રાંદરડા તળાવ પૈકીની જગ્યામાં ખડકાયેલા ૯ વંડા, ૨ પ્લીન્થ લેવલ સુધીનાં અને ૪ લીન્ટલ લેવલ સુધીનાં બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવાયું: ૧૨૧.૩૧ કરોડની ૪૦,૪૩૮ ચો.મી જમીન ખુલ્લી કરાવાઈ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજે વહેલી સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીનાં આદેશ બાદ શહેરનાં સામાકાંઠા વિસ્તારમાં વોર્ડ નં.૬માં રાંદરડા તળાવ પૈકીની જમીન પર પરશુરામ ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. અલગ-અલગ ૧૫ કારખાનેદારોએ ખડકેલા દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું અને બજાર કિંમત મુજબ ૧૨૧.૩૧ કરોડની ૪૦,૪૩૮ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હોય કોઈ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો.
આ અંગે વધુ માહિતી આપતાં ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે, આજે ઈસ્ટ ઝોન કચેરીની ટીપી બ્રાંચ દ્વારા વોર્ડ નં.૬માં રાંદરડા તળાવ પૈકીની જગ્યામાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.
જેમાં પરશુરામ ઈન્ડસ્ટ્રીયલ એરીયા શેરી નં.૧,૨,૩,૪માં બાબુભાઈ બોરીચા નામના આસામીએ ગેરકાયદે ખડકી દીધેલ વંડો અને ‚મનું બાંધકામ, નયનભાઈ નામના આસામીએ ખડકી દીધેલ વંડો, મનીષભાઈ ઢોલરીયા નામનાં આસામીએ ખડકી દીધેલ વંડો, કાંતીભાઈ સોરડીયાનું પલીન્થ લેવલ સુધીનું બાંધકામ, જનકભાઈ નામનાં આસામીનો વંડો, વિભીષણભાઈનો વંડો, કાળુભાઈ નામનાં આસામીનો પ્લીન્થ લેવલ સુધીનું બાંધકામ, રઘુવીરભાઈ શેખવા નામના આસામીનું લીન્ટલ લેવલ સુધીનું બાંધકામ, મનીષભાઈ ઢોલરીયાનું સ્લેબ લેવલ સુધીનું બાંધકામ ઉપરાંત ૨ વંડા દુર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત મનીષભાઈ ઢોલરીયાએ દેવકીનંદન સોસાયટીનાં પાછળનાં ભાગે મહિકા મેઈન રોડ પર પણ ૨૫,૦૦૦ ચો.મી. જમીન પર ગેરકાયદે લીન્ટલ લેવલ સુધીનું બાંધકામ ખડકી દીધું હતું જે આજે દુર કરી દેવામાં આવ્યું હતું.
આ ઉપરાંત માધવ વાટિકાનાં પાછળનાં ભાગે મહિકા મેઈન રોડ પર સર્વે નં.૧૫૫માં વિનુભાઈ નામનાં આસામીએ ૯,૦૦૦ ચો.મી. જમીન પર ખડકી દિધેલું લીન્ટલ લેવલ સુધીનું બાંધકામ અને માધુબેન દિનેશભાઈ સિઘ્ધપુરા નામનાં આસામીએ પરશુરામ ઈન્ડસ્ટ્રીયલ એરીયાનાં પ્લોટ નં.૨૮માં ગેરકાયદે ખડકી દીધેલો એક વંડો દુર કરવામાં આવ્યો હતો. આજે ડિમોલીશનની કામગીરી અંતર્ગત ૯ વંડા, ૪ પ્લીન્થ લેવલ સુધીના અને ૨ લીન્ટલ લેવલ સુધીનાં બાંધકામો દુર કરવામાં આવ્યા હતા. બજાર કિંમત મુજબ ૧૨૧.૩૧ કરોડની ૪૦,૪૩૮ ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અહીં રાંદરડા તળાવ પૈકીની જમીનમાં ખડકાયેલા દબાણો દુર કરવા માટે ટીપી શાખા દ્વારા નોટીસ ફટકારાયા બાદ ચેમ્બર ઓફ કોમર્સે પણ બાંધકામ દુર ન કરવા માટે કોર્પોરેશનમાં રજુઆત કરી હતી. ભલામણનો દૌર શ‚ ન થાય તે માટે આજે વહેલી સવારે ૬:૦૦ વાગ્યાથી ટીપી શાખા દ્વારા સામાકાંઠે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું.