કલેક્ટર સહિત સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત: રાજકોટ જિલ્લાને ૨૫ લાખનો અપાયો લક્ષ્યાંક
રાષ્ટ્રીય રક્ષા કાજે સૈનિકો દ્વારા જે પ્રાણ ન્યોછાવર કરવામાં આવ્યા હોય તેવા વીર સૈનિકોનાં પરિવારજનો માટે સ્વમાનભેર જીવન જીવવાનો નિર્વાહ કરી શકે તેવી વ્યવસ્થા કરવા માટે તેમજ યુદ્ધ અને સૈનિક કાર્યવાહીમાં શારીરિક ક્ષતિગ્રસ્ત થવાનાં કારણે સશસ્ત્ર સેનાઓમાંથી છુટા કરાયેલા સૈનિકોનાં પુન:વસવાટ માટે તથા તેઓનાં પરિવારજનોનાં કલ્યાણ માટે વિવિધલક્ષી કલ્યાણકારી યોજનાઓ બનાવવા માટે સશસ્ત્ર સેના ઘ્વજ દિન ભંડોળનો ઉપયોગ કરવામાં આવે છે. આ ભંડોળ એકત્ર કરવાના ઔપચારિક કાર્યક્રમનો આરંભ પ્રતિ વર્ષ ૭મી ડિસેમ્બરનાં રોજ કરવામાં આવે છે ત્યારે પોતાનાં પ્રાણની પરવાહ કર્યા વિના દેશનાં સીમાડાઓ અને સાર્વ ભૌમકતાનું રક્ષણ કરનાર દેશનાં સિપાહીઓનાં રક્ષણ માટે જિલ્લા સૈનિક કલ્યાણ અને પુન: વસવાટ કચેરી દ્વારા સશસ્ત્ર સેના ઘ્વજદિન નિમિતે રાજકોટ કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે કલેકટર રેમ્યા મોહન, રીટાયર્ડ લેફટન્ટ કર્નલ ક્રિષ્ણદિપસિંહ જેઠવા, કેપ્ટન જયદેવ જોશી સહિત અનેકવિધ જ્ઞાતિનાં હોદેદારો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કલેકટર રેમ્યા મોહને અપીલ કરતા અને માહિતી આપતા જણાવ્યું હતું કે, સશસ્ત્ર સેના ઘ્વજ દિન નિમિતે રાજકોટને ૨૫ લાખ રૂપિયાનો લક્ષ્યાંક આપવામાં આવ્યો છે જેને પરીપૂર્ણ કેવી રીતે કરી શકાય તે દિશામાં પગલા લેવા જોઈએ. વિશેષપથી તેઓએ વિવિધ સમાજનાં આગેવાનો તથા સમાજ શ્રેષ્ઠીઓ કે જેઓએ અનુદાન આપી સૈનિકોનાં રક્ષણ માટે જે કામગીરી કરી હોય તેને શીલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અને તેઓએ અપીલ પણ કરી હતી કે, આગામી લક્ષ્યાંકને વહેલાસર પહોંચવામાં આવે.
અબતક સાથેની વિશેષ વાતચીતમાં નિવૃત લેફટન્ટ કર્નલ ક્રિષ્ણદિપસિંહ જેઠવાએ જણાવ્યું હતું કે, સશસ્ત્ર સેના ઘ્વજ દિન નિમિતે જે સહયોગ લોકો તરફથી મળે છે તે અત્યંત મહત્વપૂર્ણ અને આવકારદાયી છે. ગત વર્ષની સરખામણીમાં ૧૬૫ ગણું ફંડ એકત્રિત કરવામાં આવ્યું હતું અને માજી સૈનિકોનાં પરિવારોને કેવી રીતે સારું જીવન આપી શકાય તે દિશામાં ફંડને ઉપયોગમાં પણ લેવામાં આવે છે. આ તકે કેપ્ટન જયદેવ જોશીએ પણ અબતક સાથેની વાતચીતમાં સમગ્ર જ્ઞાતિ કે જેઓએ સતકાર્યમાં સહભાગી થયા છે. તેઓને આવકાર્યા હતા અને પ્રજાને અપીલ પણ કરી હતી કે, ઉદાર હાથે અને ઉદાર મને સૈનિકોનાં રક્ષણ માટે ફંડ એકત્રિત કરવું જોઈએ. તેઓએ સરકારનાં પણ વખાણ કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે નીતિ-નિયમો માજી સૈનિકો તથા તેમનાં પરિવારજનો માટે બનાવવામાં આવ્યા છે તેનાથી માજી સૈનિક પરિવારોનું ઉથાન પણ થયું છે. અંતમાં તેઓએ જણાવ્યું હતું કે, આ સેવાકાર્યમાં માત્ર કોઈ વ્યકિત કે કોઈ સંસ્થા નહીં પરંતુ સરકારી કચેરી પણ ઉદાર હાથે ફંડ એકત્રિત કરે છે અને વર્ષ દરમિયાન સૈનિકોનાં હિતો માટે અને તેમનાં પરિવારોનાં રક્ષણ માટે ઉપયોગમાં લ્યે છે.