ઉત્તરાખંડના હલ્દવાનીમાં રેલવેની જમીન પરથી 4365 મકાનો ખાલી કરાવવા મામલે આજે સુપ્રીમ કોર્ટ આપી શકે છે ચુકાદો
ઉત્તરાખંડના હલ્દવાની ટાઉનશીપમાં ચોમેર ગભરાટનો માહોલ છે, દરેક ચહેરા પર તણાવ છે અને પ્રાર્થના કરવામાં આવી રહી છે. અહીં દિવસ-રાત દેખાવો ચાલી રહ્યા છે. આ વસાહતમાં ગમે ત્યારે પ્રશાસનનું બુલડોઝર હરકતમાં આવી શકે છે, આવી સ્થિતિમાં આજે તમામની નજર સુપ્રીમ કોર્ટ પર ટકેલી છે.
ઉત્તરાખંડના હલ્દવાનીમાં રેલવેની જમીન પરથી ૪૩૬૫ મકાનો ખાલી કરાવવાનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. અતિક્રમણ દૂર કરીને રેલવેની જમીન ખાલી કરવાના હાઈકોર્ટના નિર્ણય સામે દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટ આજે સુનાવણી કરનારી છે. સુપ્રીમ કોર્ટની બે જજની બેંચે આજ સવારે ૧૦:૩૦ વાગ્યાથી આ મામલે સુનાવણી શરૂ કરી દીધી છે. આ કેસમાં કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના સાત નેતાઓની સાથે કુલ ૬ અરજીઓ પર સુનાવણી થવાની છે.
અરજદારોની દલીલ છે કે હાઈકોર્ટ સમક્ષ સાચી હકીકતો મૂકવામાં આવી નથી અને ૧૦૦ વર્ષથી વધુ સમયથી બાણભૂલપુરામાં રહેતા લોકોને બહાર કાઢવા યોગ્ય નથી. આજે તમામની નજર સુપ્રીમ કોર્ટની સુનાવણી પર ટકેલી છે.
હાઈકોર્ટના એ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો છે, જેમાં હલ્દવાનીના બાનભૂલપુરા વિસ્તારમાં રેલવેની જમીન પર બનેલી આ કોલોનીને ગેરકાયદેસર જાહેર કરીને ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. હાઈકોર્ટના આદેશ બાદ નૈનીતાલ જિલ્લા પ્રશાસને ટાઉનશિપ ખાલી કરાવવાની ઔપચારિકતા શરૂ કરી દીધી છે, પરંતુ સ્થાનિક કોંગ્રેસ ધારાસભ્ય સહિત ઘણા લોકો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યા છે.
૨૭ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ઉત્તરાખંડ હાઈકોર્ટે હલ્દવાનીના બાણભૂલપુરા વિસ્તારમાં સ્થિત ગફૂર બસ્તીમાં રેલવેની જમીન પરના અતિક્રમણને હટાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે કોર્ટે વહીવટીતંત્રને એક સપ્તાહનો સમય આપ્યો હતો. આ જ આદેશમાં કોર્ટે વહીવટીતંત્રને વનભૂલપુરા વિસ્તારમાં રહેતા લોકોના લાયસન્સવાળા હથિયારો જમા કરાવવા પણ કહ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૧ માં સુપ્રીમ કોર્ટે પણ રેલવેની જમીન પરના અતિક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને તેને વહેલી તકે ખાલી કરવાનો આદેશ આપ્યો હતો. અતિક્રમણ હટાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં કુલ ૬ અરજીઓ દાખલ કરવામાં આવી હતી, જેની સુનાવણી આજે થશે.
આ વસાહતને હટાવવાના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, બાણભૂલપુરાના રહેવાસીઓ વર્ષોથી આ જગ્યાએ રહે છે, તેથી તેમને અહીંથી હટાવવા યોગ્ય નથી. રેલવેની જમીન પર સીમાંકન થયું નથી. રેલવેએ વારંવાર માત્ર ૨૯ એકર જમીનની વાત કરી હતી, પરંતુ હવે તેમાં વધારો કેમ કરવામાં આવી રહ્યો છે? એક તરફ આજે સર્વની નજર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પર ટકેલી છે તો બીજી તરફ ઉત્તરાખંડમાં સરકારી સ્ટાફે પણ ટાઉનશીપ ખાલી કરાવવા માટે કમર કસી લીધી છે.