મોડી સાંજ સુધી બેઠકનો ધમધમાટ ચાલુ રહેશે: સંગઠનને વધુ મજબૂત બનાવવા પર મૂકાયો ભાર
ગુજરાતમાં છેલ્લા ર7 વર્ષથી સત્તા વિહોણી કોંગ્રેસ આ વખતે વિધાનસભાની ચુંટણીને ખુબ જ ગંભીરતાથી લઇ રહી છે. તાજેતરમાં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ઝોનની વિસ્તૃત કારોબારી બેઠક યોજાઇ હતી દરમિયાન શહેરી વિસ્તારોમાં પક્ષના સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે આજે પ્રદેશ કોંગ્રેસ હાઇ કમાન્ડ દ્વારા રાજયના આઠ મહાનગરોના સિનિયર આગેવાનો સાથે મહત્વ પૂર્ણ બેઠક યોજી હતી. જેમાં ચુંટણી લક્ષી સુચનો આપવામાં આવ્યા હતા.
આજે અમદાવાદ સ્થિત પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, પ્રદેશ અઘ્યક્ષ જગદીશ ઠાકોર, વિધાનસભાના વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા સહિતના દિગ્ગજ નેતાઓ દ્વારા અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ભાવનગર, ગાંધીનગર અને જુનાગઢ મહાનગરપાલિકાના કોંગ્રેસના સિનિયર આગેવાનો સાથે બેઠક યોજી હતી. આ બેઠક મોડી સાંજ સુધી ચાલશે. રાજકોટ શહેરમાંથી આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદી, મહેશ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, ડો. હેમાંગ વસાવડા, મહાપાલિકાના વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, એસસી સેલના પ્રમુખ નરેશભાઇ સાગઠીયા અને ઓબીસી સેલના પ્રમુખ હાર્દિપ પરમાર ઉ5સ્થિત રહ્યા હતા.
વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસને સારી એવી સફળતા સાંપડી હતી. શહેરી વિસ્તારોમાં ધારી સફળતા ન મળતા માત્ર થોડી બેઠકો માટે કોંગ્રેસ સત્તાથી વંચિત રહ્યું હતું. શહેરીવિસ્તારોમાં જો સંગઠનને મજબુત બનાવવામાં આવે તો સારા પરિણામો પ્રાપ્ત થઇ શકે છે તે વાત કોંગ્રેસ હાઇકમાન્ડને બરાબર સમજાઇ ગયું છે હવે કોંગ્રેસે મહાનગરોમાં સંગઠનને મજબુત બનાવવાની કવાયત શરુ કરી છે. જેના ભાગરુપે આજે હાઇકમાન્ડ દ્વારા આઠ મહાનગરોના સિનિયર નેતાઓ સાથે બેઠક યોજવામાં આવી હતી.
આગામી દિવસોમાં કોંગ્રેસ દ્વારા સંગઠાત્મક કાર્યક્રમો જાહેર કરવામાં આવશે સદસ્યતા નોંધણી અભિયાનને પણ વધુ વેગવંતુ બનાવવામાં આવશે.