- તા.23 માર્ચના રોજ યોજાનાર ગુજકેટની પરીક્ષા સંદર્ભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ
શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ પૂર્ણ થાય તે પ્રકારે સુચારુ આયોજન હાથ ધરવા નિયામકનું અધિકારીઓને સૂચન
આગામી તા.23 માર્ચના રોજ આણંદ જીલ્લા સહીત સમગ્ર રાજ્યમાં ગુજકેટની પરીક્ષા યોજાનાર છે. આ પરીક્ષાના સુચારુ આયોજન માટે
આણંદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.વી. દેસાઈના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરીના સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
બેઠકમાં નિયામકએ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત થાય તથા શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવામાં આવે તે પ્રકારે આયોજન હાથ ધરવા અધિકારીઓને સૂચનો આપ્યા હતા. કલેકટરએ સ્ટ્રોંગરૂમ અને પરીક્ષા સ્થળોએ સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા, પરિવહન વ્યવસ્થા ખોરવાય નહી તેના ભાગરૂપે એસટી વિભાગના તમામ રૂટ કાર્યરત રાખવા, વીજપુરવઠો ન ખોરવાય તેની તકેદારી જાળવવા, જે સેન્ટર પર પરીક્ષાઓ યોજાવાની છે ત્યાં CCTV કેમેરા સહિતની તમામ વ્યવસ્થાઓ જાળવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું.
આણંદ જિલ્લામાં કુલ 21 સ્થળો પર 223 બ્લોકમાં પરીક્ષા યોજવામાં આવશે. જેમાં કુલ 4436 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. પરીક્ષાનો સમય સવારે 10:00 કલાકથી સાંજે 4:00 કલાક સુધીનો રહેશે. જેમાં સવારે 10:00 વાગ્યાથી 12:00 વાગ્યા સુધી ભૌતિક અને રસાયણ વિજ્ઞાન, બપોરે 1:00 થી 2:00 દરમિયાન જીવ વિજ્ઞાન અને 3:00 થી 4: 00 વાગ્યા સુધી ગણિતની પરીક્ષા લેવામાં આવશે.
આ બેઠકમાં પ્રાંત અધિકારી મયુર પરમાર, જિલ્લા શિક્ષણ અધિકારી સહિત સંબધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા.