ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં મુખ્યમંત્રી રૂપાણી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમભાઈ રૂપાલાની ઉપસ્થિતિમાં નિર્ણયો લેવાયા

આગામી દિવસોમાં ગુજરાતની ભાજપા શાસિત વિવિધ ૫૫ જેટલી નગરપાલિકાઓના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન અને પક્ષના નેતાઓની મુદત પુરી થઈ રહી છે ત્યારે આ નગરપાલિકાઓના પ્રમુખ સહિત અન્ય પદાધિકારીઓના નામની પસંદગી હેતુસર તા. ૧૭ અને ૧૮ ઓગષ્ટ એમ બે દિવસીય પ્રદેશ સંસદીય સમિતિની બેઠક યોજાઈ રહી છે. ભાજપા શાસિત ૫૫ જેટલી નગરપાલિકાઓ પૈકી ૨૭ જેટલી નગરપાલિકાોના સંદર્ભમાં તા. ૧૭ ઓગષ્ટ અને બાકીની ૨૮ જેટલી નગરપાલિકાઓ માટે તા. ૧૮ ઓગષ્ટના રોજ જ્યાં નગરપાલિકાના પદાધિકારીઓની ચૂંટણી યોજવાની છે તે જીલ્લાની સંકલન સમિતિ સાથે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવશે.

ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું કે, સી. આર. પાટીલજી પ્રદેશ અધ્યક્ષ તરીકે નિયુક્તિ થયા પછી દક્ષિણ ગુજરાતના ડાંગ અને વલસાડના તા. ૧૨ અને ૧૩ ઓગષ્ટના પ્રવાસ બાદ હવે તા. ૧૯ થી ૨૨ ઓગષ્ટ દરમ્યાન યોજાનાર સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન ૬ જીલ્લાઓ ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ શહેર, સુરેન્દ્રનગર અને અમદાવાદ જીલ્લાને આવરી લેવામાં આવશે.

પંડયાએ કહ્યું હતું કે, આ પ્રવાસ દરમ્યાન જુદી-જુદી સંગઠનાત્મક બેઠકો હાથ ધરવામાં આવશે તેમજ કાર્યકર્તાઓ અને જુના જનસંઘના કાર્યકર્તાઓ સાથે મુલાકાત યોજવામાં આવશે. તેમજ કોરોના મહામારી દરમ્યાન કાર્યકર્તાઓએ કરેલ સેવાકાર્યને બિરદાવવાનું કામ પણ આ પ્રવાસ દરમ્યાન કરશે અને ધાર્મિક સ્થાનો પર દર્શન-પૂજા કરશે.

સી.આર. પાટીલના ખોડલધામથી રાજકોટ સુધીના પ્રવાસની જવાબદારી ધારાસભ્યોના શિરે

ભરૂડી પાટિયા પાસે શાપર-વેરાવળ ચોકડીએ ભવ્ય સ્વાગત કરાશે હાઇ-વે પર બેનર-હોર્ડીંંગ તેમજ ૧પ૦ ગાડીનો કાફલો રસ્તામાં સાથે રહેશે

IMG 20200818 WA0013

આગામી તા. ૧૯ થી રર ઓગષ્ટ દરમ્યાન પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ પ્રથમવાર સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહ્યા છે. ત્યારે તેઓનું ઠેર ઠેર ઉમળકાભેર સન્માન કરવા ભવ્ય તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

સી.આર. પાટીલની ખોડલધામથી રાજકોટ સુધીના પ્રવાસની જવાબદારી રાજકોટના ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી અને લાખાભાઇ સાગઠીયાને સોંપવામાં આવી છે. ત્યારે તેઓનું કાઠિયાવાડ ઠાઠથી દબદબાભેર સન્માન કરવા ધારાસભ્યોએ સંપૂર્ણ તૈયારીઓ કરી છે ખોડલધામથી રાજકોટ સુધીના રસ્તામાં ઠેર ઠેર સ્વાગત પોઇન્ટ નકકી કરાયા છે. જે મુજબ તેઓનું સન્માન કરવામાં આવશે.

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ બન્યા બાદ પહેલીવાર  સૌરાષ્ટ્રના પ્રવાસે આવી રહેલા સી.આર. પાટીલનું દબદબાભેર કાઠીયાવાડને છાજે તેવું સ્વાગત કરવાની જોરદાર તૈયારી કરાઇ હોવાનું ધારાસભ્યો ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી તથા લાખાભાઇ સાગઠીયા દ્વારા જણાવાયું છે.

પટેલ, રૈયાણી તથા સાગઠીયા વધુમાં જણાવે છે કે તેમને પ્રદેશ ભાજપમાંથી મળેલ સુચના મુજબ ખોડલધામથી રાજકોટ સુધીની વિશેષ જવાબદારી સોંપેલ છે. અને તેની તૈયારીના ભાગરુપે હાઇવે રોડથી બેનર-હોડિંગ તેમજ ખોડલધામથી રાજકોટ લાવવા ૧પ૦ ગાડીનો કાફલો ખોડલધામ (કાગવડ) થી રાજકોટ તેમની સાથે રહેશે. રસ્તામાં ઠેર ઠેર સ્વાગત પોઇન્ટ નકકી કરાયા છે. જેમાં હડમતાળા ઇન્ડ એસો. મારફતે હાઇવે પર આવેલ ભરૂડી પાટીયા પાસે અજયરાજ હોટલ પાસે સ્વાગત થશે. ત્યારબાદ આગળ શાપર વેરાવળ ઇન્ડ. એસો. મારફત હાઇવે પર શાપર-વેરાવળની ચોકડીએ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

સી.આર.પાટીલ સૌરાષ્ટ્રના આ ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે

સૌરાષ્ટ્ર પ્રવાસ દરમ્યાન પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સોમનાથ મહાદેવ મંદિર-સોમનાથ, ઉમિયાધામ-ગાંઠીલા, ખોડલધામ મંદિર-કાગવડ તેમજ પૂ. સવૈયાનાથ સવઘણ મંદિર-ઝાંઝરકા સહિતના ધાર્મિક સ્થળોએ દર્શન-પૂજા કરશે અને ગુજરાત અને દેશ કોરોના મહામારીમાંથી સંપૂર્ણ મુક્ત થાય તે માટે પ્રાર્થના કરશે. આ પ્રવાસ તા. ૧૯ ઓગષ્ટ, બુધવારના રોજ સવારે ૯ કલાકે સોમનાથ મહાદેવના દર્શન બાદ શરૂ થશે. ત્યાંથી વેરાવળ, કેશોદ, વંથલી થઈ જુનાગઢ શહેર પહોંચશે. ત્યારબાદ બીજા દિવસે તા. ૨૦ ઑગષ્ટ, ગુરૂવારના રોજ જેતપુર, ખોડલધામ, ગોંડલ થઈને રાજકોટ મુકામે જશે. તા. ૨૧ ઓગષ્ટ, શુક્રવારે સવારે રાજકોટ ખાતે પત્રકાર પરિષદ યોજાશે. ત્યારબાદ સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ શ્રેણીની સંગઠનાત્મક બેઠકો યોજવામાં આવશે. રાત્રી રોકાણ ચોટીલા ખાતે કરીને તા. ૨૨ ઓગષ્ટ, શનિવારના રોજ પ્રવાસના અંતિમ દિવસે ચોટીલાથી ઝાંઝરકા, ધંધુકા, બગોદરા, બાવળા થઈને સુરત જવા રવાના થશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.