કોરોના વાયરસના સંક્રમણના કારણે દેશભરમાં લોકડાઉન અમલમાં છે. લોકડાઉનના મુશ્કેલ સમયમાં જરૂરીયાતમદો અને ગરીબ લોકોને સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્રારા અનાજ અને ભોજનની સેવા કરવામાં આવી રહી છે. ધારાસભ્યશ્રી વિમલભાઈ ચુડાસમાના આર્થિક સહયોગથી તેમની સેવાકીય ટીમ દ્રારા દરરોજ વેરાવળ અને પાટણ શહેરમાં જરૂરીયાતમંદ લોકોને ભોજન પિરસવામાં આવી રહ્યું છે.
ધારાસભ્યની ટીમ દ્રારા સિધીં સમાજની વાડી લીલાશાહ ભવન વેરાવળ ખાતે દરરોજ સાંજે ૨ હજારથી વધુ લોકો જમી શકે એટલું ભોજન બનાવવામાં આવે છે. દરરોજ અલગ અલગ ભોજનમાં શિખંડ-પુરી, પાંઉભાજી, પુલાવ, કઢી-ખીચડી અને શાક, રોટલા બનાવી પ્રભાસ-પાટણના હરીજનવાસ, કોળીવાડા, મુસ્લિમ સમાજ અને ઝુપડપટ્ટી સહિતના વિસ્તારમાં રહેતા ગરીબ તેમજ જરૂરીયાતમંદ લોકોને ભોજન પિરસવામાં આવી રહ્યું છે.
ઉપરાંત વેરાવળના મફતીયાપરા, રબારીવાળા, વાણંદ સોસાયટી, હરીજનવાસ, આવાસ યોજના કર્વાટર, ગોકુલ નગર, હુડકો અને લવકુશ સોસાયટીમાં સેવાભાવી લોકોની ટીમ દ્રારા ગરીબ લોકોને ભોજન પિરસી સેવાયજ્ઞમાં જોડાયા છે.
સિંધી સમાજ દ્રારા ભોજન બનાવવા માટે તેમની વંડી તેમજ ભોજન પહોંચાડવા માટે બે રિક્ષા નિશૂલ્ક સેવા આપી ખરાસમયે માનવતા દાખવી છે.
શહેરના જુદા-જુદા વિસ્તારોમાં સાંજે ૫ થી ૯ કલાક દરમ્યાન સેવાભાવી લોકોની ટીમ દ્રારા ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ સેવાયજ્ઞ તા.૧૯ એપ્રિલથી શરૂઆત કરવામાં આવી હતી. અને લોકડાઉન અમલમાં રહેશે ત્યાં સુધી ભોજન વિતરણની સેવા કરવામાં આવશે.
જીવન જ્યોત સેવા ટ્રસ્ટના પ્રમુખશ્રી બકુલભાઈ પટેલ, હેલ્થ એજ્યુકેશનના પ્રમુખશ્રી અફઝલભાઈ પંજા અને દાતાશ્રીઓના સહયોગથી આ સેવાયજ્ઞ કાર્યરત છે. આ સેવાકાર્યમાં દિનેશભાઈ રાયઠઠા, દિનેશભાઈ ખખ્ખર, ભગાભાઈ, યજ્ઞેશભાઈ સીરોદરીયા સહિત ૧૭ લોકોની સેવાભાવી ટીમ અને સિંધી સમાજના યુવાનો સેવાયજ્ઞમાં જોડાયા છે.