-
૯૫ વર્ષથી ગુજરાતીઓ સાથે હળીમળી મરાઠી સમાજે રાજકોટને ઘરેણા ઘડતરમાં મોખરે મુકયું
-
૧૫૦ જેટલી ભઠ્ઠીઓ આપે છે ૧૫૦૦ મરાઠી માનુષને રોજગાર
ગુજરાતીઓ દુનિયાભરમાં વ્યવસાય અને ધંધાકીય ક્ષેત્રે હમેશા અગેસર રહ્યા છે. એમાં પણ જો ખાસ ચાંદી કામના વ્યવસાયની વાત કરીએ તો રાજકોટ ભારતભરમાં મોખરે છે. પરંતુ આ વ્યવસાયને મોખરે પહોચાડવા ગુજરાતી સાથો સાથ મરાઠી લોકોનો પણ એટલો જ ફાળો છે. ૯૫ વર્ષ પહેલા રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં મરાઠિ લોકો દ્વારા ચાંદી ઓગાળવા માટે ભઠ્ઠીની શરુઆત કરવામાં આવી હતી.
વર્તમાન સમયમાં ફકત ઉપલા કાંઠા વિસ્તારમાં ફકત મરાઠી લોકોની જ ૧પ૦ થી વધુ ચાંદી ઓગાળવાની ભઠ્ઠીઓ કાર્યરત છે. ચાંદીના આભુષણોની ચળકાટ મેળવવા તેની પાછળ કેટલી પ્રક્રિયાઓ અને કેટલી મહેનત રહેલી છે તેના વિશે વિસ્તૃતમાં જાણીશું.
સૌથી પહેલા વાત કરીએ તો અમદાવાદથી રાજકોટના બુલિયન મરચન્ટ દ્વારા ચોસલા સ્વરુપે રો-મટીરીયલ મંગાવવામા આવે છે આ ચોસલાઓ વેપારીઓને હોલસેલમાં વહેચવામાં આવે છે. જેમાં કિષ્ના ટ્રેડીંગના માલીક મગનભાઇ સાથેની વાતચીતમાં વધુ જાણવા મળ્યું હતું.
પ્રશ્ન:- કેટલા સમયથી આપ આ વેપાર સાથે સંકળાયેલા છો?
જવાબ:- મગનભાઇ નાથાભાઇ પિપળીયા છેલ્લા સોળ વર્ષથી ક્રિષ્ના ટ્રેડીંગ નામે આ વ્યવસાયમાં જોડાયેલા છે
પ્રશ્ન:- ચાંદીના રો-મટીરીયલ્સના વેપારીઓને કેવી રીતે મળે ?
જવાબ:- અમદાવાદથી ચાંદીનું રો-મટીરીયલ્સ આવે છે અને અહિંયા હોલસેલના વેપારીઓને ટ્રેડીંગ કરીએ. અમદાવાદથી ૩૦ કિલોની સીબી પેટી મારફતે ચાંદી રાજકોટની બજારમાં આવે છે. ત્યારબાદ તેના પ૦૦ ગ્રામના ચોસલા પાડવામાં આવે છે અને તે ચોસલાની ખરીદી વેપારીઓ કરે છે. ત્યારબાદ કારીગરો તેના દાગીનાઓ બનાવે છે.
પ્રશ્ન:- ગુજરાતીઓ અને મરાઠાઓ સાથે મળીને આ કામને કેવી રીતે કરે છે?
જવાબ:- મરાઠી લોકો વગર આ કાર્યને કરવું ખુબ જ કઠીન છે. કેમ કે ગુજરાતી લોકો બુલિયનના વેપારીઓ છે. તો બીજી કાર્યવિધ માટે મરાઠી લોકો દ્વારા ભઠ્ઠીઓની કામગીરી પણ થાય છે અને ગુજરાતી લોકો તથા મરાઠી લોકો કામની સાથે તહેવારો પણ હળીમળીને ઉજવીએ છીએ.
