રાજકોટ બાદ સુરેન્દ્રનગરની મુલાકાત લેતા આરોગ્ય સચિવ જયંતિ રવિ: વહીવટી અને આરોગ્ય તંત્રની કામગીરીની સમીક્ષા કરી

રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ ડો. જયંતિ રવિએ આજે સુરેન્દ્રનગર ખાતે ઉપસ્થિત રહી જિલ્લામાં વધતા જતાં કોરોનાના સંક્રમણને અટકાવવા જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકર, જિલ્લા કલેકટર કે. રાજેશ, જિલ્લા વિકાસ અધિકારી એસ. કે. હુડ્ડા તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે સમિક્ષા બેઠક યોજી ચર્ચા વિચારણા કરી હતી.

આરોગ્ય અગ્ર સચિવએ જિલ્લામાં કોરોનાના સંક્રમણને ધ્યાને લઈ જિલ્લામાં સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા અને જિલ્લાના વધુ સંક્રમિત વિસ્તારોના લોકોને ધન્વંતરી રથના માધ્યમથી આવરી લેવા અનુરોધ કર્યો હતો. તેમણે આયુષ મંત્રાલય અને હોમિયોપેથીક વિભાગ દ્વારા ઉકાળા અને દવાના વિતરણ ઉપર ભાર મૂક્યો હતો.

તેમણે જિલ્લામાં આવેલ મેડીકલ કોલેજ, નર્સીંગ કોલેજ, ફિઝીયોથેરાપી સહિતની આરોગ્યની વિવિધ વિદ્યાશાખામાં અભ્યાસ કરતાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પણ ક્રિટીકલ કેર આસીસ્ટન્ટ તરીકે કોરોના સામેની લડાઈમાં જોડવા જણાવ્યું હતુ.

આરોગ્ય અગ્ર સચિવ જ્યંતિ રવીએ કોરોના સામેની લડાઈમાં હોમ આઈસોલેશનની અસરકારકતા ઉપર ભાર મૂકતા કહયું હતુ કે, ઓછી તકલીફવાળા કોરોના પોઝીટીવ દર્દીઓ ઘરે આઈસોલેટ થાય તે હિતાવહ છે. આવા ઘરે આઈસોલેટ થતાં દર્દીઓનું સતત મોનિટરીંગ થાય તે પણ અત્યંત જરૂરી છે.

લોકો કોરોના વાયરસ બાબતે સ્વયં જાગૃત બને તે જરૂરી છે, તેમ જણાવી અગ્ર સચિવએ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવેલ માર્ગદર્શિકાનું લોકો ચૂસ્તપણે પાલન કરે અને આ સંદર્ભે ગ્રામ સંજીવની સમિતિ અને ગ્રામ સુખાકારી સમિતિના સહયોગ થકી લોકજાગૃતિનું કાર્ય કરવા જણાવ્યું હતુ.

જિલ્લામાં સારવાર લઇ રહેલા કોવિડ-૧૯ના  દર્દીઓને માનસિક સધિયારો આપવા, તથા તે માટે જરૂરી વાતાવરણ પૂરૂં પાડવા, ક્રિટિકલ કેર વિભાગને વધુ કાર્યક્ષમ બનાવવા, શુગર અને બી.પી.ના પેશન્ટસની સારવારને પ્રાધાન્ય આપી મૃત્યુ દર ઘટાડવા બાબતે  જયંતી રવિએ ઉપસ્થિત ડોકટર્સ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરી હતી. હોસ્પિટલ ખાતે ઉપલબ્ધ દવાના જથ્થા, સારવારના તમામ સાધનો અને ઉપયોગી સામગ્રીની ઉપલબ્ધતા વિષે પણ તેમણે તબક્કાવાર સૂચના આપીને સમગ્ર તબીબી વ્યવસ્થા સુચારૂપણે જળવાઇ રહે તે બાબતને ટોચઅગ્રતા આપવાની હિમાયત કરી હતી. કોરોનાના દર્દીઓને અપાતી સારવાર અંગે તેમણે સંતોષ વ્યકત કર્યો હતો. કોરોના અંગે જનજાગૃતી કેળવવાના પગલાં સત્વરે લેવા વિષે પણ તેમણે ખાસ સૂચના આપી હતી.

આ બેઠકમાં અમદાવાદ સ્ટેટ લેવલ ટાસ્ક ફોર્સના ડો. અતુલ પટેલ તથા ડો. તુષાર પટેલે ઉપસ્થિત ડોકટરઓને કોરોના સંદર્ભે દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે વિસ્તૃત ચર્ચા કરી ટોસિલીઝુમેબ ઈન્જેકશન દ્વારા અપાતી સારવાર અને કોવીડ -૧૯ ની સારવારમાં ઉપયોગી ટોસિલીઝુમેબ ઈન્જેકશનની અસરકારકતા બાબતે જરૂરી માર્ગદર્શન આપ્યું હતુ.

આ તકે જિલ્લાના પ્રભારી સચિવ રાકેશ શંકરે તથા જિલ્લા કલેકટર કે. રાજેશે કોવીડના સંક્રમણને અટકાવવા માટે જિલ્લામાં હાથ ધરવામાં આવેલ આરોગ્યલક્ષી કામગીરીથી આરોગ્ય સચિવને માહિતગાર કર્યા હતા. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી પી. કે. પરમારે કોવીડ અંતર્ગત જિલ્લામાં ઉપલબ્ધ આરોગ્યલક્ષી સુવિધાઓ જેવી કે, આઈસોલેશન બેડ, વેન્ટીલેટર, દવાઓ બાબતે માહિતી આપી હતી.

આ બેઠકમાં આરોગ્ય વિભાગના અધિક નિયામક ડો. એચ. કે. ભાવસાર વિભાગીય નાયબ નિયામક ડો. એસ. કે. મકવાણા, લાયઝન અધિકારી ડો. દિનકર રાવલ, ડો. નંદિની બિહારી, સુરેન્દ્રનગરના મુખ્ય તબીબી અધિકારી ડો. વસેટીયન સહિત ડોકટરઓ ઉપસ્થિત રહયાં હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.