખાવડીયા, કરણભાઈ પરમાર, વિહાભાઈ સોલંકી, રમેશભાઈ ચારોલીયા, બટુકભાઈ ખાવડીયા, ભીમભાઈ ટાપરીયા, ધમાભાઈ ટાપરિયા, ગંગાગીરી બાપૂ, ગીતાબેન દેવીપૂજક, નીતિનભાઈ ચાડમિયા સહિતના 37 આસામીઓના રહેણાંક અને વાડાઓ જેવા દબાણોનો કડુસલો બોલાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત બે મંદિર અને બે મઢનું પણ ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. આમ પૂર્વ મામલતદારની ટિમ દ્વારા અહીં અંદાજે 10 કરોડથી પણ વધુ કિંમતની 2300 ચો.મી. જેટલી સરકારી જગ્યાને ખુલ્લી કરાવવામાં આવી છે.
આ કામગીરીમાં મામલતદાર કે.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ નાયબ મામલતદાર આર.કે. વાછાણી, તલાટી જયેશભાઇ વાઘેલા, અમૃતાબેન રાવલિયા, વિક્રમભાઈ બકુતરા, મહેશભાઈ પંડયા, પ્રશાંતભાઈ સહિતના જોડાયા હતા.