વેપારીઓ દ્વારા સીલીની ખરીદી બાદ ચાંદી ઓગાળવા અને તેને ઢાળ આપવા માટે ભઠ્ઠીઓમાં મોકલવામાં આવે છે. મરાઠાઓ દ્વારા લગભગ ૧પ૦ જેટલી ભઠ્ઠીઓ અહીંયા કાર્યરત છે. તો શું છે આ ભઠ્ઠીઓની કામગીરી તેની માહીતી મેળવીએ પ્રભુરામ ભઠ્ઠી ના માલીક અને એસોસીએશનના પ્રમુખ પોપટભાઇ પાસેથી
પ્રશ્ન:- ભઠ્ઠી કામની શરુઆત કેવી રીતે કરી ?
જવાબ:- ઇ.સ. ૧૯૮૫માં હું રાજકોટમાં આવીને ભઠ્ઠી કામ શરુ કર્યુ હતું. શરુઆતમાં ભાડે ભઠ્ઠી રાખી હતી અને તેમાં ચાંદી ઓગાળવાનું કામ કરવામાં આવતું. આ રીતે કામની શરુઆત થયા બાદ વર્તમાન સમયમાં ઓછામાં ઓછી ૧૫૦ જેટલી ભઠ્ઠીઓ મરાઠા લોકો દ્વારા અને ૧પ૦૦ જેટલા મરાઠા લોકો આ કામકાજ સાથે સંકળાયેલા છે.
પ્રશ્ન:- ભઠ્ઠી અને ટચના કમ સાથે મરાઠા લોકો સંકળાયેલા છે, તેનું કારણ શું છે ?
જવાબ:- મહારાષ્ટ્રથી જયારે કોઇ મરાઠિ માણસ અહીંયા આવે છે તો તે કોઇપણ નાના મોટા ઉઘોગ સાથે સંકળાઇને કામ કરતા હોય છે અને ચાંદી કામમાં ગુજરાતી લોકો સાથે હળીમળીને ઘણા વર્ષોથી આ ઉઘોગને ચલાવે છે.
પ્રશ્ન:- ભઠ્ઠી કામની પ્રક્રિયા શું ?
જવાબ:- ભઠ્ઠી કામની પ્રક્રિયા કહીએ તો જે સીબી રુપે ચાંદી આવતું હોય તેમાં થોડા પ્રમાણમાં તાંબુ ભેળવી ભઠ્ઠીમાં ઓગાળવામાં આવે, ત્યારબાદ તેના ઢાળ પરંતુ ચાંદીની ગુણવતા ચકાસવા ટચની પ્રક્રિયામાં મોકલવામાં આવે છે.
ભઠ્ઠી કામની વધુ કામગીરીને લગતી માહીતી માટે બજરંગ રિફાઇનરીના માલીક અજયભાઇ રામચંદ્રભાઇ ચૌહાણ જણાવે છે.
પ્રશ્ન:- ચાંદી કામની શરુઆતને લઇને શું કહેશો?
જવાબ:- છેલ્લા ર૧ વર્ષથી મહારાષ્ટ્રથી આવીને અમે ચાંદી કામની શરુઆત કરી હતી પરંતુ રાજકોટમાં ૯૫ વર્ષ પહેલા કાકા સાહેબ નામના વ્યકિતએ મહારાષ્ટ્રથી આવી અહીયા ચાંદી કામની શરુઆત કરી હતી.
પ્રશ્ન:- ચાંદી તથા ભઠ્ઠી કામનો અનુભવ?
જવાબ:- શરુઆતમાં આ કામમાં ઘણી બધી તકલીફો રહેતી હતી મજુરી ઓછી મળવી પહેલા કામ વધુ અને વળતર ઓછું એવી પરિસ્થિતિ રહેતી હતી. પરંતુ સમય જતાં જે લોકો મહારાષ્ટ્રથી આવેલા એ લોકોને કામપણ મળતુ રહ્યું અને તેમનો વિકાસ પણ થતો ગયોે.
પ્રશ્ન:- ચાંદી ભઠ્ઠીમાં આવે ત્યારથી મુળપમાં ચાંદી લોકોને મળે તેની પ્રક્રિયા કઇ રીતની હોય છે ?
