રેલવે લાઈન ડબલિંગ પ્રોજેક્ટ સંદર્ભે ગાંધીનગરમાં આજે બેઠકનું આયોજન કરાયું છે. જેમા રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક કરવા હાલ માપણી સહિતની કામગીરીનો જે ધમધમાટ ચાલી રહ્યો છે તેની વિગતો મહેસુલ અને રેલવે વિભાગ સમક્ષ પ્રાંતે રજૂ કરી હતી.

ચૂંટણી પૂર્ણ થતાં કલેકટર કચેરી દ્વારા એક પછી એક પ્રોજેકટને વેગ આપવામાં આવી રહ્યો છે. જેમાં હાલ રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેકટની કામગીરીનો ધમધમાટ ચલાવવામાં આવ્યો છે. જેમાં તંત્ર દ્વારા અત્યારે માપણી કરવામાં આવી રહી છે.

રાજકોટ-કાનાલુસ વચ્ચે ડબલ ટ્રેક કરવા હાલ માપણી સહિતની

કામગીરીનો ધમધમાટ, મહેસુલ અને રેલ્વે વિભાગ સમક્ષ પ્રાંતે કામગીરીનો અહેવાલ રજૂ

1,080.58 કરોડના ખર્ચે રાજકોટ – કનાલુસ રેલવે લાઈન ડબલ ટ્રેક બનવાના માટેનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. જેમાં રેલવે લાઇનની ડબલ ટ્રેક કરવા માટેની કુલ લંબાઈ 111.20 કિમી છે. વિભાગને બમણો કરવાથી ક્ષમતામાં વધારો થશે અને સિસ્ટમ પર વધુ પરિવહન શરુ કરી શકાશે. રાજકોટથી કાનાલુસ સુધી પ્રસ્તાવિત બમણું કરવાથી સૌરાષ્ટ્ર પ્રદેશનો સર્વાંગી વિકાસ થશે

પ્રધાનમંત્રી ગતિ શક્તિ સ્કીમમાં સમાવિસ્ટ રાજકોટ-કાનાલુસ રેલવેની બ્રોડગેજ સિંગલ લાઇનમાંથી ડબલ લાઇનમાં રૂપાંતરણ માટેના પ્રોજેક્ટ સંદર્ભે અગાઉ પડધરીના 11 ગામોની 92 એકર જેટલી જમીન સંપાદિત કરવાનું જાહેરનામું અગાઉ બહાર પાડવામાં આવ્યું હતું.

આ પ્રોજેકટમાં રાજકોટ જિલ્લાના વિસ્તારો પૈકી ખંઢેરી, નારણકા, તરઘડીની 27 એકર તથા પડધરી, રામપર મોટા, વણપરીની 30 એકર જમીનનો સમાવેશ થાય છે. મોટી ચણોલ ગામની 21,000 ચો.મી.થી વધુ ખેત જમીન, 3700 ચો.મી. જેવી સરકારી, 38 ચો.મી. ગૌચર તથા અંદાજે 1000 ચો.મી. બિનખેતી જમીનનો સમાવેશ થાય છે.જ્યારે જોધપરમાં 4080 ચો.મી. સરકારી અને 7200 ચો.મી. જેટલી ખેત જમીન, નાની ચલોણમાં 27,296 સરકારી તથા મોવિયા ગામે 292 ચો.મી. ખેતીની જમીન કપાત થશે. સૌથી વધુ 79,408 ચો.મી. એટલે કે 19.62 એકર જમીન રેલવે ડબલિંગ માટે કપાતમાં જનાર છે, જેમાં કુલ 1572 ચો.મી.ના ત્રણ રસ્તા, 31500 ચો.મી જેવી સરકારી તથા 46,000 ચો.મી.થી વધુ ખાનગી ખેત જમીનોનો સમાવેશ થાય છે.

વર્ષ 2025 સુધી ચાલનારા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટ પાછળ રૂપિયા 1000 કરોડનો ખર્ચ થનાર છે. આ પ્રોજેકટને હાલ વેગ આપવામાં આવી રહ્યો છે. કારણ કે રેલવેના ડબલ ટ્રેક થવાથી પરિવહન ખૂબ સરળ થશે. ઉપરાંત રેલવે વિભાગને પણ ટ્રાફિક હેન્ડલ કરવું ખૂબ સરળ બનશે. વધુમાં ક્રોશીંગ માટે ટ્રેનોને ઉભી રાખવાની કડાકૂટમાંથી પણ છુટકારો મળશે. આ પ્રોજેક્ટ સંદર્ભે આજે ગાંધીનગર ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રામ્ય પ્રાંત અધિકારી વિવેક ટાંકએ હાજરી આપી કામગીરીનો અહેવાલ રજૂ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.