ડાંગ જિલ્લામાં ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે બેઠક યોજાઇ. આગામી વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં સંભવિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાશે ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’. આગામી દિવસોમાં ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે યોજાનાર ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ ના આયોજન સંદર્ભે આજરોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભા ખંડમાં જિલ્લા કલેક્ટર મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને જિલ્લાના તમામ સંકલન અધિકારીઓની સાથે મહત્વની બેઠક યોજાઇ હતી.
જિલ્લામાં યોજાતા ગરીબ કલ્યાણ મેળા અને સેવા સેતુ કાર્યક્રમો જેમાં લોકોને વ્યાપક પ્રમાણે એક જ સ્થળે સરકારી યોજનાઓના લાભ આપવામાં આવતાં હોય છે તેવી જ રીતના પ્રજા અને સરકાર વચ્ચે સેતુરૂપ બની કોર્ટ દ્વારા ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ યોજીને લોકોને સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવતો હોય છે. ત્યારે લોકોને સરકારી યોજનાઓના લાભ લેવામાં અગવડતાં ના પડે તે સુનિશ્વિત કરવા અને આ કેમ્પનું સુવ્યવસ્થિત આયોજન કરવા જિલ્લા કલેક્ટર મહેશ પટેલે તમામ અધિકારીઓને સુચનો કર્યા હતા.
આ બેઠકમાં નવસારી ડિસ્ટ્રીક્ટ કોર્ટના સેક્રેટરી જીમી મહેતાએ જણાવ્યું હતું કે, સરકાર અને લાભાર્થીઓ વચ્ચે સેતુરૂપ બનવાના ભાગરૂપે સરકારી યોજનાઓથી કોઈ લાભાર્થી વંચિત ન રહે તે માટે નેશનલ લીગલ સર્વિસ ઓથોરીટી દ્વારા સમગ્ર દેશના દરેક જિલ્લામાં લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં એક જગ્યાએથી તમામ સરકારી ખાતાઓ દ્વારા ભેગાં થઇ લાભાર્થીઓને સરકારી યોજનાકીય લાભો અને યોજનાની જાણકારી પુરી પાડવામાં આવે છે. આ કેમ્પનો મુખ્ય હેતુ સરકાર અને પ્રજા વચ્ચે સેતુરૂપ બનીને કામગીરી કરવાનો છે.
આગામી વર્ષ 2025ના જાન્યુઆરી મહિનામાં સંભવિત ડાંગ સ્વરાજ આશ્રમ ખાતે ‘મેગા લીગલ સર્વિસ કેમ્પ’ યોજાનાર હોઇ અત્યારથી જ સરકારના તમામ વિભાગો દ્વારા કેમ્પની તૈયારી શરૂ કરે તે અનિવાર્ય છે. જે માટે લાભાર્થીઓને જરૂરી દસ્તાવેજો રજુ કરવા અને યોજનાનો વધુમાં વધુ લાભ આપવા તેઓએ વધુમાં જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી રાજ, સુથાર, જિલ્લા ગ્રામ વિકા એજન્સી નિયામક શિવાજી તબીયાર, પ્રાંત અધિકારી કાજલ આબંલીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ સહિતના ઉચ્ચાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.