જવાબ:- બુલિયન મરચન્ટ દ્વારા ચાંદી ચોસલા સ્વરપુે વેપારીઓને વહેચવામાં આવે છે. ત્યારબાદ વેપારીઓ દ્વારા ચાંદીમાં મેટલ ભેળવી અને તેને ઓગાળવા માટે રીફાઇનરીમાં એટલે કે ભઠ્ઠીઓમાં આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં બીજી અનેક પ્રક્રિયા જેમ કે ફીટીંગ, મીનાવર્ક, વાઇબ્રેટીંગ જેવી બધી પ્રક્રિયાઓ માંથી પસાર થઇ અંતે ચાંદી વેપારી પાસે પહોચે છે.
પ્રશ્ન:- મરાઠી અને ગુજરાતી લોકો સાથે મળીને આ કામ કરે છે તેનો અનુભવ કેવો રહ્યો ?
જવાબ:- છેલ્લા પ૦ વર્ષકે તેથી વધુ સમયથી રાજકોટના ઉપલા કાંઠા વિસ્તારમાં ગુજરાતી અને મરાઠી લોકો હળી મળીને ફકત કામ જ નહિ પરંતુ કોઇ પણ તહેવાર જેમ કે ગણેશચતૃથી હોય, દિવાળી હોય નવરાત્રી હોય સાથે મળીને જ યોજવામાં આવે છે.
ચાંદી ઓગાવ્યા બાદ તેને ઢાળીયાના સ્વરુપ આપી ત્યારબાદ તેમાં રહેલી ચાંદીની ગુણવતાને ચકાસવા માટે તેને ટચની પ્રક્રિયામાં આપવામાં આવે છે તેની પ્રક્રિયાને જાણવા અમોલ ટચના કારીગર અતુલભાઇ પાસેથી જાણીએ.
પ્રશ્ન:- ચાંદીમાં ગુણવતા માપવાની પ્રક્રિયા ?
જવાબ:- આવેલા ચાંદીમાંથી પાંચ ગ્રામ ચાંદી લઇ તેને નાઇટ્રીક એસીડમાં ઓગાળવામાં આવે છે. ત્યારબાદ તેમાં ડીસ્ટ્રીક વોટર નાખી અને કેમીકલ ભેળવીને તેમાં પાણી નાખીને આગળની પ્રક્રિયા કરી તેની ગુણવતા ચકાસવામાં આવે છે. ગુણવતાં ચકાસીને તેને કોરમમાં લખીને વેપારીઓને આપવામાં આવે છે. ઓરીજનલ કોરમ લખેલી ચાંદીની ગુણવતાને જ કોઇ પણ વેપારીઓ માન્ય ગણાવે છે.
ટચની પ્રક્રિયામાં ચાંદીની ગુણવતા ચકાસીને તેને આગળ રોલપ્રેસની પ્રક્રિયામાં આપવામાં આવે છે. અહિંયા રોલપ્રસમના મશીનમાં ચાંદી ઓગાળીને બનેલા ઢાળીયા પર કઇ કઇ પ્રક્રિયા થાય છે તેના વિશે આપણે સૌરાષ્ટ્ર રોલ પ્રેસના માલીક નીતીનભાઇ પાસેથી જાણીશું.
પ્રશ્ન:- આ કામમાં તમે કેટલા સમયથી સંકળાયેલા છે?
જવાબ:- ચાંદીના રોલ પ્રેસ કામમાં અમે છેલ્લા પચ્ચીસ થી ત્રીસ વર્ષથી સંકળાયેલા છીએ.
પ્રશ્ન:- રોલ પ્રેસની પુરી પ્રક્રિયા કઇ રીતે છે ?
જવાબ:- રોલ પ્રેસની પ્રકિયામાં ભઠ્ઠીમાંથી આવેલા ઢાળીયાઓને રલ પ્રેસીંગ મશીન વડે અલગ અલગ સ્વરુપ આપવામાં આવે છે. તેને પાતળા સળીયાના રુપે તથા તારના રુપે બહાર પાડવામાં આવે છે. તેના પછી આગળની પ્રક્રિયા માટે હેન્ડપ્રેસર મશીનના કારીગરો તે સળીયા અને તારને ડીઝાઇન આપવામાં આવે છે.
