વ્હોરા સમાજની વિશાળ મેદનીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધી: વડાપ્રધાને ૧:૩૫ કલાકનું રોકાણ કર્યું
વડાપ્રધાનની સુરક્ષા માટે ૩૫૦૦ જવાન રહ્યા તૈનાત જર્મન કેમેરાથી કાર્યક્રમ પર સતત ચાંપતી નજર રખાઈ
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઈન્દોરમાં કરબલાની બલિદાન ગાથા કરનારા વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ નામદાર ડો.સૈયદના સાહેબની મુલાકાતે આવ્યાં તે પૂર્વે ત્રાસવાદી હુમલાના ખતરાને ધ્યાને લઈ સવારથી જ તમામ સુરક્ષા એજન્સીઓએ જબરજસ્ત કિલ્લાબંધી કરી હતી. ઈન્દોર શહેરમાં પ્રત્યેક વ્યકિત પર સતત જર્મન બનાવટના અદ્યતન કેમેરા સાથે નજર નાખી રહી છે. વિશ્ર્વભરના દાઉદી વ્હોરા સમાજના ૫૩માં દાઈ તાજદાર ડો.સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફદલભાઈ સાહેબ સૈફુદીન (ત.ઉ.શ) હાલ ઈન્દોરમાં વાએઝ માટે પધારેલ છે અને તેમની વાએઝનો આજે શુક્રવારે ત્રીજો દિવસ છે. આ દરમિયાન હાલમાં એક લાખ જેટલા તેમના અનુયાયીઓ દેશ-વિદેશથી ઈન્દોરમાં આવેલ છે. વડાપ્રધાનની ઈન્દોરની આજની મુલાકાત પૂર્વે ડીઆઈજી મિશ્રાને તોડફોડની બાતમી મળેલ હતી.
આ સંદર્ભે દરરોજ સમયસર ઈન્દોરની સૈફીનગર મસ્જિદમાં આવતા વ્હોરા બિરાદરો વહેલી સવાર છ વાગ્યાથી ગોઠવાઈ ગયા હતા અને તેમની અંગજડતી અને મેટલ ડીરેકટરમાંથી પસાર કરાયા હતા. જોકે એસપીજીએ સૈફીનગર મસ્જિદને પોતાના કબજામાં જ લઈ લીધી છે. સવારે એરપોર્ટથી સૈફીનગર સુધીના તમામ રોડ રસ્તા અને ગલીઓમાં વિવિધ કેટેગરીના ચાર હજાર જવાનો આ ઉપરાંત ડો.સૈયદના સાહેબની અંગત સીકયુરીટી ગાર્ડના ત્રણ હજાર લોકો વચ્ચે સુરક્ષાને જડબેસલાક બનાવાઈ છે. વડાપ્રધાન મોદી એરપોર્ટથી સીધા સૈફીનગર મસ્જિદે જઈ સૈયદના સાહેબની ધર્મવાણી સાંભળી હતી અને વડાપ્રધાને પણ ટુંકુ પણ પ્રભાવશાળી ભાષણ આપ્યું હતું.
ત્યારબાદ તેઓ દિલ્હી રવાના થયા હતા. વડાપ્રધાનની સાથે લોકસભા સ્પીકર સુમિત્રા મહાજન મુખ્યમંત્રી શીવરાજસિંહ પાટીલ અને રાજયપાલ અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પણ સાથે રહ્યા હતા.
અત્રે એ નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વ્હોરા સમાજના વર્તમાન ત્રેપનમાં ધર્મગુરૂના પિતા સદગત બુરહાનુદીન સાહેબ સાથે પણ ભુતકાળમાં મુલાકાત લઈ આશીર્વાદ લીધા હતા.