હિન્દી સિનેમાના ‘બાદશાહ’ તરીકે જાણીતા શાહરુખ ખાનનો ચાહક વર્ગ ખુબ વિશાળ છે. શાહરુખ ખાનની એક ઝલક જોવા માટે લોકોની લાઈનો લાગે છે. ચાહકો શાહરુખ ખાનને હર કદમ પર ફોલો કરે છે. તેના જેવા વાળ, કપડાં, સ્ટાઇલ વગેરે. જૂનાગઢમાં શાહરુખ ખાનનો એક હમશકલ જોવા મળ્યો છે. જે તમારી સામે આવે તો તમે ઓળખીના શકો કે આ અસલી શાહરુખ છે કે નકલી.
શાહરુખ ખાન જેવો હૂબહૂ દેખાતા શખ્સનું નામ ઈબ્રાહીમ કાદરી છે. તે જૂનાગઢનો વતની છે. તેની આસપાસના બધા લોકો તેને શાહરુખ ખાન કહી બોલાવે છે. એ વાત પણ હક્કીકત છે કે, તે કોઈ અજાણી જગ્યા પર જાય તો લોકો તેને શાહરુખ ખાન જ સમજી બેસે. આવું ઘણી બધી વાર થયું છે કે, લોકો તેને શાહરુખ ખાન સમજી સેલ્ફી લેવા લાગ્યા, અને થોડી વારમાં તો ત્યાં ભીડ જમા થઈ ગઈ હોય. સોશ્યિલ મીડિયા પર હાલમાં તેની તસ્વીરો અને વિડીયો ખુબ વાયરલ થઇ રહ્યા છે.
હવે તો ઈબ્રાહિમની રોજગારી તેના શાહરુખ જેવા લૂકથી ચાલે છે. ગુજરાતમાં લોકો તેને કોઈ વેડિંગ, બર્થડે પાર્ટી કે ઓપનિંગ હોય તો 35-40 હજાર રૂપિયા આપીને બોલાવે છે. જો ગુજરાત બહાર જવાનું થાઈ તો ઈબ્રાહિમ 90 હજારથી લઈ 1 લાખ રૂપિયા સુધીનો ચાર્જ કરે છે. ઈબ્રાહિમએ અમદાવાદ, સુરત, ભાવનગર, જામનગર, ઉના, અમરેલી, રાજકોટ, જૂનાગઢ, વેરાવળ અને ગુજરાત બહાર મુંબઈ, ઔરંગાબાદ, દિલ્હી, પૂનામાં ઈવેન્ટો કરી છે. આ સાથે તેને કેનેડા, ઈઝરાયેલ, દુબઈ, ઈન્ડોનેશિયા, જર્મની સહિતના દેશોમાંથી ઑફર આવે છે. પણ હાલ કોરોના મહામારીના કારણે ઈબ્રાહિમની રોજગારી ઠપ થઇ ગઈ છે.
જૂનાગઢમાં રહેતો ઈબ્રાહિમ કાદરી એક આર્ટિસ્ટ છે. તે એડવર્ટાઈઝિંગ તથા પેઈન્ટિંગ્સ બનાવે છે. જયારે 90ના દશકમાં શાહરુખ ખાનની કારકિર્દી શરૂ થઈને તેની અમુક ફિલ્મો એટલી હિટ રહી કે તેની લોક ચાહના વધી ગઈ. તે સમયમાં તેની રોમેન્ટિક ફિલ્મ ‘દીવાના’ રિલીઝ થઈ. આ ફિલ્મ રિલીઝ થતાની સાથે જ ઈબ્રાહિમ કાદરીને તેના પરિવાર અને મિત્રો દ્વારા શાહરુખ ખાન કહી બોલાવતા.
ત્યાર બાદ શાહરુખ ખાનની ઘણી બધી ફિલ્મો આવી અને આ સાથે ઈબ્રાહિમ કાદરીને લોકો શાહરુખ ખાન તરીકે ઓળખતા થયા. શાહરુખ ખાનની ઓળખ ઈબ્રાહિમએ ગંભીરતાથી લીધી નહીં. અને તે તેના રોજ-બરોજના કામોમાં મશગુલ રહેતો. ઈબ્રાહિમ શાહરુખ ખાનની ફિલ્મો જોવા જતો પણ ક્યારેય તેને એ વિચાર્યું ના હતું કે તે શાહરુખ ખાન જેવો દેખાય છે.
2017માં ઈબ્રાહિમ કાદરી દાઢી અને મૂછ રાખતો હતો. તે સમયે શાહરુખ ખાનની ‘રઈસ’ ફિલ્મ આવી. આ ફિલ્મમાં શાહરુખ ખાનનો લૂક એક દમ ઈબ્રાહિમ જેવો હતો. આ લૂક બાબતની ઈબ્રાહિમને ખબર ના હતી. તે મિત્રો સાથે ‘રઈસ’ ફિલ્મ જોવા ગયો. જયારે તે થિયેટરમાંથી બહાર નીકળ્યો તો લોકો તેને શાહરુખ સમજી તેની સામે જોવા લાગ્યા. થોડી વાર તો ઈબ્રાહિમ પણ વિચારમાં પડી ગયો કે લોકો તેની સામે આમ તાકીને કેમ જોવે છે . બાદમાં તેને ખબર પડી કે ‘રઈસ’માં શાહરુખ ખાન જેવો દેખાય છે, તેવો હૂબહૂ લૂક અત્યારે તેનો છે.
એવો જ એક બીજો કિસ્સો ઈબ્રાહિમ સાથે થયો હતો. 2017માં IPLની કોલકાતા નાઈટ રાઈડર્સ તથા ગુજરાત લાયન્સ વચ્ચેની એક મેચ રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જોવા ઈબ્રાહિમ તેના મિત્રો સાથે ગયો હતો. ઈબ્રાહિમની એન્ટ્રી જેવી સ્ટેડિયમમાં પડી ત્યાં લોકો ભેગા થઈ ગયા. લોકો તેને શાહરુખ સમજી તેના નામની બૂમો પાડવા લાગ્યા. લોકો ઈબ્રાહિમ સાથે સેલ્ફી લેવા લાગ્યા. સૌથી અગત્યની વાતએ છે કે, તે સમયે શાહરુખ ખાન ત્યાં હાજર હતો.
મુંબઈમાં પણ લોકો ઈબ્રાહિમ કાદરીને શાહરુખ સમજીને સેલ્ફી લેવા લાગ્યા હતા. શાહરુખ ખાનના જન્મદિવસ પર તેને જોવા ઈબ્રાહિમ મુંબઈમાં આવેલો મન્નત બંગલા પર ગયો હતો. મન્નત બહાર ઈબ્રાહિમને જોઈ લોકો તેને શાહરુખ સમજી બેઠા. ત્યાં ઉભેલા સિક્યોરિટી વારાથી લઈ પોલીસ સુધી બધા એમ સમજી બેઠા કે અસલી શાહરુખ વગર સિક્યોરિટીએ બહાર આવ્યો છે. અહીંયા પણ ઈબ્રાહિમને શાહરુખ સમજી મળવા માટે લોકોની ભીડ ગાંડી થઈ. અને આખરે ઈબ્રાહિમને ત્યાંથી ભાગવું પડ્યું.