ભારતની છાપ એક તટસ્થ દેશ તરીકે ઉભરી આવી, હવે શાંતિ ઇચ્છતા વિશ્વના દેશોને ભારત પ્રત્યે ઘણી આશા
રશિયા- યૂક્રેન વિવાદ વચ્ચે વિશ્વને જેનો ડર હતો તે યુદ્ધની સ્થિતિ આવી ચૂકી છે. બંને પક્ષે સામસામે ભરી પીવાના પ્રયાસ વચ્ચે રશિયાએ શુકન પર શરૂ કરી દીધેલી લશ્કરી કાર્યવાહી સામે યુક્રેન પણ રશિયાને પોતાની શક્તિ મુજબ જવાબ આપવા લાગ્યું છે. કલાકો નહીં પરંતુ મિનિટોની ગણતરીમાં એકબીજાને વધુમાં વધુ નુકસાન કરવા માટે બંને પક્ષોએ ખાંડા ખખડાવી લીધા છે. ત્યારે એક તરફ રશિયા અને બીજી તરફ અમેરિકા અને નાટોના સંગઠનોએ આ યુદ્ધમાં પોત-પોતાનું સ્થાન લઈ લેવાનું મૂડ બનાવી લીધું છે.
ત્યારે હવે બંને પક્ષો યુદ્ધમાં એકબીજાના સાથીઓની આવશ્યકતાની સાથે સાથે આ યુદ્ધ છેલ્લી ઘડીએ વિકરાળ રુપ ન લે તે માટે તટસ્થ મધ્યસ્થીની પણ જરૂર ઊભી થઈ છે. ત્યારે ભારત એક એવું રાષ્ટ્ર બનીને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉભરી આવ્યું છે કે જે રશિયા અને અમેરિકા બંનેને પોતિકા ગણીને સમજાવટથી મામલો શાંત પાડી શકે છે.
યુદ્ધની પરિસ્થિતિની પ્રથમ કલાકોમાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મધ્યસ્થી અને રશિયાના પ્રમુખ પુતિન સાથે વાતચીત કરવા અપીલ થઈ છે. અત્યારના સંજોગોમાં યુદ્ધ કોઈને પરવડે તેમ નથી. પરંતુ હવે જ્યારે રશિયાએ યુક્રેન ઉપર હુમલો કરી દીધો છે ત્યારે અમેરિકા અને નાટોને પણ યુક્રેનની મદદમાં મેદાનમાં આવ્યા વગર છૂટકો નથી. તેવા સંજોગોમાં યુદ્ધને વધુ બિહામણું બનતા અટકાવવા માટે અત્યારે ભારત એક એવું રાષ્ટ્ર બની રહ્યું છે કે જે શાંતિ માટે નિમિત્ત બની રહે, સમગ્ર વિશ્વની અત્યારે યુદ્ધ વિરામની સ્થિતિ ઊભી કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સલામતી સમિતિની બેઠક કરતાં પણ વધુ ભારતની ભૂમિકાનું મહત્વ સમજાયું છે અને ભારત પર આ માટે યુક્રેન થી લઈ તમામ દેશોની મીટ મંડાઇ છે.
બીજી તરફ અમેરિકા ભલે જગત જમાદાર બનીને ફરતું હોય, પણ આ વિવાદમાં તેને દિવાસળી મુકવા સિવાય બીજું કંઈ કર્યું નથી. આ દરમિયાન ભારતની છાપ એક તટસ્થ દેશ તરીકે ઉભરી આવી છે. એટલે યુક્રેને પણ ભારત પ્રત્યે ઘણી આશાઓ છે. હવે એ જોવાનું રહ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે શું પગલાં લ્યે છે.