મેડિકલ કોલેજના ડિન ડો.ગૌરવીબેન ધૃવનો રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રને રાહત
વધુ ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા શહેરમાં કોરોનાનો આંક ૧૫૧ એ પહોંચ્યો: ૬ દર્દીઓના મોત
રાજકોટ પી.ડી.યુ. મેડિકલ કોલેજના ડિનના પર્સનલ આસિસ્ટન સહિતનો સ્ટાફ કોરોનાના ભરડામાં સપડાતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. જ્યારે ગઈ કાલે સંતકબીર રોડ પર પોઝિટિવ આવેલા મહિલાનું સારવારમાં મોત નિપજ્યું છે. જ્યારે સૌરાષ્ટ્રમાં પણ કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. ધોરાજી અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ કોરોના વિસ્ફોટ સાથે વધુ પોઝિટિવ કેસ નોંધાયા છે.
રાજકોટમાં કોરોના કહેર વધતો રહ્યો છે. અનલોકમાં કોરોના અનલોક થયો હોય તેમ ગઈ કાલે આવેલા પાંચ પોઝિટિવ કેસ બાદ વધુ ચાર કેસ કોરોના પોઝિટિવ આવ્યા છે. ગઈ કાલે રાજકોટમાં શાલીગ્રામ એપાર્ટમેન્ટના ૬૨વર્ષના અનંતરાય કાબાભાઈ કાલરીયા અને મેડિકલ કોલેજના ડિનના ક્લાર્ક અને પુષ્કરધામ-૬ માં રહેતા દિપકભાઇ હસમુખભાઈ વોરા કોરોનાની ઝપટે ચડી ચુકતા તેમના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા ડિન સહિતના સ્ટાફના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં આજ રોજ મેડિકલ કોલેજ ડિનના વધુ એક ક્લાર્ક અને મવડી રામેશ્વર પાર્કમાં રહેતા કિરીટભાઈ નારોતમભાઈ સરધારા(ઉ.વ.૫૨) અને ડિનના પી.એ. રેલનગર કોપર ગ્રીન સિટીમાં રહેતા પરિમલભાઈ ચંપકભાઈ શુક્લા (ઉ.વ.૩૦) અનેપેડક રોડ પર રણછોડ નગર ૨૮ માં રહેતા અશોકભાઇ કરમસિંહભાઇ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે કોરોનાગ્રસ્ત દર્દીમાં સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતા રેણુકાબેન જયવંત ભાઈ ઝીંઝુવાડિયા(ઉ.વ.૫૬) કોરોના પોઝિટિવ જાહેર થયા કલાકોમાં જ તેમનું મોત નિપજ્યું હતું. મેડિકલ કોલેજના ત્રણ કર્મચારીઓ કોરોનાના ભરડામાં સપડાતા કોલેજના ડિન ડો. ગૌરવી બેન ધૃવનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો જે નેગેટીવ આવ્યો છે.
રાજકોટ શહેરમાં કોરોનાની વધતી જતી દહેશતમાં હવે મેડિકલ કોલેજના સ્ટાફ પણ સપડાતા ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. લોકલ ટ્રાન્સમિશનથી વધતા જતા કોરોના કેસ આરોગ્ય વિભાગને દોડતું કર્યું છે. રાજકોટ શહેરમાં અત્યાર સુધી ૧૫૦ કોરોનાગ્રસ્ત કેસ અને ૬ લોકોના મોત નિપજ્યાનું જાણવા મળ્યું છે.
ધોરાજીમાં પણ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા વાયુવેગ થી વધી રહી છે. ધોરાજી પોસ્ટ ઓફીસ પાછળ આવેલા અમીન પાર્કમાં ૩૮ વર્ષીય મુસ્લિમ યુવાનનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાગ્રસ્ત યુવાનની ટ્રાવેલિંગ હિસ્ટ્રીમાં પોતે પોરબંદરથી આવ્યો હોવાનું જણાવ્યું હતું. અત્યાર સુધી ધોરાજીમાં કોરનાના ૧૦ પોઝિટિવ કેસ નોંધાયા છે.
સુરેન્દ્રનગરમાં કોરોના વિસ્ફોટ સર્જાયો હતો.છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવ પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે સાત્ત દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓએ ઘર વાપસી કરી છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપૂર ગામના દેવાંગભાઈ પટેલનું કોરોનામાં મોત થયા બાદ તેમના પત્નિ અને કુંજનબેન અને પુત્ર ધ્રુવ પટેલ પણ કોરોના ચેપમાં સપડાયા છે. જ્યારે ડાયમંડ સોસાયટીમાં તથા સી.યુ. શાહ મેડિકલ કોલેજ ઇમરજન્સીમાં ફરજ બજાવતા ડો. તૃપાલ દેસાઈ સહિત જિલ્લામાં વધુ ૯ કપરોના પોઝિટિવ કેસ નોંધાતા કૂલ કોરોનાગ્રસ્તનો આંક ૧૨૩ થયો છે.
કનકનગરની મહિલાએ રિપોર્ટ આવ્યાના ૧૦ કલાકમાં દમ તોડયો
રાજકોટ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. તેમાં ગઈ કાલે રેલનગર શ્રીનાથદ્વારા સોસાયટીના ભાનુબેન ધીરુભાઈ સોની નામના મહિલાનું મોત નિપજ્યું હતું. ત્યાર બાદ ગઈ કાલે સાંજે સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતા રેણુકાબેન જયવંતભાઈ ઝીંઝુવાડિયા નામના ૫૬ વર્ષના પ્રોઢાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં માત્ર ૧૦ કલાકની ટૂંકી સારવારમાં જ મહિલાએ દમ તોડતા તંત્રમાં ચિંતાનો વ્યાપ વધી રહ્યો છે. પોઝિટિવ કેસની સાથે માત્ર બે દિવસમાં બે કોરોના દર્દીએ દમ તોડતા તંત્ર દોડતું થયું છે. જ્યારે રાજકોટ શહેરમાં અત્યા સુધી કોરોના વાયરસે ૬ વ્યક્તિઓના ભોગ લીધા છે.