ક્રિકેટને ઓલમ્પિકમાં સ્થાન અપાશે ?
ક્રિકેટને ઓલમ્પિકમાં સ્થાન અપાવવા અંગે વિચારણા: આઇસીસી અને આઇઓસીને દરખાસ્ત મોકલાશે
ગુરુવારે અમદાવાદ ખાતે યોજાયેલી BCCIની વાર્ષિક સાધારણ સભામાં ભારતની ટી – ૨૦ ટુર્નામેન્ટ IPL માં વધુ બે ટીમોનો ઉમેરો વર્ષ ૨૦૨૨માં કરવો તેમજ ક્રિકેટને ઓલમ્પિકમાં સ્થાન અપાવવા અંગે ચર્ચા કરાઈ છે. ક્રિકેટ વિશ્વભરમાં સૌથી વધુ પસંદગીના રમતો પૈકી ફૂટબોલ બાદ ક્રિકેટનું સ્થાન આવે છે પરંતુ ઓલમ્પિકમાં હાલ સુધી ક્રિકેટનો સમાવેશ કરાયો નથી તેથી હવે BCCIએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન અપાવવા બીડું ઝડપ્યું છે.
ગુરુવારે અમદાવાદ ખાતે બોર્ડ ઓફ ક્રિકેટ ક્ધટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ની વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં IPL સિઝન ૨૦૨૨માં ૮ ટીમોમાંથી ૧૦ ટીમ કરવા નિર્ણય કરવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ બાબત એ છે કે, વર્ષ ૨૦૨૮માં યોજાનાર ઓલમ્પિકમાં ક્રિકેટને પણ સ્થાન આપવામાં આવે તે અંગે પણ ચર્ચા કરાઈ હતી. સભામાં ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન આપવા અંગે નિર્ણય કરાયો છે જે અનુસંધાને BCCI આગામી સમયમાં ઓલમ્પિક કાઉન્સિલને રજુઆત કરનાર છે. બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ૨૦૨૨માં આઈપીએલમાં બે નવી ટીમોને સ્થાન આપવા અંગે પણ નિર્ણય કરાયો છે.
બીસીસીઆઈ સંચાલિત આઈપીએલ ગવર્નિંગ કાઉન્સિલ ૧૦ ટીમો સાથે આઈપીએલ યોજવા તૈયારી બતાવી છે. વર્ષ ૨૦૨૧માં ટીમમાં વધારો કરાશે નહીં પરંતુ ગેમ ડેવલોપમેન્ટ (જીએમ) તમામ રૂપરેખાઓ તૈયાર કરીને વર્ષ ૨૦૨૨માં ૧૦ ટીમનો સમાવેશ કરાય તેવી શક્યતાઓ છે.
બીસીસીઆઈના સેક્રેટરી જય શાહના જણાવ્યા અનુસાર, ક્રિકેટના ટી-૨૦ ફોર્મેટને વર્ષ ૨૦૨૮માં લોસ એન્જીલીસ ખાતે યોજનારા ઓલમ્પિકમાં સમાવેશ કરવા અંગે આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટીને રજુઆત કરવામાં આવશે. ઉપરાંત આ અંગે દરખાસ્ત તૈયાર કરીને આઇસીસીને પણ મોકલવામાં આવશે તેમજ તેમનો મત પણ લેવામાં આવશે. બીસીસીઆઈના સિનિયર અધિકારીના જણાવ્યા અનુસાર બીસીસીઆઈએ ક્રિકેટને ઓલિમ્પિકમાં સ્થાન અપાવવા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે હવે ફક્ત આઇસીસી અને આંતરરાષ્ટ્રિય ઓલમ્પિક કમિટીના સહકારની જરૂરિયાત છે.
અન્ય નિર્ણયોની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસ અગ્રણી રાજીવ શુક્લાને બોર્ડના વાઇસ પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા છે. બ્રિજેશ પટેલને આઇપીએલ ગ્રોઇંગ કાઉન્સિલના ચેરમેન પદે યથાવત રાખવામાં આવ્યા છે.
BCCI સરકાર પાસે ટી-૨૦ વર્લ્ડકપ માટે સંપૂર્ણ ટેક્સ માફીની કરશે માંગણી
સામાન્ય સભામાં બીસીસીઆઈએ કેન્દ્ર સરકાર પાસેથી સંપૂર્ણ ટેક્સ માફીની માંગણી કરશે. જો સરકાર માંગણીનો સ્વીકાર નહીં કરે તો બીસીસીઆઈએ ટી-૨૦ વર્લ્ડકપમાં કુલ ૧૨૩ મિલિયન ડોલરનું ચુકવણું સરકારને ટેક્સ સ્વરૂપે કરવું પડશે. પ્રાપ્ત વિગત અનુસાર બીસીસીઆઈ આ ફોર્મેટ થકી કુલ ૩૯૦ મિલિયન ડોલરની કમાણી કરશે. જો કે, બીસીસીઆઈએ એવું પણ કહ્યું છે કે, સરકાર કરમાફી નહીં આપે તો બીસીસીઆઈની કુલ કમાણીમાંથી ૧૨૩ મિલિયન ડોલરની આવક સરકારને આપશે તેમ છતાં બીસીસીઆઈ પાસે ૨૬૭ મિલિયન ડોલરની રકમ બચશે.
આઇસીસીમાં ગાંગુલી – શાહ ભારતના ચહેરા તરીકે યથાવત
સાધારણ સભામાં સૌરવ ગાંગુલીને આઇસીસી બોર્ડમાં ડાયરેકટર તરીકે યથાવત રાખવામાં આવ્યા છે ઉપરાંત સેક્રેટરી જય શાહ અલ્ટરનેટ ડાયરેકટરની ભૂમિકામાં રહેશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. જેથી ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલમાં ભારતના ચહેરા તરીકે સૌરવ ગાંગુલી અને જય શાહ યથાવત રહેશે.