સત્તાની ભાગીદારીમાં ધારાસભ્યનો ડોળો: સત્તાનો સ્વાદ ચાંખી ગયેલા પ્રમુખ પદ મેળવવા ધમપછાડા: એક જુથ ગામ બાજુ અને એક જુથ સીમ બાજુ તાણતુ હોવાનો ઘાટ: પ્રદેશ કોંગી દરમિયાનગીરી નહી કરે તો બળવાના એંધાણ?
રાજકોટ જિલ્લા પંચાયતના હોદેદારોની આવતા માસે મૂદત પૂર્ણ થતી હોય આથી નવા હોદેદારોની વરણી માટે આંતરિક સળવળાટ જોવા મળ્યો છે. જેમાં શહેરની ભાગોળે આવેલા એક સભ્યના ફાર્મ હાઉસમાં ૧૬ સભ્યોની ઉપસ્થિતિમાં મહિલા પ્રમુખ અને મલાઈદાર ચેરમેનના હોદા માટે કુલડીમાં ગોળ ભાંગ્યાની ચર્ચાએ જોર પકડયું છે. પરંતુ અન્ય સભ્ય દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ નિમણુંક કરવા જો પ્રદેશ અગ્રણીઓ વરણીમાં મધ્યસ્થીની ભૂમિકા નહી ભજવે તો બળવાની નોબત આવે તેવી શકયતાઓ રાજકીય પંડિતો જોઈ રહ્યા છે.
વધુમાં રાજકોટ જિલ્લા પંચાયતની કુલ ૩૭ બેઠક પૈકી ૩૬ બેઠકો કોંગ્રેસ પાસે છે. હોદેદારોની અઢી વર્ષની મુદત પૂર્ણ થતા ફરી સત્તાસ્થાને ચીમકી રહેવા અને પોતાના જુથના સભ્યોને ગોઠવવા અને પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન સહિત મહત્વની સમિતિ મેળવવા જિલ્લા પંચાયતનું એક જુથ દ્વારા ‘પાણી પહેલા પાળ બાંધવા’ પોતાના ફાર્મ હાઉસમાં બેઠક યોજી હતી. જેમાં ૧૬ જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને ત્રણેક સભ્યો મોબાઈલ ફોન પર સંમતિ આપી હતી.
આ બેઠકમાં જેતપૂર, ઉપલેટા, કોટડાસાંગાણી, ધોરાજી, જસદણ અને પડધરી પંથકના સભ્યો હાજર રહ્યા હતા.પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિના ચેરમેનના મામલે કોંગીના ત્રણેક ધારાસભ્ય સંમતિ આપી સતામાં ભાગ બટાય કરી હોવાનું ચર્ચાય રહ્યું છે.
જયારે સામા જુથ દ્વારા લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ હોદેદારોની વરણી કરવા અંગે પ્રદેશ કોંગીને રજૂઅત કરવાનો તખ્તો ઘડવામાં આવી રહ્યો છે. જો પ્રદેશ કોંગી આ મામલે ઘટતુ નહી કરે તો બળવાની સ્થિતી પેદા થશે અને આનુ પરિણામ લોકસભાની ચૂંટણીમાં ભોગવવું પડશે તેમ આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com