રાજકોટમાં લુખ્ખાઓ બેખૌફ
સંબંધીની પાસે ઉઘરાણી કરતા માથાભારે શખ્સોને પૈસા ચુકવી આપવાની જવાબદારી લેતા સવારે એક લાખ પડાવ્યા બાદ સાંજે આરકેસી પાસે બોલાવી માર મારી રિયલ ડાયમંડ ઘડીયાળ, સોનાનો ચેન અને રોકડની લૂંટ ચલાવી ચાર શખ્સો ભાગી ગયા
ઘટનાને 15 કલાક વિતવા છતાં પોલીસે ફરિયાદ ન નોંધી: પોલીસની ભેદી ભૂમિકાની ચર્ચા
એમસીએકસના માથાભારે સટ્ટોડીયાઓના ત્રાસથી સોની યુવક રાજકોટથી જીવ બચાવી સુરત ભાગી ગયો
શહેરમા ચોર, લૂંટારા અને ગઠીયાને પોલીસનો ડર ન હોય તેમ બેખૌફ બની ગયા હોય તેમ સોની વેપારીના સંબંધી પાસેથી એમસીએકસ સટ્ટાના રુા.8 લાખની વસુલાત કરતા નિર્દોષ વેપારીને આરકેસી પાસે બોલાવી ચાર માથાભારે શખ્સોએ પાઇપ અને ધોકાથી માર મારી પગ ભાગી નાખી સોનાનો ચેન, રિયલ ડાયમંડ ઘડીયાર અને રુા.1.50 લાખ રોકડાની લૂંટ ચલાવ્યા ઘટના પ્રકાશમાં આવતા સનસનાટી મચી ગઇ છે. ગંભીર રીતે ઘવાયેલા સોની વેપારીને રાહદારીઓએ 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ પેલેસ રોડ પર સ્વામીનારાયણ એપાર્ટમેન્ટમાં રહેતા અને સોની બજારમાં દાગીનાની ઘડાઇનું કામ કરતા વિજયભાઇ હરીલાલ પાટડીયા નામના સોની વેપારીને આરકેસી પાસે નિલ સિટી કલબ પાસે ગ્રીન એવર્ન્યુ-2માં રહેતા એમસીએકસના ધંધાર્થી મિતરાજસિંહ શૈલેન્દ્રસિંહ ગોહિલ તેના સાગરીત અર્જુનસિંહ, પરાગ ુઉર્ફે પપ્પુ અને એક અજાણ્યા શખ્સે પાઇપ, લાકડી અને ધોકાથી માર મારી સોનાનો ચેન, રિયલ ડાયમંડ ઘડીયાર અને રુા.1.50 લાખ રોકડાની લૂંટ ચલાવ્યાનો વિજયભાઇ પાટડીયાએ જણાવ્યું છે.
વિજયભાઇ પાટડીયાના સંબંધી કાનાભાઇ કાંતીભાઇ પાટડીયા સોની બજારમાં એમસીએકસનો ધંધો કરતા મિતજરાજસિંહ ગોહિલ પાસે પંદર દિવસ પહેલાં રુા.8 લાખ હરી જતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી. ત્યારે વિજયભાઇ પાટડીયા વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. મિતરાજસિંહ ગોહિલના ડરના કારણે કાનો પાટડી.યા રાજકોટ છોડી સુરત ભાગી ગયો હતો.
કાનાની શોધખોળ કરતા મિતરાજસિંહ ગોહિલ સુરત પહોચ્યા હતા અને ત્યાં ધાક ધમકી દીધી હોવાથી વિજયભાઇ પાટડીયાએ મિતરાજસિંહ ગોહિલને પોતાની દુકાનેથી એક લાખ લઇ જવા જણાવ્યું હતું. ગઇકાલે સોમવારે સવારે મિતરાજસિંહ ગોહિલ એક લાખ રોકડા લીધા બાદ સાંજે મોબાઇલમાં વાત કરી આરકેસી ખાતે બોલાવતા વિજયભાઇ પાટડીયા ત્યાં ગયા હતા. મિતરાજસિંહ ગોહિલ અને તેના સાગરીતોએ પાઇપ, ધોકા અને લાકડીથી માર મારી અર્જુનસિંહને કારમાંથી ગન લાવવાનું કહેતા વિજયભાઇ પાટડીયા ગભરાયા હતા. ઘટના સ્થળે ટોળુ એકઠું થઇ જતા હુમલાખોરો બ્લેક કલરની વર્ના કારમાં ભાગી ગયા હતા ત્યારે કોઇએ 108માં વાત કરી વિજયભાઇ પાટડીયાને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
વિજયભાઇ પાટડીયાની પ્ર.નગર પોલીસ ફરિયાદ માટે મધુરમ હોસ્પિટલ ગયા હતા ત્યારે તેમની સારવાર ચાલુ હોવાથી ફરિયાદ સવારે નોંધાવવાનું જણાવ્યું હતું. પોલીસે 15 કલાક બાદ પણ ફરિયાદ નોંધી નથી. પોલીસની આ બાબતે ભેદી ભૂમિકા હોવાની ચર્ચાએ ચકચાર જગાવ્યો છે. આમ છતાં પોલીસે ઘટના સ્થળની આજુબાજુના વિસ્તારના સીસીટીવી ફુટેજ મેળવવા કવાયત શરુ કરી છે. અને હુમલો કરી લૂંટ ચલાવી ભાગી છુટેલા મિતરાજસિંહ ગોહિલ સહિત ચારેય એમસીએકસના ધંધાર્થીની પોલીસે શોધખોળ હાથધરી છે.