ઝુલતા પુલ દુર્ધટના મામલે રિમાન્ડ પુરા થતા કોર્ટના આદેશથી જેલમાં ધકેલાયા

મોરબી ઝૂલતા પુલ દૂર્ઘટના કેસમાં ભાગેડુ જયસુખ પટેલ કોર્ટ સમક્ષ હાજર થયા બાદ પોલીસે કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ આજે પૂર્ણ થતા  જયસુખ પટેલને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યા છે. ઓરેવા ગ્રુપના એમડી જયસુખ પટેલને પોલીસે કોર્ટમાં રજુ કરી તા. 08 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ દરમિયાન પોલીસે  જયસુખ પટેલની વિવિધ મુદ્દે પૂછપરછ કરી તપાસ ચલાવી હતી અને આજે રિમાન્ડ પૂર્ણ થતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જયસુખ પટેલને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં ફર્ધર રિમાન્ડની માંગણી કરવામાં આવી ના હોવાથી કોર્ટે  જયસુખ પટેલને હાલ જેલહવાલે કર્યો છે.

ઝૂલતા પુલ દુર્ઘટનામાં  135 મૃત્યુ પામેલા મૃતકોના પરિવારો સતત એકસૂરે જયસુખ પટેલની ધરપકડની માગ કરી રહ્યા હતા. ત્યારે હવે જયસુખ પટેલ કોર્ટ સમક્ષ રજૂ થઇ જતાં કોર્ટના આદેશ બાદ જયસુખ પટેલને જેલ હવાલે કર્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી. જ્યાં જયસુખ પટેલને લોકોની ભારે ભીડ વચ્ચે પોલીસની ગાડીમાં જેલ હવાલે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં લોકોએ જયસુખ પટેલને જેલ લઈ જતી પોલીસની ગાડીનો ઘેરાવો કર્યો હતો અને કોર્ટની બહાર જ ’જયસુખ હાય હાય’ના નારા લાગ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, મોરબી ઝુલતા પુલની ગોઝારી ઘટનામાં 135 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો ત્યારે મુખ્ય આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલનું નામ ઉમેરવા માટે લાંબી મથામણ કરવામાં આવી હતી. આખરે જયસુખ પટેલને આરોપી તરીકે ઘોષિત કર્યા બાદ તેણે કોર્ટમાં સરેન્ડર કર્યું હતું જેના  રિમાન્ડ પૂર્ણ થતા પોલીસે વધારાના રિમાન્ડની માંગણી ન કરતા જયસુખ પટેલને જેલ હવાલે કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.