આ દવાઓ સારવાર માટે છે, આગોતરા પગલાં તરીકે લેવાની નથી: ડો.એચ. જી. કોશીયા
કોરોનાની સારવારમાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન (hydroxychloroquin અને એઝીથ્રોમાયસીન (azithromycin) નામની દવાઓ સારું પરિણામ આપી શકે એવી સંભાવનાઓ છે. આ બંને દવાઓ કોરોનાની સારવાર માટે અસરકારક જણાય છે, પરંતુ આ દવાઓ પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ એટલે કે આગોતરા પગલાં તરીકે લેવાની નથી, એમ ગુજરાત રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડો. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.
એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, આ બંને દવાઓ શિડ્યુલ એચ. માં આવે છે, જે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર વેચવાની નથી. તેમણે મેડિકલ સ્ટોર્સને સૂચનાઓ આપી છે કે, આવી દવા માત્રને માત્ર ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર જ આપવી. નાગરિકો આપમેળે લેવા આવે તો તેને ડોક્ટર પાસે મોકલવો. સોશિયલ મીડિયાને કારણે આવી દવા ખરીદવા આવતા નાગરિકોને ફાર્માસિસ્ટ એ પૂરી સમજણ આપવી. તેમણે કહ્યું હતું કે આ બંને દવાઓની સંગ્રહખોરી કરવી નહીં કે રિટેલ ક્ષેત્રે પણ વધુ જથ્થો ભેગો કરવો નહીં. તેમણે દવાના વિક્રેતાઓને અનુરોધ કર્યો હતો કે, શિડયુલ એચ માં આવતી હોવા છતાં હાલ પૂરતા હોલસેલ અને રિટેલ ક્ષેત્રે તકેદારીના ભાગરૂપે આ દવાનું સંપૂર્ણ રેકોર્ડ રાખવું.
ડો. એચ.જી. કોશિયા એ જણાવ્યું હતું કે, hydroxychloroquineઅને azithromycinદવાઓ ગુજરાતમાં સારા એવા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ બંને દવાઓનું ગુજરાતમાં મોટાપ્રમાણમાં ઉત્પાદન થાય છે. જેથી કરીને લોકોએ કોઇ પ્રકારની ગેરસમજ કરવી નહીં. આ દવા લેવાથી કોરોના સામે સંરક્ષણ મળતું હોવાની ગેરસમજ ઊભી થઈ છે જે તદ્દન અફવા છે. આ દવા માત્રને માત્ર ટ્રીટમેન્ટ માટે એટલે કે સારવાર માટે અસરકારક જણાઈ છે . પ્રોફીલેક્ટીક કે પ્રિવેન્ટિવ તરીકે લેવાની નથી.