એક એવો પરિવાર, જ્યાં ભલે એ.સી. હોય કે ન હોય, પણ અંતરમાં ટાઢક હોય.એક એવું કુટુંબ, જ્યાં ભલે બધા પાસે મોબાઈલ હોય કે ન હોય, પણ સૌના હૃદય અને મન એકબીજા સાથે જોડાયેલા હોય.એક એવું ઘર, જ્યાં ભલે સ્થાન અને અન્નનો અભાવ હોય, છતા સૌ સાથે ભોજન કરતા હોય અને જીવનમાં આવતા દ્વન્દ્વો-વિઘ્નોમાં ખભેખભામિલાવતા હોય.આવા પરિવાર એ કોઈ અતિશયોક્તિ નથી કે નથી કોઈ કલ્પના, પણ વાસ્તવમાં બની શકે છે એક જીવંત વાસ્તવિકતા.

પરંતુ આજના આધુનિકયુગનું માનચિત્ર કંઈક અલગ છે. સૌ કોઈ વિજ્ઞાન અને ટેક્નોલોજીના સહારે અર્થોપાર્જન કરવા સતત પ્રયત્નશીલ રહે છે. એ આશાએ કે એમાંથી જ સાચુ સુખ અને શાંતિ મળશે. પરિણામે સાચો આનંદ દુર્લભ બની જાય છે. અને એકલપંડી, મનમાની જીંદગી જીવવાની શરૂઆત થાય છે. કારકીર્દીના શિખરે પહોંચવા માટે, અંગત લક્ષ્યોને પાર પાડવા માટે, ભૌતિકસુખની પ્રપ્તિ માટે, પોતાની મહત્વાકાંક્ષાને અને નિજ અહંને સંતૃપ્ત કરવા માટે માણસ મહદ્અંશે કુટુંબને ભૂલી રહ્યો છે. જ્યાંથી માણસ જીવનનું પ્રાથમિક શિક્ષણ મેળવે છે એવા મા-બાપ અને પરિવારજનોથી દૂર જઈ રહ્યો છે. ભૌતિકપદાર્થ વસાવવાની લ્હાયમાં ઘણીવાર પરિવારની આહુતિ આપતા પણ અચકાતો નથી. આજે માણસ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરે છે ઘરને શણગારવામાં, ઇન્ટિરિયર ડિઝાઈનિંગમાં. આજે માણસ જીવનમાં પ્રધાનપણું આપે છે પૈસા, પદાર્થ અને પ્રસિદ્ધિને.

ખરેખર, જીવનના પ્લેટફોર્મથી સાચો આનંદ શોધવા નીકળેલી ટ્રેન અન્ય માર્ગે ફંટાઈને તૃતિયમ્ પ્લેટફોર્મ પર પહોંચી જાય છે. જેના કારણે કેટલાક વ્યક્તિઓની ભૌતિકસુખ તરફની દોડનું પરિણામ પરિણમે છે અશાંતિના સ્વરૂપમાં. જેના કારણે તેઓનો પરિવાર તૂટે છે, સંબંધો વણસે છે, હતાશા-નિરાશામાં ડુબકીઓ ખાય છે અને અંતે ઘણીવાર જીવનનો અંત પણ આણે છે.

The national crime records bureau નાં સર્વેક્ષણ અનુસાર ભારતમાં દર કલાકે 14 આત્મહત્યા થાય છે. I.C.M.R.નાં એક અહેવાલ મૂજબ વિશ્વમાં દર વર્ષે 10 લાખ લોકો આત્મહત્યા કરે છે. 25 ટકા પરિવારોમાં પારિવારિક હિંસા થાય છે. દરવર્ષે હજારો છૂટાછેડા થાય છે. આજે આ આકડાઓમાં દિનપ્રતિદિન વધારો જ થતો રહે છે.

વ્યક્તિ સુખ અને શાંતિને પ્રાપ્ત કરવા જતા કેવળ શુન્યતાને પામે છે. પરંતુ જેમ અનંત અંધકારને દૂર કરવા માટે એક દીપક જ જોઈએ તેમ આવા અંધકાર ભર્યા જીવનમાં પણ એક પ્રકાશનું કીરણ જ કાફી છે. ચાર દિવાલો, બે-ચાર ખિડકીઓ, એક-બે દરવાજાઓ, ઊંચી છત અને રસોડા-ગેલેરી સાથે શૌચાલયનો સરવાળો એ ‘ઘર’ નથી હોતુ. માત્ર મકાન છે. જે ખરીદાયા પછી શરૂ થાય છે મકાનમાંથી ઘર બનાવવાની પવિત્ર પ્રક્રિયા !