અને આ કારીગરો ડિઝાઇન આપવા માટે હેમ્બોડ તીણી અને હેમ્બોડની અલગ અલગ વસ્તુઓમાં ડીઝાઇન આપવામાં આવે અને કારીગરો દ્વારા વેપારીઓની માંગ પ્રમાણે આકાર આપી વેપારીઓને પરત કરવામાં આવે.
વેપારીઓ દ્વારા મળેલા પટ્ટીઓ અને તારમાં અલગ અલગ ડિઝાઇન્ આપવામાં આવે છે. વેપારીઓ પાસે આ ડિઝાઇનોમાં હજારો વિકલ્પો ઉપલબ્ધ રહે છે. ડિઝાઇનનો આપ્યા બાદ વેપારીઓ ચળકાટ મેળવવા માટે પોલીસીંગ અને ટ્રમ્પની પ્રક્રિયામાં આગળ પ્રક્રિયા કરે છે. જેમાં વેપારીઓ તરફથી મળેલા માણસે કારીગરો ફરીથી ગરમ કરી તેને એસીડ અને પાણી સાથે ધોઇને ચાંદી પરની ચળકાટ મેળવવાની પ્રક્રિયા કરે છે. આ પ્રક્રિયા ચારવાર દોહરાવવામાં આવે છે. ત્યારબાદ તેને ટ્રમ્પ મશીનમાં છરા સાથે ભેળવીને ધોવામાં આવે છે આ સાથે ચાંદી પરનો ચળકાટ મેળવી તેને સુકાવા માટે ડ્રાયર મશીનમાં નાખવામાં આવે છે ચાંદી સુકાયા બાદ તેની ચળકાટ મેળવે છે.
ચાંદીની ચળકાટ મેળવ્યા બાદ તેને આગળની પ્રક્રિયા અતે તેને ફાઇનલ ટચ આપવા માટેે મીનાવર્ક, વાઇબ્રેટીંગ જેવી પ્રક્રિયા કર્યા બાદ વેપારીઓ ચાંદીના આભુષણો વહેચવા માટે મૂકે છે.
ચાદીની ચળકાટ પરની તમામ પ્રક્રિયા કર્યા બાદ તેને વેપારીઓની પસંદગી પ્રમાણે આભુષણોના આકાર આપવામાં આવેછે પોપ્યુલર જવેલર્સના રવિ ઓડેસરાએ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
પ્રશ્ન:- કેટલા સમયથી જવેલર્સનાં ધંધામાં છો?
જવાબ:- પોપ્ટુલર શોપની શરુઆત ૧૯૬૩ થી થઇ છે શરુઆતમાં હોલસેલથી કરવામાં આવી હતી. ત્યારબાદ સમય જતાં રીટેઇલ શોપ થઇ.
પ્રશ્ન:- તમારી શોપમાં કઇ કઇ વસ્તુઓ છે ?
જવાબ:- અમારી ખાસીયત ચાંદીના સાંકળા, ચૂડા, બનાવીએ છીએ સાથે થાળી, વાટકા તથા ડિનર સેટ બધું જ બનાવીએ છીએ કારીગરો દ્વારા જાતે જ મન્યુફેકચર કરવામાં આવે છે. ગ્રાહકોને પ્યોરીટીમાં ૧૦૦ ટકાની ખાતરી આપવામાં આવે છે. અને ખાસિયતમાં થાળી- વાટકા, ચુડા સાંકળા બનાવીએ છીએ.
ચાંદીના આભુષણો બનાવવા પાછળ ઘણી જહેમતો ઉઠાવી પડે છે. જયારે લોકો આભુષણોથી સજે ધજે છે. પરંતુ તે જ આભુષણો બનાવવા પાછળ ઘણી બધી પ્રક્રિયાઓ પણ રહેલી છે.