સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં નવેમ્બર માસના અંતમાં નેકની ટીમ મૂલ્યાંકન માટે આવી રહી છે ત્યારે તેમની સમક્ષ યુનિવર્સિટીના તમામ ભવનોનો દેખાવ સારો રહે તેના પ્રયાસરૂપે આજે કુલપતિની અધ્યક્ષતામાં તમામ ભાવનોના હેડ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આ બેઠકમાં ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ગેરહાજર રહ્યા હતા કારણકે તેઓ ગાંધીનગર સ્પોર્ટ્સ યુનિવર્સિટીના કુલપતિ અર્જૂનસિંહ રાણાની શપથ વિધિ માટે પહોંચ્યા હતા.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ચાલુ વર્ષના અંતે NAAC(નેશનલ અસેસમેન્ટ એન્ડ એક્રેડીએશન કાઉન્સિલ)ની ટીમ મૂલ્યાંકન માટે આવી રહી છે ત્યારે આજે કુલપતિ નીતિન પેથાણી, કો-ઓર્ડીનેટર આલોક ચક્રવાલ અને ડિરેક્ટર ડો.ગિરીશ ભીમાણીની અધ્યક્ષતામાં તમામ ભાવનોના હેડની બેઠક મળી હતી.
નેકના સાત ક્રાઇટ એરિયાના 1000 માર્ક્સ છે જેમાં અભ્યાસક્રમના 150 માર્ક, ટીચિંગ એન્ડ લર્નિંગના 200 માર્ક, રિસર્ચ એન્ડ ઇનોવેશન એકસટેશનના 250 માર્ક, ઈન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ લર્નિંગના 100 માર્ક, સ્ટુડન્ટ સ્પોર્ટ એન્ડ પ્રોગ્રરેશનના 100 માર્ક, ગવર્મેન્ટ લીડરશીપ એન્ડ મેનેજમેન્ટના 100 માર્ક અને ઇન્સ્ટિટયૂશન વેલ્યુ એન્ડ બેસ્ટ પ્રેક્ટિસના 100 માર્ક એમ કુલ 1000 માર્કના ક્રાઇટ એરિયા મુજબ 3 દિવસમાં રિપોર્ટમાં પૂરતા કરવા માટે તમામ ભવનના હેડને આદેશ આપવામાં આવ્યા હતા.
યુનિવર્સિટીમાં મોટાભાગના ભવનોમાં 100% કલાસરૂમ ટીચિંગનો અભાવ જોવા મળે છે ઉપરાંત સશોધન ક્ષેત્રે માત્ર સાયન્સના ભવનોમાં કામ થતું હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું છે. હાઈટેક લાયબ્રેરીનું નિર્માણ પણ યુનિવર્સિટી કરી શકી નથી. ઉલ્લેખનીય છે કે વર્ષ 2014માં કુલપતિ મહેન્દ્ર પાડલીયા હતા ત્યારે 3.05 માર્ક સાથે A ગ્રેડ મેળવ્યો હતો જોકે છેલ્લે કાયમી કુલપતિની જગ્યા 1 વર્ષ સુધી ખાલી રહેતા યુનિવર્સિટીનો વહીવટ ડામાડોળ થયો હતો. હવે જ્યારે કુલપતિ અને ઉપકુલપતિ બંને ફરજ પર છે ત્યારે સૌ.યુનિને A+ ગ્રેડ મળે તેવા પ્રયાસો થઈ રહ્યા છે.