નેશનલ હાઇવેને ખુલ્લો કરાવવા બસસ્ટેન્ડ, મુખ્ય બજાર, વેકરિયા પરા અને હિમ ખિંભડી રોડ સહિતના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝરની ધણધણાટી
અમરેલી જિલ્લાના ધારીમાં આજે સવારથી ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં નેશનલ હાઇવે પર ખડકાયેલા નાના મોટા 700 જેટલા અનઅધિકૃત બાંધકામો પર બૂલડોઝર ફેરવી દેવામાં આવ્યા હતા. ડિમોલીશન માટે અગાઉ જ નોટિસ આપી દેવામાં આવી હોય 70 ટકાથી વધુ દબાણકર્તાઓએ સ્વૈચ્છીક રીતે પોતે ખડકેલા ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
સાવરકુંડલાના ડીવાયએસપી હરેશભાઇ વોરાના માર્ગદર્શન હેઠળ અનય ત્રણ ડીવાયએસપી, 11 પીઆઇ, ર1 પીએસઆઇ અને 400 થી વધુ પોલીસ જવાન, હોમગાર્ડ જવાન, એસઆરપી જવાન સહીતના ચુસ્ત બંદોબસ્ત સાથે 8 જેસીબી અને પ0 ટ્રેકટરનો કાફલો ત્રાટકવો હતો. ધારી ગ્રામ પંચાયત, સિંચાઇ વિભાગ, પીજીવીસીએલ, પ્રાંત અધિકારી, મામલતદાર અને પી.ડબલ્યુ.ડી. સહિતના વિભાગો દ્વારા વહેલી સવારથી મેગા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ધારીમાં બસ સ્ટેન્ડથી મેઇન બજાર સુધીના વિસ્તાર, રેલવે સ્ટેશનથી હિમ ખિભંડી રોડ વિસ્તાર, બસ સ્ટેશનથી વેકરિયા પરા વિસ્તારમાં રોડ પર ખડકાયેલા રેંકડી, કેબિન, શાકભાજીના થડા, અનઅધિકૃત કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા.
ડિમોલીશનની કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરવામાં આવી હોવાના કારણે કોઇ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ બન્યો ન હતો. મેઇન બજાર સહિતના વિસ્તારમાંથી નેશનલ હાઇવેનો રોડ પસાર થતો હોવાના કારણે રોડને ખુલ્લો કરાવવા માટે ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું. લોકોના ટોળે ટોળા ઉમટયા હતા. ડિમોલીશનની કામગીરી બપોર સુધી ચાલી હતી.
ધારી જેવડાં નાના એવા ગામમાં એક સાથે 700 જેટલા અનઅધિકૃત બાંધકામો તોડી પાડવા માટે આજે સાવરથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવતા લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ઘણા દિવસો પહેલા બાંધકામ તોડી પાડવા નોટિસ આપવામાં આવી હોય અનેક આસમીઓ દ્રારા બાંધકામ તોડી પાડવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે ગ્રામ્ય કક્ષાએ કયારેય પંચાયત દ્રારા ગેરકાયદે બાંધકામો તોડવા માટે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવતું હોતું નથી પરંતુ નેશનલ હાઈ વે મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાંથી પ્રસાર થતો હોવાના કારણે આજે ડિમોલિશન કરાયું હતું.