- છેલ્લા બોલ સુધી રોમાંચક રહેલા ફાઇનલના જંગમાં ઇલેક્ટ્રોનિક્સ મીડિયા 7 રને વિજેતા થયું
- નવનીત-જીતની આક્રમક બેટીંગના સહારે ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ 164 રનનો સ્કોર ખડક્યો: જીત કક્કડે અણનમ 62 રન અને 3 વિકેટ મેળવી મેન ઓફ ધ મેચ બન્યો
દર વર્ષે મિડીયા કર્મીઓની ભાગદોડભરી જીંદગી અને સ્ટ્રેસથી મુક્ત થવા ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. જેમાં આ વર્ષે અબતક અને ઇલેક્ટ્રોનીક્સ મિડીયા વચ્ચે ફાઇનલનો મહાજંગ ખેલાયો હતો. જેમાં અતિ રોમાંચક અને કસોકસ વચ્ચે ઇલેક્ટ્રોનીક્સ મિડીયાની અબતક સામે ભવ્ય જીત થઇ હતી. અબતક મિડીયા અને ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ખૂબ જ સુંદર દેખાવ કરીને ફાઇનલમાં પહોંચી હતી.
રવિવારે રાજકોટના ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ માધવરાવ સિંધીયા ખાતે સાંજે 6:00 કલાકે મેચનો પ્રારંભ થયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છના ઇન્કમટેક્સના ચીફ કમિશનર બી.એલ. મીણાના હસ્તે ટોસ ઉછાળવામાં આવ્યો હતો. જેમાં અબતકે ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં હતા.
જવાબમાં અબતકે ખૂબ જ સાહસિક રમત રમતા નિર્ધારિત 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન બનાવ્યાં હતા. અબતક જીતથી થોડું દૂર રહ્યુ હતું. અતિ રોમાંચક અને કસાકસીભર્યાં મેચમાં ઇલેક્ટ્રોનીક્સ મિડીયાનો 7 રને વિજય થયો હતો. ફાઇનલ મેચ દરમિયાન અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાં રાજકોટના મેયર ડો.પ્રદિપ ડવ, અબતક મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડરી, ભાજપ ઓબીસી સેલના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. જે.વી.ધોળા, પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂત, પૂર્વ કોર્પોરેટર ઘનશ્યામસિંહ જાડેજા, ભાજપ મહિલા અગ્રણી કાશ્મિરાબેન નથવાણી, રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ સાહોલીયા, વોટર વર્ક્સના સમિતિના ચેરમેન દેવાંગભાઇ માંકડ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.
ટૂર્નામેન્ટને સફળ બનાવવા આયોજક તુષારભાઇ રાચ્છ અને કિન્નરભાઇ આચાર્યએ ખૂબ મોટી જહેમત ઉઠાવી હતી.
અબતક ટીમનો જુસ્સો વધારવા અબતક મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા તેમજ સમગ્ર અબતક પરિવાર ઉપસ્થિત રહ્યો હતો અને ટીમને જોશ પૂરો પાડ્યો હતો.
ફાઇનલ મેચ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. રાજકોટની ક્રિકેટપ્રેમી જનતા પણ આ મેચ નિહાળવા ઉમટી પડી હતી. મેચમાં છેલ્લી ઓવર સુધી રસાકસી જોવા મળી હતી. પ્રથમ બેટીંગ કરતા ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યાં હતાં. અબતકના બોલરોએ ધારદાર બોલીંગ કરતા પ્રથમ ઓવરમાં જ ભાવેશ લશકરીને આઉટ કર્યો હતો.
ત્યારબાદ પાંચમી ઓવર ઇલેક્ટ્રોનીક્સ મિડીયાએ બીજી વિકેટ પણ ગુમાવી દીધી હતી. ઇલેક્ટ્રોનીક્સ મિડીયા તરફથી જીત કક્કડે 62 રન બનાવ્યાં હતા અને 3 વિકેટ ઝડપી હતી. તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા. નવનીત લશ્કરીએ પણ જીતનો સાથ દેતાં 25 બોલમાં આક્રમક 55 રન ફટકાર્યા હતાં. અબતકના બોલરોનું પણ શ્રેષ્ઠ પ્રદર્શન જોવા મળ્યું હતું. અબતક તરફથી સંજય, તેજસ અને મોનિલે બે-બે જ્યારે આશિષ નાગે એક વિકેટ ઝડપી હતી.
165 રન ચેસ કરવા ઉતરેલી અબતકની શરૂઆત સારી રહી ન હતી. ઇનિંગની બીજી જ ઓવરમાં અબતકે વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ તુષારભાઇ રાચ્છે ઇનિંગ સંભાળી હતી અને 21 રન ફટકાર્યા હતા. મેચમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યા હતા. છેલ્લી ઓવર સુધી મેચ રોમાંચક રહ્યો હતો. તેજસ ચૌહાણે 44, આશિષ નાગે 27 અને રોહિત ડાંગરે મહત્વપૂર્ણ 24 રન બનાવ્યાં હતાં. ઇલેક્ટ્રોનિક્સ મિડીયા તરફથી ચેતન, નવનીત અને ગૌતમે એક-એક વિકેટ ઝડપી હતી જ્યારે જીત કક્કડે મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી.
મેચ બાદ બંને ટીમનો ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. વિજેતા ઇલેક્ટ્રોનિક્સ મિડીયાને ટ્રોફી અને 51,000નું રોકડ પુરસ્કાર તેમજ રનર્સઅપ ટીમને ટ્રોફી તેમજ 31,000નું રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું હતું. તદ્ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી મહેશ રાજપૂત દ્વારા વિજેતા ટીમને 21,000 તેમજ રનર્સઅપને 11,000નો ચેક આપવામાં આવ્યો હતો. રાજકોટ ગોલ્ડ ડિલર્સ એસોસિએશનના પ્રમુખ ભાયાભાઇ દ્વારા વિજેતા ટીમને 5,000 તેમજ રનર્સઅપ ટીમને 2,500નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું.
પિન્કી બેનની ભાવ સાથેની વાનગીઓએ ટુર્નામેન્ટને રસપ્રચુર બનાવી દીધી
દર વર્ષે મિડીયા ક્રિકેટ ટૂર્નામેન્ટના તમામ મેચમાં પિન્કીબેન રાચ્છ દ્વારા મેચ દરમિયાન ખેલાડીઓને હાઇજેનીંક ફૂડ પીરસવામાં આવે છે.
તેઓ વર્ષોથી રમાતી આ ટૂર્નામેન્ટમાં પોતાનું યોગદાન આપે છે અને તમામ ખેલાડીઓને પિન્કીબેન રાચ્છની અવનવી વાનગીઓ દાઢે વળગે છે. પિન્કી બેનની ભાવ સાથેની વાનગીઓએ ટુર્નામેન્ટને રસપ્રચુર બનાવી દીધી