- ઈણાજ ખાતે જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ
- પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે માર્ગદર્શન અપાયું
- બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સહિતના અધિકારીઓ રહ્યાં ઉપસ્થિત
પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી. તેમજ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે માર્ગદર્શન અપાયું હતું. આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ/કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અનુસાર માહિતી મુજબ, ધોરણ-10 તથા ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની જાહેર પરીક્ષાઓ તા.27/02/2025થી તા.17/03/2025 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનું સંચાલન સુનિયોજિત રીતે થાય એ માટે જિલ્લા કલેકટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં અને નિવાસી અધિક કલેક્ટર રાજેશ આલની ઉપસ્થિતિમાં જિલ્લા પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં પરીક્ષાસ્થળો ઉપર ચૂસ્તપણે પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા, પરીક્ષાર્થીઓને પરીક્ષા સ્થળો સુધી આવવા-જવા માટે STની સુવિધાઓ તેમજ તમામ પરીક્ષાસ્થળો ઉપર પરીક્ષાના સમય દરમ્યાન સતત વીજ પુરવઠો જળવાઈ રહે તેની કાળજી રાખવા સહિતની બાબતો પરત્વે નિવાસી અધિક કલેક્ટરએ સંબંધિત વિભાગના અધિકારીઓને માર્ગદર્શિત કર્યા હતાં.
આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાએ પરીક્ષાની વિગતો આપતા જણાવ્યું હતું કે, આ પરીક્ષાના પ્રશ્નપત્રો માટે જિલ્લામાં ધોરણ-10ના બે ઝોન (1)ઉના અને (2) વેરાવળ અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ માટે ઝોન-01 વેરાવળ ખાતે કાર્યરત રહેશે.
ધોરણ-10ના 67 પરીક્ષાસ્થળોના 670 બ્લોકમાં કુલ 18,435 પરીક્ષાર્થીઓ, ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં 33 પરીક્ષાસ્થળોના 281 બ્લોકમાં કુલ 8,360 પરીક્ષાર્થીઓ અને ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના 09 પરીક્ષાસ્થળોના 79 બ્લોકમાં કુલ 1,526 ૫રીક્ષાર્થીઓ પરીક્ષા આપશે.
પરીક્ષા શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે, પરીક્ષાસ્થળોની આજુબાજુ 100 મીટરના વિસ્તારમાં પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે હેતુથી લાઉડસ્પીકર, ઝેરોક્ષ મશીનો બંધ કરવા, પરીક્ષામાં મોબાઈલ, ઈલેકટ્રોનિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધાત્મક હુકમોનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીને તાત્કાલિક કોઈ આરોગ્યલક્ષી સારવારની જરૂરિયાત ઉભી થાય તો તેની જરૂરી વ્યવસ્થાઓ કરવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીને સૂચનાઓ આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ પરીક્ષા સ્થળે પહોંચે તે માટે બસની વ્યવસ્થા, શાળા ખાતે છાંયડા અને પાણીની વ્યવસ્થા ગોઠવાય તે માટેની જરૂરી સુચનાઓ ઉપસ્થિત અધિકારીઓને આપવામાં આવી હતી.
આ બેઠકમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અશોક પટેલ, સંબંધિત વિભાગના અધિકારીઓ /કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
અહેવાલ : અતુલ કોટેચા