ટીપી સ્કીમ નં.૯ના બે અનામત પ્લોટની ૭૦ હજાર ચો.મી. જમીન પર ખડકાયેલી ૨૨ ઓરડી, ૧૮ પ્લીન્થ અને ૨ ઝુંપડા સહિત ૪૨ દબાણો પર બુલડોઝર ફેરવી દેવાયુ
*એનિમલ હોસ્ટેલ સામે આવેલા એસ.ઈ.ડબલ્યુ.એસ હેતુ માટેના પ્લોટ પર ૫૦૦ ચોરસ મીટરની જગ્યામાં ખડકાયેલું ઓરડીનું દબાણ પણ હટાવાયું
મ્યુનિ.કમિશનર બંછાનિધી પાનીના આદેશ બાદ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાના માર્ગદર્શન હેઠળ આજે કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા શહેરના રૈયાધાર અને રૈયા રોડ વિસ્તારમાં મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. ટીપી સ્કીમ નં.૯ (રાજકોટ)ના બે અનામત પ્લોટમાં ખડકાયેલા ૪૨ દબાણો દુર કરી આશરે રૂ.૨૭૦ કરોડની ૭૦ હજાર ચો.મી. જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી.
આ અંગે વધુ માહિતી આપતા ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી.સાગઠિયાએ જણાવ્યું હતું કે, કોર્પોરેશનની વેસ્ટ ઝોન કચેરીની ટીપી શાખાના એટીપી પી.ડી.અઢીયા, એ.જે.પરસાણા અને આર.એન.મકવાણા સહિતના સ્ટાફ દ્વારા શહેરના રૈયાધાર અને રૈયા રોડ વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી
જે અંતર્ગત ટીપી સ્કીમ નં.૯ (રાજકોટ)ના ફાઈનલ પ્લોટ નં.જી/પી.એસ.-૧ (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ) ૪ (એસ-૧/૫) પબ્લીક પર્પલ્સ હેતુના પ્લોટમાં ગેરકાયદે ખડકી દેવામાં આવેલી ૨૨ ઓરડીઓ, ૧૮ કલીન્થ અને બે ઝુંપડા સહિત કુલ ૪૨ દબાણો દુર કરી બજાર કિંમત પ્રમાણે આશરે રૂ.૨૭૦ કરોડની ૭૦ હજાર ચો.મી. જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. ત્યારબાદ ટીપીનો કાફલો શીતલ પાર્કથી આગળ રૈયાધારમાં આવેલી એનીમલ હોસ્ટેલ સામે આવેલા ફાઈનલ પ્લોટ નં.એસ-૨ (એસ.ઈ.ડબલ્યુ.એસ.એચ) હેતુના પ્લોટમાં ત્રાટકયો હતો. અહીં ૫૦૦ ચો.મી.માં ગેરકાયદે ખડકી દેવામાં આવેલું એક ઓરડીનું બાંધકામ દુર કરવામાં આવ્યું હતું.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે ટીપી શાખા દ્વારા શહેરના રૈયા રોડ પર પાર્કિંગ તથા માર્જીનની જગ્યામાં ગેરકાયદે ખડકાયેલા દબાણો દુર કરવા માટે પણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ચાની કેબિન, જય ખોડિયાર હોટલ, ડિલકસ પાન, પટેલ કોલ્ડ્રીંકસ, ગણેશ એસ્ટેટ, રાધે ડેરી, શ્રીજી મેડીસીન, કિશાન સાયકલ, જય ખોડિયાર હાર્ડવેર, પીઠડ આઈકૃપા, માતી ફેબ્રીકેશન, વીવો સ્માર્ટ ફોન, એપોલો મેડિકલ સ્ટોલ, આઈસીઆઈસીઆઈ બેંક, સન પ્યોર અને બાલક્રિષ્ન ફરસાણ સહિત ૧૮ સ્થળોએ માર્જીન પાર્કિંગની જગ્યામાં ખડકી દેવામાં આવેલા પતરા, સાઈન બોર્ડ અને ટેબલો સહિતના દબાણો દુર કરવામાં આવ્યા હતા.