કોવિડ ગાઈડ લાઈનનું ચૂસ્તપણે પાલન કરી ૧લી ડિસેમ્બર સુધીમાં તમામ મેડિકલ કોલેજો શરૂ કરી દેવા કેન્દ્ર સરકારના રાજ્યોને નિર્દેશ
કોવિડ ૧૯ મહામારીના કારણે આર્થિકથી માંડી તમામ પ્રકારની ગતિવિધીઓ પર એક બ્રેક લાગી ચૂકયો હતો જો કે હવે અનલોકના કારણે આર્થિક પ્રવૃત્તિઓએ તો ફરી રફતાર પકડી લીધી છે. પરંતુ શૈક્ષણીક પ્રવૃત્તિઓ પર હજુ બ્રેક જ લાગેલી છે. કોરોનાએ ફરી માથુ ઉંચકતા શાળા કોલેજો કયારે ખૂલશે? તે અંગે હજુ અવઢવછે. પરંતુ મેડીકલ કોલેજો આગામી ૧ લી ડિસેમ્બર સુધીમાં પૂન: શરૂ કરી દેવા કેન્દ્ર સરકારે તમામ રાજયોને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે.
ગાઈડલાઈન જારી કરતા કેન્દ્ર સરકારે જણાવ્યું છે કે ૧લી ડિસેમ્બરથી અથવા તેની પહેલા મેડિકલ કોલેજો શરૂ કરવાની રાજયોએ હવે, તૈયારી શરૂ કરી દેવી જોઈએ આ માટે સાવચેતી સાથે વ્યવસ્થાપનના પગલા લેવાના શરૂ કરી દેવા જોઈએ પરંતુ આ સાથે કોરોના ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન થવું જોઈએ.
કેન્દ્ર સ્વાસ્થ્ય મંત્રાલયે આ માટે ગૃહમંત્રાલય પાસેથી મંજૂરી મેળવી લીધી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચીવ રાજેશ ભૂષણે તમામ રાજયોનાં મુખ્ય સચીવોને આ સંબંધમાં પત્ર લખ્યો છે અને માન્યતા પ્રાપ્ત મેડિકલ કોલજ હોસ્પિટલોમાં પર્યાપ્ત સંખ્યામા નોન કોવિહ બેડસ ઉપલબ્ધ કરાવવા સલાહ સુચનો કર્યા છે. કે જેથી કરીને અંડરગ્રેજયુએટ (એમબીબીએસ) વિદ્યાર્થીઓની ટ્રેનીંગ પૂર્ણ થઈ શકે. જણાવી દઈએ કે, નેશનલ મેડિકલ કમીશન દ્વારા મેડિલ કોલેજ ખોલવાની ભલામણનાં આધારે કેન્દ્ર સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આયોગે કહ્યું કે, તેમની પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને મેડિકલ કોલેજોએ કલાસીસ શરૂ કરવા અપીલ કરી હતી કે જેથી કરીને આગામી વર્ષે આયોજીત થનારી નીટ પીજીની ટ્રેનીંગમાં મોડુના થાય.