રાજ્યભરના તબીબી પ્રાધ્યાપકો દ્વારા પગાર વધારા સહિતની માંગોને લઈને અખત્યાર કરેલા આંદોલનના માર્ગનો ટૂંક સમયમાં જ સુ:ખદ અંત આવે તેવા અણસાર મળી રહ્યાં છે. ભુજ મેડિકલ કોલેજના પ્રાધ્યાપકોના આંદોલન અને રાજ્યભરમાં તબીબી પ્રાધ્યાપકોએ સરકાર સમક્ષ મુકેલી માંગણીઓના પ્રત્યુતરમાં આજે મુખ્યમંત્રક્ષ વિજયભાઈ રૂપાણીએ સકારાત્મક અભિગમના નિર્દેશ આપી જણાવ્યું હતું કે, આ અંગે તબીબી પ્રાધ્યાપકોએ સરકાર પર ભરોસો રાખે. રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગેનો નિર્ણય લેશે અને આરોગ્ય વિભાગના કર્મચારીઓની માંગણીનો પણ સરકાર ઉકેલ લાવશે તેવો પ્રતિભાવ આપ્યો હતો.
આ સાથે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ તબીબોના આંદોલન અંગે જણાવ્યું હતું કે, તબીબો તરફથી મળેલી રજૂઆતો પર શિક્ષણ વિભાગ વિચારાધીન છે અને ટૂંક સમયમાં તેમની વ્યાજબી માંગણીઓનો સ્વીકાર કરવામાં આવશે. અત્યારે કોરોનાની વિદાય ચાલી રહી છે ત્યારે આરોગ્ય કર્મચારીઓની સેવાની સમાજને જરૂરીયાત છે. આરોગ્ય કર્મચારીઓ અને નર્સોની હડતાલને સમેટી લેવા મુખ્યમંત્રીએ અપીલ કરીને વિશ્ર્વાસ આપ્યો છે કે, આરોગ્ય કર્મચારીઓની વ્યાજબી માગણીઓ ટૂંક સમયમાં જ પૂરી કરવામાં આવશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આ અંગે જણાવ્યું હતું કે, તબીબોના પ્રશ્ર્નોના ઉકેલ માટે ટૂંક સમયમાં જ સરકાર નિર્ણય લેશે. તબીબો અને પ્રાધ્યાપકો સરકાર પર ભરોષો રાખે. અમેં આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓને માનથી જોઈએ છીએ, અત્યારે આરોગ્ય કર્મચારીઓની સેવા અને જાનની બાજી લગાવી કરવામાં આવતી ફરજની એકેય પળ એળે નહીં જવા દેવાય.
આજે સવારે શિક્ષણ મંત્રીએ પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, જીએમઈઆરએસ પ્રધ્યાપકોની માગણીઓ આરોગ્ય વિભાગને મળી છે. મોટાભાગની માગણીઓ વ્યાજબી છે અને આ માગણીઓને સ્વીકારી તેમને સંતોષજનક પરિણામ આપવાનું સરકારે નિર્ધાર કર્યો છે. બીજી તરફ વિજયભાઈ રૂપાણીએ પણ પ્રાધ્યાપકોના પ્રશ્ર્નને પણ સકારાત્મક અભિગમના નિર્દેશ સાથે જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર ટૂંક સમયમાં આ અંગેનો નિર્ણય લેશે. તબીબો, પ્રાધ્યાપકો સરકાર પર ભરોષો રાખે અમે આરોગ્ય કર્મચારીઓને માનથી જોઈએ છીએ.