રાજકોટ શહેર અને જિલ્લા નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સમીતીની બેઠક  ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદરની પ્રેરક ઉપસ્થિતીમાં અને કલેકટર અરૂણ મહેશ બાબુની અધ્યક્ષતામાં મળી હતી.

આગામી દિવસોમાં આવતા તહેવારોને અનુલક્ષીને જરૂરીયાતમંદ લોકોને રાહત રહે તે માટે મળવાપાત્ર અનાજ અને અન્ય રાશનના પુરવઠા સાથે ખાંડ અને તેલનો પુરવઠો પણ સમયસર મળી રહે તે બાબતને ધ્યાને લઇને કલકેટર અરૂણ મહેશ બાબુએ સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ આદેશો આપ્યા હતા.

કલેકટરએ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા અન્વયે સરકારશ્રીના નક્કી કરાયેલા ધારા-ધોરણો ઉપરાંત અગ્રતા ધરાવતા કુટુંબોમાં દિવ્યાંગ, વૃધ્ધ પેન્શન મેળવતા લાભાર્થી, ગંગા સ્વરૂપા બહેનો અને શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા નોંધાયેલા બાંધકામ શ્રમયોગીઓને પણ આવક મર્યાદાને ધ્યાને લીધા સીવાય સમાવેશ કરવા જણાવ્યું હતું.

રાજયસરકાર દ્વારા અગ્રતા ધરાવતા કુટુંબોને ઘરના સભ્યો દિઠ 350 કિ.ગ્રા. ઘઉં રૂા. 2 પ્રતિ કિલોના ભાવે, ચોખા 150 કિગ્રા. રૂા.3-00 પ્રતિ કિલોના ભાવે એમ કુલ મળીને પાંચ કીલો અનાજ, અંત્યોદય રેશકાર્ડ ધારકોને કાર્ડ  દિઠ મહત્તમ 25 કીગ્રા ઘઉં રૂા. 2 પ્રતિ કિલોના ભાવે તથા ચોખા 10 કિગ્રા. રૂા. 3 પ્રતિ કિલોના ભાવે વિતરણ કરવામાં આવે છે. આ ઉપરાંત બી.પી.એલ કુટુબોને નીયમીત રીતે વ્યક્તિદીઠ 350 ગ્રામ અને તહેવાર નિમિત્તે 1 કિલોગ્રામ ઘઉં રૂા. 22 લેખે તથા ચોખા નિયમીત 3 વ્યકતિ સુધી કાર્ડ દીઠ 1 કિગ્રા ઘઉં રૂા. 15 લેખે અને ચોખા 3 વ્યક્તિ દીઠ 350 કિગ્રા. રૂા. 15 લેખે જયારે તહેવાર નિમીત્તે કાર્ડદિઠ 1 કિગ્રા. રુા. 15 લેખે મળવાપાત્ર થાય છે. આ ઉપરાંત આ તમામને તહેવાર નિમિત્તે રીફાઇન્ડ કપાસીયા તેલ કાર્ડ દીઠ 1 લીટર રૂા. 93 લેખે મળવાપાત્ર થાય છે. જે વિતરણની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ યેાજના અન્વયે રાજકોટના કુલ 2,90,194 રેશનકાર્ડનો સમાવેશ થાય છે જેમાં નોંધાયેલા લાભાર્થી વ્યક્તિઓની સંખ્યા કુલ 12,45,546 છે.

આ બેઠકમાં રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ખાતે અને જેતપુર તાલુકાના ઉમરાળી ગામે નવી દુકાન ખોલવા અંગેના ઠરાવને બહાલી આપવા જેવા સકારાત્મક નિર્ણયો પણ લેવાયા હતા. આ બેઠકમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અને વન નેશન વન રેશનકાર્ડ યોજનાની કામગીરીની સમીક્ષા કરાઇ હતી.

બેઠકમાં જિલ્લા પુરવઠા અધિકારી વિરેન્દ્ર દેસાઇ, રાજકોટ શહેર અને જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ રમાબેન માવાણી, સલાહકાર સમીતીના સભ્ય રાજેન્દ્રસિંહ ગોહિલ, ખોરાક અને ઔષધ નિયમન વિભાગના શ્રી શાહ સહિત સલાહકાર સમીતીના સભ્યો અને પુરવઠા વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.