રાજકોટ મીડિયા કલબ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટ
અબતકે દિવ્ય ભાસ્કરને 12 રને હરાવ્યું: કુલદિપસિંહ રાઠોર મેન ઓફ ધ મેચ
રાજકોટ મીડિયા ક્રિકેટ ક્લબ દ્વારા આયોજિત ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટનો રવિવારના રોજ માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જોરદાર જંગ જામ્યો હતો. જેમાં રમાયેલા ત્રણ મેચમાં મીડિયા -11, આજકાલ અને અબતકનો શાનદાર વિજય થયો હતો. જેમાં નેટ રન રેટ પરથી મીડિયા -11 સીધો ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. જ્યારે આવતા શનિવારે સાંજે રાત્રિ પ્રકાશમાં અબતક અને આજકાલ વચ્ચે સેમી ફાઇનલનો જંગ જામશે.
ઇન્ટર પ્રેસ ક્રિકેટ ટૂર્નામેન્ટ તેની ચરમસીમા પર છે. ત્યારે રવિવારે માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ક્વાટર ફાઇનલ મુકાબલામાં ત્રણ મેચ રમાયા હતા.
જેમાં પ્રથમ મેચમાં મીડિયા-11 એ હેડ લાઈનને 52 રને મ્હાત આપી હતી. જ્યારે બીજા મુકાબલામાં આજકાલે કાઠિયાવાડ પોસ્ટને 9 વિકેટે અને આખરી મેચમાં અબતકે દિવ્ય ભાસ્કરને 12 રનથી હરાવ્યું હતું.
આખરી મેચમાં સેમી ફાઇનલમાં પ્રવેશવા માટે અબતક અને દિવ્ય ભાસ્કર વચ્ચે જંગ જામ્યો હતો.
જેમાં અબતક ટીમે ટોસ જીતી પ્રથમ બેટિંગ લીધી હતી. ધીરી શરૂઆતમાં અબતકે ચોથી ઓવરમાં બે વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ કેપ્ટન કુલદીપસિંહ રાઠોર અને આશિષ નાગ વચ્ચે 79 રનની મહત્વની ભાગીદારી થઈ હતી. જેની મદદથી અબતકે દિવ્ય ભાસ્કરને 176 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
પહેલી ઇનિંગમાં અબતક તરફથી કેપ્ટન કુલદીપસિંહ રાઠોડે 8 ફોર અને 3 સિક્ષરની મદદથી 38 બોલમાં 56 રનની મહત્વની ઇનિંગ રમી હતી. જ્યારે આશિષ નાગે 5 ફોર અને 3 સિક્ષરની મદદથી 34 બોલમાં 44 રન ફટકાર્યા હતા.
બીજી ઇનિંગ્સમાં 176 રનનો પીછો કરવા ઉતરેલી દિવ્ય ભાસ્કરની ટીમને પ્રથમ ઓવરમાં જ પહેલો ઝટકો લાગ્યો હતો. પરંતુ ત્યાર બાદ જયદીપ પ્રજાપતિ અને દિપક દાસ વચ્ચે થયેલી 95 રનની મહત્વની ભાગીદારીએ એક સમયે દિવ્ય ભાસ્કરની જીત સુનિશ્ચિત કરી હતી.
પરંતુ 10 ઓવર બાદ અબતકના બોલરોએ કમબેક કર્યો હતો અને બે ઓવરમાં બે વિકેટ ઝડપી ટીમને મેચમાં લઈ આવ્યા હતા.
મેચના મધ્યાંતરે બંને ટીમ સમતલ કક્ષાએ પ્રદર્શન કરી રહી હતી. પરંતુ ફાઇટ બેક કરી રહેલી અબતકની ટીમે આખરે મેચ 12 રને જીત્યો હતો. જેમાં ફરી એકવાર કુલદીપસિંહ રાઠોડે બેટિંગ બાદ બોલિગમાં પણ જબરજસ્ત પ્રદર્શન કરી 4 ઓવરમાં 38 રન આપી 2 વિકેટ ઝડપી હતી. જ્યારે મનીષ ગળથડિયા અને તેજસ ચૌહાણને એક – એક વિકેટ મળી હતી.
પ્રથમ મેચમાં મીડિયા -11એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. મીડિયા -11 તરફથી નવનીત લશ્કરી અને જીત કક્કડની ધુઆધાર બેટિંગ દ્વારા 158 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં હેડ લાઈન 105 રનમાં ઓલ આઉટ થઈ ગયું હતું. જેમાં શ્રવણ નથવાણીએ 4 વિકેટ ઝડપી હતી જેથી તેઓને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.બીજી મેચમાં કાઠિયાવાડ પોસ્ટ અને આજકાલ વચ્ચે રમાઇ હતી. જેમાં પ્રથમ બેટિંગ કરતા કાઠિયાવાડ પોસ્ટે 20 ઓવરમાં 8 વિકેટ નુકશાનએ 135 રન બનાવ્યા હતા.
જેમાં કાઠિયાવાડ પોસ્ટ તરફથી રક્ષિત વ્યાસે 22 બોલમાં બે ચોક્કા અને પાચ સિક્ષરની મદદથી તાબડતોડ 41 રન ફટકાર્યા હતા. જ્યારે હેમંતના 31 રનની પારીની મદદથી કાઠિયાવાડ પોસ્ટે આજકાલને 136 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં આજકાલની ટીમની પ્રથમ વિકેટ 9 રન પર પડી હતી. પરંતુ ત્યાર બાદ મિહિર જોષી અને હરિત ગણાત્રાની અણનમ ભાગીદારીની મદદથી આજકાલે 9 વિકેટથી મેચ જીત્યો હતો. જેમાં 67 રનની ધારદાર ઈનિંગ અને બે વિકેટ મેળવતા તેઓને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યા હતા.
ઈન્ટરપ્રેસ ક્રિકેટ ટુર્નામેન્ટનું 1લી એપ્રિલના સેમી ફાઇનલ અને 8મી એપ્રીલે ફાઇનલ મુકાબલો રમાશે.