ડ્રિમ સિટી પાસે આવેલી સરકારી જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા 50થી વધુ મકાનો ઉપર પશ્ર્ચિમ મામલતદારની ટીમે બુલડોઝર ફેરવી દીધુુંં
જિલ્લા કલેકટર તંત્ર દ્વારા રૈયા સ્માર્ટ સિટીમાં મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવી હતી. અહીં અંદાજે 230 કરોડની કિંમતની સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલ 50થી વધુ મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની સૂચના મુજબ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં ડ્રિમ સિટી નજીક સરકારી ખરાબાની 45 હજાર ચો. મી. થી વધુની જમીન પર ગેરકાયદેસર રીતે કરાયેલા દબાણને દૂર કરી આશરે રૂ. 230 કરોડના મૂલ્યની જમીન ખાલી કરાવાઈ હતી.અધિક નિવાસી કલેકટર કે.બી. ઠક્કરના માર્ગદર્શન હેઠળ મામલતદાર જાનકી પટેલ તેમજ ટીમ દ્વારા આજ સવારથી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તેમના જણાવ્યા મુજબ રૈયા હિલ પાસે રૈયા 318 ની ટી.પી. સ્કીમ નં-22 માં એસ.પી. 61 -1, 2 માં સરકારી ખરાબા જમીન પર 45,870 ચો. મી. જમીન પરના 50 થી વધુ કાચા અને પાકા મકાન તેમજ ગેરેજ, એલ્યુમિનિયમ સ્ક્રેપ સહિત કેટલાક કોમર્શિયલ બાંધકામોનું ડીમોલિશન હાથ ધરવામાં આવ્યું છે. મહાનગરપાલિકાના બે બુલડોઝર સહિત ટ્રક-ટ્રોલર વગેરે જેવા સાધનોથી દબાણ હટાવી કાટમાળનો સ્થળ પરથી તુર્ત જ નિકાલ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજની દબાણ હટાવ કામગીરીમાં સુરક્ષા બંદોબસ્ત અર્થે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. બી.આર. ભરવાડ તેમજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. જે.જી. જાડેજા સહિત 20 થી વધુ પોલીસ જવાનો, પી.જી.વી.સી.એલ. ની ટીમ તેમજ નાયબ મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમ સામેલ થઇ હતી.