સાંજ સુધીમાં ટેકસ રિકવરીનો આંક ૫ કરોડને પાર થાય તેવી સંભાવના
એક પખવાડિયાના લાંબા વિરામ બાદ કોર્પોરેશનની ટેકસ બ્રાંચ દ્વારા આજથી ફરી હાર્ડ રીકવરીનો દૌર શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં ૧૯ મિલકતોને ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે. મેડિકલ કોલેજે બાકી વેરા પેટે રૂ.૪.૫૦ કરોડ જમા કરાવતા બપોર સુધીમાં રેકોર્ડબ્રેક રૂ.૪.૮૪ કરોડની ટેકસ રીકવરી થવા પામી છે. આ અંગે ટેકસ બ્રાંચના સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ચાલુ નાણાકીય વર્ષમાં આજે મહાપાલિકાને એક જ દિવસમાં બપોર સુધીમાં ટેકસ પેટે રેકોર્ડબ્રેક રૂ.૪.૮૪ કરોડની આવક થવા પામી છે. સાંજ સુધીમાં આવકનો આંક રૂ.૫ કરોડને પાર થઈ જાય તેવી સંભાવના છે. ચાલુ નાણાકીય વર્ષમાં આપવામાં આવેલા રૂ.૨૪૦ કરોડના લક્ષ્યાંક સામે આજ સુધીમાં ૧૯૬ કરોડથી પણ વધુની વસુલાત થઈ જવા પામી છે. આજે સેન્ટ્રલ ઝોન કચેરીની વેરા વસુલાત શાખા દ્વારા હાથ ધરવામાં આવેલી ટેકસ રીકવરીની કામગીરી અંતર્ગત શહેરના વોર્ડ નં.૨માં જામનગર રોડ પર ૪ કોમર્શીયલ યુનિટ, વોર્ડ નં.૭માં પેલેસ રોડ પર કોઠારીયા નાકા વિસ્તારમાં ૪ યુનિટ, વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઈન્ડસ્ટ્રીઝ એરીયામાં ૪ યુનિટ, વોર્ડ નં.૧૪માં કેવડાવાડી વિસ્તારમાં ૩ યુનિટ અને વોર્ડ નં.૧૭માં અટીકા ઈન્ડસ્ટ્રીયલ એરીયામાં ૩ યુનિટ સહિત કુલ ૧૯ યુનિટ મિલકત ટાંચ જપ્તીની નોટીસ ફટકારવામાં આવી છે.