જ્યાં આવીને હૈયાના ઊંડાણમાંથી એક ‘હાશ’ નિકળી જાય છે. દિવાલોની વચ્ચે હોવા છતાં જ્યાં મુક્તિનો એહસાસ થાય છે, જે છતની આત્મિયતા આપણી તૂફાની જિંદગીને સહ્ય બનાવે છે, જે ઓરડાના એક એક ઘનફૂટમાં રહેલી હવાના ચોસલાંઓ આપણાં આંસુ અને આપણી ખુશીઓને ઓળખે છે, એ જગ્યાને ઘર કહેવાય છે. Home is where, heart is !

આ ઘરને ઘર બનાવવાની ઔષધિ પ્રમુખસ્વામી મહારાજ બતાવે છે કે જેઓ દેશવિદેશમાં સતત વિચરતા જ રહ્યાં છે, હજારો ગામડાઓમાં, લાખો ઘરોમાં, અસંખ્ય વ્યક્તિઓને મળ્યા છે. દરેકના પ્રશ્ર્નોે તથા દુ:ખો જોયા છે ને સાંભળ્યા છે. તેમણે સૌના પ્રશ્નો અને દુ:ખ જોઈને તારણ કાઢ્યું કે, આ બધા જ પ્રશ્નો સ્વભાવના છે. સ્વભાવને કારણે જ અશાંતિ અને ઉપાધિ થાય છે અને આ સ્વભાવના દુ:ખો ટાળવા માટે બીજી કોઈ દવા કામ લાગે તેમ પણ નથી. જેમ આગનું નિવારણ પાણી છે. છત્રથી સૂર્યનો તાપ નિવારી શકાય છે. રોગનું નિવારણ વૈદ્ય કરે છે. તોફાની ઘોડાને ચાબુકથી વશમાં રાખી શકાય છે. હાથીને અંકુશ દ્વારા વશમાં લેવાય છે. તેમ સ્વભાવના પ્રશ્નો ટાળવા માટે સમજણ સિવાય બીજો કોઈ ઉપાય જ નથી. અને સમજણ મેળવવા માટે સત્શાસ્ત્રોનું વાંચન અને શ્રવણ એ જ ઉત્તમ માર્ગ છે. ઘરમાં નિયમિતપણે દરેક સભ્ય થોડો સમય કાઢી આ સત્શાસ્ત્રોનું કે પ્રેરણાદાયી જીવન ચરિત્રોનું વાંચન-શ્રવણ કરે તો પ્રશ્નોનું સમાધાન આપોઆપ થઈ જતું હોય છે. કથાવાર્તા થાય તો જ ઘરમાં શાંતિ રહે છે દરરોજ નિશ્ચિત સમયે ઘરના સભ્યોનું સમુહમિલન યોજાય અને તેમાં આવી અધ્યાત્મગોષ્ઠી થાય તો ઘણો લાભ થાય. જેને પ્રમુખસ્વામી મહારાજ ઘરસભા કહે છે. ઘરસભાએ ઘરની શોભા છે. ઘરસભા એ ઘરની પ્રભા છે.

જે ઘરમાં નિત્ય ભગવાનની કથા થાય છે, તે ઘર તીર્થરૂપ પવિત્ર બની જાય છે. ઘરમાં રહેનારાનાં પાપ, અશુદ્ધ, મલિનતા, કચરો બધુ દૂર થાય છે.

મલ્ટિ બિલેનિયોર વોરન બફેટ પણ દિવસમાં એકવાર પોતાના પરિવારજનો સાથે ભેગા મળી ભોજન અને પ્રાર્થના કરે છે. જેના કારણે આધુનિક યુગના નિર્માતા હોવા છતાં પરિવારમાં સુખ અને શાંતિ છે. બાળકોમાં સંસ્કાર અને ચારિત્ર્ય છે.

ન કેવળ આ એક વ્યક્તિની વાત છે પરંતુ અનેક લોકોની કહાની છે. આઈનસ્ટાઈન, ઓબામા કે સાંપ્રત સમયે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંપ્રદાયના અનેક હરિભક્તોનો અનુભવ છે કે આ ઔષધીના પાનથી જીવનમાં શાંતિની અનુભૂતિ થાય છે. વિષમ પરિસ્થિતિમાં સ્થિર રહેવાય છે. બાળકો સંસ્કાર અને ચારિત્ર્યયુક્ત જીવન જીવે છે. પરિવારજનો વચ્ચે આપસમાં સંપ, સ્નેહ અને સુમેળભર્યા વ્યવહારનો સેતુ રચાય છે. તો નિર્ણય આપણા હાથમાં છે કે આપણે કેવું ઘર બનાવવું છે?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.