મહિલાઓની છાતી માપવી શારીરિક તંદુરસ્તીનું માપદંડ?
છાતીનું માપદંડ મહિલાઓના ગોપનિયતાના અધિકાર પર તરાપ: રાજસ્થાન હાઇકોર્ટ
એક મહત્વપૂર્ણ ચુકાદામાં રાજસ્થાન હાઈકોર્ટે ફોરેસ્ટ ગાર્ડની પોસ્ટ માટે ભરતીની યોગ્યતાના માપદંડને ’મનસ્વી’, ’અત્યાચારી’ અને ’મહિલાઓની ગરિમાનું અપમાન’ ગણાવ્યું છે. ફોરેસ્ટ ગાર્ડની શારીરિક પરીક્ષામાં મહિલાઓની છાતીના માપ લેવા બાબતે રાજસ્થાન હાઇકોર્ટે આ ટિપ્પણી કરી છે. હાઇકોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે, છાતીનું માપ શારીરિક તંદુરસ્તીનું માપદંડ ન હોઈ શકે અને આ પ્રકારનું કૃત્ય નારી ગૌરત્વના હનન સમાન છે.
મહિલાની છાતીનું કદ તેની શક્તિ નક્કી કરવાનું માપદંડ નથી તેવુ જણાવતા જસ્ટિસ દિનેશ મહેતાની ખંડપીઠે ભારપૂર્વક કહ્યું હતું કે, છાતીના માપનનો માપદંડ માત્ર વૈજ્ઞાનિક રીતે નિરાધાર જ નથી લાગતો પણ અવૈચારિક પણ છે.
આ અદાલત ખાસ કરીને મહિલા ઉમેદવારો માટે છાતીના માપદંડ તરીકે સેટ કરવાની ઉત્તરદાતાઓનું કાર્ય સંપૂર્ણપણે મનસ્વી ગણે છે અને આ બાબતને અપમાનજનક ગણે છે. આ પ્રકારનું કૃત્ય એક મહિલાની ગરિમા અને ગૌરવ પર સ્પષ્ટ ઘા છે. ભારતના બંધારણની કલમ 14 અને 21 હેઠળ ગોપનીયતાના અધિકારનો ઉલ્લંઘન પણ ગણી શકાય તેવું કોર્ટે ઉમેર્યું હતું.
મહિલા ઉમેદવારના કિસ્સામાં છાતીનું કદ અને તેનું વિસ્તરણ એ શારીરિક તંદુરસ્તી અને ફેફસાંની ક્ષમતાના લિટમસ ટેસ્ટનું સૂચક હોવું જરૂરી નથી. જો આવું હોય તો પણ આવા માપન વ્યક્તિની ગોપનીયતા પર અસર કરે છે.
ભરતી નીતિ/નિયમો ઘડતી વખતે વહીવટી સત્તાધીશોઓ દ્વારા પ્રદર્શિત સંવેદનશીલતાના અભાવથી વ્યગ્ર હોવાને કારણે કોર્ટે વન વિભાગના સચિવ તેમજ સંબંધિત વિભાગોને આ નિયમ પર ફરીથી વિચાર કરવા જણાવ્યું છે. કોર્ટે એવુ સૂચન કર્યું હતું કે સરકારી વિભાગો ફેફસાંની ક્ષમતાના ઇચ્છિત સ્તરને નિર્ધારિત કરવા માટે વૈકલ્પિક માધ્યમોની શક્યતા શોધવા નિષ્ણાતોના મંતવ્યો માંગી શકે છે જેથી કરીને ખાતરી કરી શકાય કે મહિલા ઉમેદવારોનું અપમાન ટાળી શકાય.