ઝિમ્બાબ્વેથી આવેલા 32 વર્ષીય વ્યકિતના સંપર્કમાં આવેલા વધુ બે સભ્યો પણ કોરોના પોઝિટિવ: છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનાં 5 ગણા કેસ, કુલ આંકડો 21એ પહોંચ્યો
અબતક, રાજકોટ
છેલ્લા દોઢેક વર્ષ કરતાં પણ વધુ સમયથી કોરોના વિશ્વ આખાને દંઝાડી રહ્યો છે. એમાં પણ કોરોનાના નવા નવા ’કલર’ સામે આવતા નવું નવું જોખમ ઊભું થઈ રહ્યું છે. હાલ કોરોનાનો નવો કલર ઓમિક્રોન ભારત સહિત વિશ્વના તમામ દેશો માટે મોટી ચિંતાનું કારણ બન્યો છે. વિશ્વભરમાં વધી જઈ રહેલા આ નવા વેરિએન્ટના કેસને લઈ જોખમ વધ્યું છે. તો સામે સ્થાનિક તંત્ર સહિત રાજ્ય તેમજ કેન્દ્ર સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. ઓમિક્રોનને દેશમાં પ્રવેશતા અટકાવવા તમામ પ્રયાસો થઇ રહ્યા છે પરંતુ તેમ છતાં દક્ષિણ આફ્રિકામાં શોધાયેલો નવો વેરિએન્ટ અંતે ભારતમાં પહોંચી ગયો છે અને છેલ્લા 24 કલાકમાં કેસ પાંચ ગણા વધ્યા છે. હાલ ભારતમાં નવા વેરિએન્ટના કેસ 21એ પહોંચી ગયા છે. જ્યારે ગુજરાતમાં જામનગરમાં ઓમિક્રોન વેરિએન્ટના વધુ બે શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થઇ ગયું છે.
ગુજરાતમાં ઓમિક્રોનનો પ્રથમ કેસ જામનગરમાં શનિવારના રોજ નોંધાયો હતો. ભારતીય મૂળના અને 72 વર્ષીય વૃદ્ધ વ્યક્તિ ઝિમ્બાબ્વેથી પરત ફરતા અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્ક્રીનીંગ અને ટેસ્ટ કરવામાં આવતા પોઝિટિવ નોંધાયા હતા. જેના પગલે તેમના સંપર્કમાં આવેલા અન્ય બે ઘરના સભ્યો પણ કોરોના પોઝિટિવ નોંધાયા છે. જોકે આ બંને લોકો ઓમિક્રોનથી સંક્રમિત થયા છે કે નહીં તે હજુ સ્પષ્ટ થયું નથી..?? ઓમિક્રોન વેરિએન્ટ છે કે કેમ તે જાણવા બંને સેમ્પલ ગાંધીનગરની લેબમાં મોકલવામાં આવ્યા છે. તેમજ હાલ આ બંને લોકોને જામનગરની હોસ્પિટલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે.
ઝિમ્બાબ્વેથી જામનગર આવેલા એક વૃદ્ધમાં ઓમિક્રોન વેરિઅન્ટના શંકાસ્પદ લક્ષણો દેખાતા થોડા દિવસ પહેલા તેને જામનગરની ડેન્ટર કોલેજમાં ઉભા કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરવામા આવ્યા હતા. જેનો પોઝિટિવ રિપોર્ટ આવતા તંત્ર દ્વારા તેના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટાઈન કરી ટેસ્ટ કરવામા આવ્યા હતા. જેમાં બે લોકોના કોરોના પોઝિટિવ રિપોર્ટ મળી આવતા આરોગ્ય તંત્રની ચિંતા વધી છે.
આજે ઓમિક્રોન વેરિઅન્ટના જે શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. તે બંને દર્દી ગઈકાલે નોંધાયેલા પોઝિટિવ કેસના પરિવારમાંથી જ હોવાનું સામે આવ્યું છે. બંનેના કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ જામનગરની કોવિડ હોસ્પિટલમાં આઈસોલેટ કરવામા આવ્યા છે. બંને દર્દી ઓમિક્રોન વેરિઅન્ટના કારણે સંક્રમિત છે કે નહીં તે જાણવા માટે સેમ્પલ લઈ ગાંધીનગર લેબોરેટરીમાં મોકલી અપાયા છે.દેશમાં ત્રણ જ દિવસમાં ઓમિક્રોન વેરિઅન્ટના ચાર રાજ્યોમાં 21 કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 8 , કર્ણાટકમાં 2, રાજસ્થાનમાં 9 અને દિલ્લી-ગુજરાતમાં 1-1 કેસ નોંધાયો છે. ગુજરાતનો એકમાત્ર કેસ જામનગર શહેરમાં નોંધાયો છે.
મહારાષ્ટ્રમાં રવિવારે ઓમિક્રોનના 7 નવા કેસ સામે આવ્યાં છે. પિંપરી ચિંચવાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ મળી આવેલા 7 લોકોના સેમ્પલ્સને જીનોમ સીક્વેન્સિંગમાં કોરોનાના નવા વેરિયન્ટની પુષ્ટિ કરવામાં આવી છે. આ તમામને કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે.
રવિવારે સવારે દિલ્હીમાં ઓમિક્રોનનો પહેલો કેસ મળી આવ્યો હતો. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને જણાવ્યું કે સંક્રમિત લોકો ટાન્ઝાનિયાથી આવ્યા હતા. એરપોર્ટ પર તપાસ કરવામાં આવ્યા બાદ તેઓને ઓમિક્રોનથી સંક્રમિત થયા હોવાની જાણકારી સામે આવી છે. તેઓને દિલ્હીની કગઉંઙ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.