એશિયાના પ્રથમ કક્ષાના નિષ્ણાંત ડો. એમ.બી. અગ્રવાલે ઉપસ્થિત: રાજયભરના ૭૦૦ બાળકો અને તેમના વાલીઓને આપ્યુ અમુલ્ય માર્ગદર્શન
વિવેકાનંદ યુથ કલબ, રાજકોટ મહાનગરપાલિકા, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લોહાણા મહાપરીષદ થેલેસેમીયા સમિતિના સંયુકત ઉપક્રમે તેમજ સુરક્ષા સેતુ સોસાયટીના આર્થિક સહયોગથી થેલેસેમિયા પીડિત બાળકો માટે ‘થેલેસેમિયા માર્ગદર્શન શિબિર-૨૦૧૭’ યોજાયો હતો.
માર્ગદર્શન શિબિરમાં એશિયાના પ્રથમ કક્ષાના તબિબ એવા મુંબઈની બોમ્બે હોસ્પિટલના એમ.ડી.હેમેટોલોજીસ્ટ, બ્લડ સ્પેશીયાલીસ્ટ ડો. એમ.બી. અગ્રવાલે થેલેસેમીયા પીડિત બાળકો અને તેમના વાલીઓને સંપૂર્ણ વિસ્તારપૂર્વકનું માર્ગદર્શન આપ્યું હતું. આ સાથે મુંબઈ સ્થિત એમ.ડી. ડો.ઉષાબેન અગ્રવાલ તેમજ શહેરના જાણીતા એમડી હેમેટોલોજીસ્ટ ડો.નિશાંત ધરસંડીયા અને એમ.ડી.એન્ડ્રોક્રાઈનોલોજીસ્ટ ડો.નિલેશભાઈ દેત્રોજાએ પણ માર્ગદર્શન પુરુ પાડયુ હતું. આ તકે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, અમદાવાદ દ્વારા થેલેસેમીયા બાળકોના ૨૦ થી વધુ ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં થેલેસેમિયા પીડિત બાળકો માટે સવારે ચા,નાસ્તો તેમજ બપોરે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમજ શિબિરનો લાભ લેવા બદલ તમામ બાળકોને ભેટ પણ આપવામાં આવી હતી. રાજયભરના ૭૦૦થી વધુ થેલેસેમિયા બાળકો અને તેના વાલીઓએ આ માર્ગદર્શન શિબિરનો લાભ લીધો હતો.
બ્લડ સ્પેશીયાલીસ એમ.બી.અગ્રવાલે ‘અબતક’ સાથેની વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે થેલેસેમીયા પીડિત બાળકોની સારવાર એવી થવી જોઈએ કે તેઓ પણ અન્ય બાળકો જેવા સામાન્ય થઈ જાય. તેઓ પણ પોતાનું જીવન અન્ય બાળકો જેટલુ જ ભરપુર રીતે માણી શકે. થેલેસેમીયા મેજર અંગે સરકારે શકય હોય એટલી જાગૃતિ લાવવી જોઈએ પરંતુ ભારતમાં હજુ સુધી એવા પગલા લેવામાં નથી આવ્યા. જેથી કરીને થેલેસેમીયા નાબુદ થઈ શકે. થેલેસેમીયા નાબુદ કરવાના સ્ટેપ સામાન્ય છે. સૌપ્રથમ તો લોકોને ખબર હોવી જોઈએ કે થેલેસેમીયા જેવો એક રોગ છે. ત્યારબાદ થેલેસેમીયા બાળકનો જન્મ કેવી રીતે રોકી શકાય તે ખબર હોવી જોઈએ. ટેસ્ટ બાદ બાળકને થેલેસેમીયા હોવાની જાણ થાય ત્યારબાદ જો બાળકનો જન્મ ન થવા દેવામાં આવે તો થેલેસેમીયા નાબુદ થઈ શકે છે.